US-Iran Agreement: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર થયાનો દાવો કરવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ કરાર પર હસ્તાક્ષર કર્યા હોવાની માહિતી એક અમેરિકી અધિકારીએ એએફપીને આપી છે.
માહિતી અનુસાર, ફ્રાન્સના વર્સાય પેલેસ ખાતે યોજાયેલા G7 શિખર સંમેલન બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથેના રાત્રિભોજન દરમિયાન ટ્રમ્પે વ્યક્તિગત રીતે આ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા.
બીજી તરફ, એક અહેવાલ અનુસાર ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઈલ બકાઈએ જણાવ્યું કે બંને દેશો વચ્ચેના સમજૂતી કરારના મસૌદાને રાષ્ટ્રપતિઓના હસ્તાક્ષર સાથે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. હવે તેના અમલીકરણની પ્રક્રિયા પર નજર રાખવામાં આવશે.
મૂળ આયોજન મુજબ આ કરાર પર સ્વિટ્ઝરલેન્ડમાં ઔપચારિક રીતે હસ્તાક્ષર થવાના હતા, જોકે તેહરાને સ્પષ્ટ કર્યું છે કે જિનેવામાં યોજાનારી બેઠક અગાઉ નક્કી થયેલા કાર્યક્રમ મુજબ જ યોજાશે.
ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગાલિબાફે પણ જણાવ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચેની ચર્ચાઓ યથાવત છે અને જિનેવામાં યોજાનારી બેઠક દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ સમજૂતી પર હસ્તાક્ષર થવાની શક્યતા છે.
ગાલિબાફે જણાવ્યું કે હોર્મુઝ જળમાર્ગ સંબંધિત મુદ્દાઓ પણ આ કરારનો ભાગ છે. ખાસ કરીને જળમાર્ગમાંથી પસાર થનારા જહાજો માટે લેવામાં આવતી સેવા ફી અંગેની જોગવાઈને સત્તાવાર સ્વરૂપ આપવામાં આવ્યું છે.
વિશ્લેષકોના મતે, આ સમજૂતી મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવને ઘટાડવા અને પ્રાદેશિક સ્થિરતા લાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જોકે, બંને દેશો તરફથી હજુ સુધી સંપૂર્ણ સત્તાવાર નિવેદનની રાહ જોવામાં આવી રહી છે.
