gujarat weather news/ ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી: 24 કલાકમાં 62 તાલુકામાં વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

ગુજરાત (Gujarat) માં 62 તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, બાલાસિનોરમાં 5.7 ઇંચ વરસાદ; ખેડૂતોમાં ખુશી તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાથી જનજીવન પ્રભાવિત.

Top Stories Gujarat
Gujarat

Gujarat Weather News: રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 62 તાલુકાઓમાં વરસાદ નોંધાતા ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. સાથે જ લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બગોદરા અને ધોલેરા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં પણ મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસતા લોકોને બફારામાંથી રાહત મળી હતી.

ઉત્તર ગુજરાતના વાવ-થરાદ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. લાખણી, દિયોદર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં નવી આશા જાગી છે. લાખણીના કુડા, મોરલ અને વાસણ ગામોમાં પણ વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે.

સાબરકાંઠામાં સીઝનનો પ્રથમ વરસાદ, લોકોમાં ખુશીની લહેર

સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. ઈડર અને હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. કાંકરોલ કંપા, બળવંતપુરા, હડિયોલ અને પીપળી કંપા વિસ્તારમાં વીજળીના ચમકારા વચ્ચે ધીમીધારે વરસાદ પડ્યો હતો. સીઝનના પ્રથમ વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

બનાસકાંઠામાં ત્રણ કલાક ધોધમાર વરસાદ, જનજીવન પ્રભાવિત

બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે ત્રણ કલાક સુધી વરસાદ વરસ્યો હતો. ઈકબાલગઢ અંદરબ્રિજમાં અંદાજે 7 ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને મોટા હોર્ડિંગ્સ પણ જમીનદોસ્ત થયા હતા. કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાતા તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી હતી.

મહેસાણાના અનેક ગામોમાં વરસાદ, ઉકળાટથી મળી મુક્તિ

મહેસાણા જિલ્લાના ખેરાલુ અને સતલાસણા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. વરેઠા, ડભોડા, મહેકુબપુરા, અરઠી, કાદરપુર, નાનીવાડા સહિત અનેક ગામોમાં વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. લાંબા સમયથી અસહ્ય ઉકળાટનો સામનો કરી રહેલા લોકોને વરસાદથી રાહત મળી છે.

બાલાસિનોરમાં 5.7 ઇંચ વરસાદ

રાજ્યના વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મહિસાગરના બાલાસિનોર તાલુકામાં 5.7 ઇંચ વરસાદ નોંધાયો છે. ભિલોડામાં 2.9 ઇંચ, સતલાસણામાં 2.8 ઇંચ, ધનસુરામાં 2.6 ઇંચ, ગળતેશ્વરમાં 2.2 ઇંચ, કપડવંજમાં 2.1 ઇંચ અને ઘોઘંબામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત જાંબુઘોડા, કડવલ, શાઠંબા, બાયડ, કઠલાલ, ગોધરા, મોઘરજ, કોઠંબા અને મોડાસા સહિતના તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

વરસાદના આગમનથી એક તરફ લોકોને ગરમીમાંથી રાહત મળી છે તો બીજી તરફ ખેડૂતોમાં સારા ચોમાસાની આશા વધુ મજબૂત બની છે. જોકે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવા અને પાકને નુકસાનની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : ચોમાસું બન્યું સક્રિય! દેશના 21 રાજ્યોમાં વરસાદ, આંધી અને વીજળીનું એલર્ટ

આ પણ વાંચો : ક્યાં અટકી ગયું ચોમાસું? ગુજરાતની ચિંતા વધી, વરસાદ માટે રાહ જોતા ખેડૂતોને ઝટકો

આ પણ વાંચો : ઉત્તર ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ, વરસાદી માહોલ વચ્ચે વધશે ઉકળાટ