નવી દિલ્હી,
વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં મોદી સરકારના ગઠન બાદ અત્યારસુધીમાં ઘણા બેન્કિંગ ગોટાળા સામે ચુક્યા છે, જેમાં દેશની અગ્રણી સરકારી બેન્કોમાંની એક પંજાબ નેશનલ બેન્કને જ્વેલરી કિંગ નીરવ મોદી અને મેહુલ ચોકસી દ્વારા લગાવવામાં આવેલો ૧૩,૦૦૦ કરોડ રૂપિયા કરતા વધુનો ચૂનો શામેલ છે.
આ વચ્ચે મોદી સરકાર દ્વારા છેલ્લા ૪.૫ વર્ષમાં દેશની સાર્વજનિક બેન્કોમાં થયેલા ભ્રષ્ટાચાર અંગેનો એક આકંડો જાહેર કરવામાં આવ્યો છે. સંસદમાં રજૂ કરાયેલા આંકડા મુજબ, ૨૦૧૪ બાદ અત્યારસુધીમાં બેન્કોને કુલ ૧ લાખ કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો છે.
સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી શિવપ્રતાપ શુક્લાએ આ આંકડો જાહેર કર્યો છે. તેઓએ આ બેન્કિંગ ગોટાળા અટકાવવા સરકાર શું પગલા ભરી રહી છે તે અંગેનો સંપૂર્ણ ડેટાબેઝ સંસદમાં રજુ કર્યો હતો.
સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, વર્ષ ૨૦૧૫-૧૬માં બેંકમાં થયેલા ગોટાળાના ૪૬૯૩ કેસ સામે આવ્યા છે અને એમાં કુલ ૧૮૬૯૯ કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો છે.
આ જ પ્રમાણે વર્ષ ૨૦૧૬-૧૭માં ૫૦૭૬ કેસમાં ૨૩૯૩૪ કરોડ રૂપિયા અને ૨૦૧૮-૧૯માં ૩૪૧૬ કેસમાં ૩૦૪૨૦ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે.
