Gandhinagar News/ ભૂમાફિયાઓ સામે સખ્ત કાર્યવાહી, ખનીજ ચોરીના 2 કેસમાં 60 લાખનો મુદ્દામાલ જપ્ત

ભૂસ્તર વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને ડમ્પર અને આશરે 60 લાખ રૂપિયાની કિંમતનો ખનીજ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Gujarat Gandhinagar
Yogesh Work 2025 03 07T210537.438 ભૂમાફિયાઓ સામે સખ્ત કાર્યવાહી, ખનીજ ચોરીના 2 કેસમાં 60 લાખનો મુદ્દામાલ જપ્ત

Gandhinagar News : ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે. દવેના નેતૃત્વ હેઠળ જિલ્લામાં ખનીજ ચોરી અને ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે ભૂસ્તર વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેના પરિણામે ભૂમાફિયાઓમાં ખળભળાટ મચી ગયો છે.

તાજેતરમાં, ભૂસ્તર વિભાગની ટીમે 05 માર્ચ 2025ના રોજ હાથ ધરેલી સઘન ચેકીંગ દરમિયાન સાદી રેતીનું ગેરકાયદેસર વહન કરતા બે ડમ્પરને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં પ્રથમ ડમ્પર ઉવારસદ ચોકડી પાસેથી પકડાયું હતું, જ્યારે બીજું ડમ્પર ચંદ્રાલા ગામ પાસેથી ઝડપાયું હતું. બંને ડમ્પરમાં રોયલ્ટી પાસ વગર અને ઓવરલોડ રેતીનું વહન કરવામાં આવી રહ્યું હતું.

ભૂસ્તર વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને ડમ્પર અને આશરે 60 લાખ રૂપિયાની કિંમતનો ખનીજ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ જપ્ત કરેલા વાહનોના માલિકો સામે ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઈલ્લીગલ માઈનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-2017 હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે. દવેએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, “ગાંધીનગર જિલ્લામાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં નહીં આવે. ભૂસ્તર વિભાગની ટીમ સતત કાર્યરત છે અને જિલ્લાના દરેક ખૂણે સઘન તપાસ કરી રહી છે. અમે ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છીએ.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “ગેરકાયદેસર ખનન અને વહનથી પર્યાવરણને નુકસાન થાય છે અને સરકારને મહેસૂલની પણ ખોટ જાય છે. અમે આ પ્રકારની પ્રવૃત્તિઓને રોકવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છીએ.”

ભૂસ્તર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓ જિલ્લામાં ખનીજ ચોરીને રોકવા માટે સતત પેટ્રોલિંગ અને ચેકીંગ કરી રહ્યા છે. તેમણે લોકોને પણ અપીલ કરી હતી કે, જો કોઈને પણ ગેરકાયદેસર ખનન અથવા વહન અંગેની માહિતી મળે, તો તેઓ તાત્કાલિક ભૂસ્તર વિભાગને જાણ કરે. આ કાર્યવાહીથી ગાંધીનગર જિલ્લામાં ભૂમાફિયાઓમાં ભયનો માહોલ ફેલાયો છે.