National News/ દિવાળીએ 2 દિવસ લીલા ફટાકડાની મંજૂરી, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને ધ્યાનમાં રાખીને કોર્ટે 7 અને 8 નવેમ્બરના રોજ નિયત સમય દરમિયાન જ Green Crackers (લીલા ફટાકડા) ફોડવાની મંજૂરી આપી છે.

Top Stories India Breaking News
પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાની સાથે તહેવારની ઉજવણી કરી શકાય તે હેતુથી કોર્ટે 7 અને 8 નવેમ્બરના રોજ લીલા ફટાકડા (Green Crackers) ફોડવાની મંજૂરી આપી છે

National News : દિવાળી (Diwali 2026) પહેલાં ફટાકડા ફોડવાને લઈને સુપ્રીમ કોર્ટે (Supreme Court)મોટો નિર્ણય લીધો છે. દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને ધ્યાનમાં રાખીને કોર્ટે 7 અને 8 નવેમ્બરના રોજ નિયત સમય દરમિયાન જ Green Crackers (લીલા ફટાકડા) ફોડવાની મંજૂરી આપી છે. જોકે, આ છૂટ કેટલીક શરતોને આધીન રહેશે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પ્રદૂષણ નિયંત્રણ માટે માત્ર સંપૂર્ણ પ્રતિબંધ લાદવો પૂરતો નથી, પરંતુ નિયમોનું અસરકારક પાલન પણ જરૂરી છે.

29 ઓક્ટોબર, 2026ના રોજ જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે આદેશ આપતાં જણાવ્યું હતું કે અગાઉના પ્રતિબંધ છતાં ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર અસરકારક નિયંત્રણ મેળવી શકાયું નહોતું. તેથી મર્યાદિત સમય માટે નિયંત્રિત છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

300 મીટરના વિસ્તારમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના આદેશ મુજબ હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, વૃદ્ધાશ્રમ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ 300 મીટરના વિસ્તારમાં ફટાકડા ફોડી શકાશે નહીં. નિયુક્ત સાઇલન્ટ ઝોનમાં પણ આ પ્રતિબંધ લાગુ રહેશે.

કોર્ટે ખાસ નોંધ્યું કે ફટાકડાના ધુમાડા અને અવાજથી બાળકો, વૃદ્ધો, બીમાર વ્યક્તિઓ અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ ધરાવતા લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ શકે છે. આથી સંબંધિત વિભાગોએ પ્રતિબંધિત વિસ્તારોમાં નિયમોનું કડક પાલન કરાવવાનું રહેશે.

QR કોડ વગરના ફટાકડાનું વેચાણ નહીં થાય

કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર CSIR-NEERI અને PESO દ્વારા મંજૂર કરાયેલા પ્રમાણિત ફટાકડાઓને જ ઉત્પાદન અને વેચાણની મંજૂરી મળશે. 2થી 6 નવેમ્બર દરમિયાન નિર્ધારિત નિયમો મુજબ તેનું ઉત્પાદન કરી શકાશે.

દરેક પેકેટ પર અનન્ય QR કોડ હોવો ફરજિયાત રહેશે. આ કોડ સ્કેન કરતાં ઉત્પાદક, નોંધણી, લાઇસન્સ અને નિરીક્ષણ સંબંધિત વિગતો જાણી શકાશે. ફટાકડાના પેકેટ સીલબંધ હોવા જોઈએ, જેથી તેમાં અન્ય પ્રતિબંધિત ફટાકડા ભેળવી ન શકાય.

આ ઉપરાંત ફટાકડાની લડી, બેરિયમ ધરાવતા ફટાકડા અને અમાન્ય ફટાકડાના ઉત્પાદન તથા વેચાણ પર પ્રતિબંધ રહેશે.

નિયત દુકાનો પર જ વેચાણ, ઓનલાઈન ખરીદી પણ બંધ

દિલ્હી-એનસીઆર (Delhi NCR)માં વહીવટીતંત્ર દ્વારા નક્કી કરાયેલા સ્થળો પર જ ફટાકડાનું વેચાણ કરી શકાશે. ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ફટાકડાની ખરીદી અને વેચાણ પર પણ પ્રતિબંધ રહેશે.

કેટલાક દુકાનદારોને 4થી 6 નવેમ્બર દરમિયાન ચોક્કસ શરતો સાથે અસ્થાયી વેચાણની મંજૂરી મળી શકે છે. જોકે, નિયમોનો ભંગ કરનાર વેપારીઓનાં લાઇસન્સ ફરી રદ થઈ શકે છે. ગેરકાયદેસર ફટાકડાનો પુરવઠો અટકાવવા દિલ્હી-એનસીઆરમાં પ્રવેશતાં વાહનોની તપાસ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

9 નવેમ્બરથી ફરી સંપૂર્ણ પ્રતિબંધ લાગુ થશે

સુપ્રીમ કોર્ટે (Supreme Court) ફટાકડા માટે આપેલી છૂટને કામચલાઉ ગણાવી છે. 9 નવેમ્બર, 2026થી દિલ્હી-એનસીઆરમાં ફટાકડા પર ફરી સંપૂર્ણ પ્રતિબંધ લાગુ થઈ જશે.

પ્રદૂષણની સ્થિતિ જાણવા માટે કેન્દ્રીય અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને દિવાળી પહેલાં, દરમિયાન અને પછી હવાની ગુણવત્તાના અહેવાલ તૈયાર કરવા જણાવાયું છે. 2થી 6 નવેમ્બર દરમિયાન પ્રી-દિવાળી, 7 અને 8 નવેમ્બરે દિવાળી દરમિયાન તથા 9થી 30 નવેમ્બર સુધી દિવાળી પછીના પ્રદૂષણનું નિરીક્ષણ કરવામાં આવશે.

આ ઉપરાંત પ્રદૂષણને કારણે હોસ્પિટલોમાં દાખલ થતા દર્દીઓની સંખ્યાનો ડેટા પણ એકત્રિત કરવામાં આવશે. સંબંધિત અધિકારીઓએ 14 ડિસેમ્બર સુધીમાં પાલન અને પ્રદૂષણ અંગેના અહેવાલો રજૂ કરવાના રહેશે.

કોર્ટે નાગરિકો, ફિલ્મ કલાકારો, રમતવીરો અને જાણીતી હસ્તીઓને પણ પ્રદૂષણમુક્ત દિવાળી ઉજવવા માટે જાગૃતિ ફેલાવવાની અપીલ કરી છે. કોર્ટે જણાવ્યું કે તહેવારની ખુશી સાથે લોકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું પણ એટલું જ જરૂરી છે.


આ પણ વાંચો: દિવાળી પર ફટાકડા ફોડવા મળશે, પરંતુ સમયમર્યાદા સાથે; સુપ્રીમ કોર્ટે સંપૂર્ણ પ્રતિબંધનો ઈનકાર કર્યો

આ પણ વાંચો: ફટાકડા પર પ્રતિબંધ દિલ્હી માટે ખાસ નિયમો બનાવી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ

આ પણ વાંચો: ફટાકડા પર પ્રતિબંધ મામલે સુપ્રીમમાં આજે સુનાવણી : દિલ્હી સરકારને 25મી નવેમ્બરની સમયમર્યાદા આપી હતી