Supreme Court Judgment for Homebuyers: સુપ્રીમ કોર્ટે (Supreme Court) મકાન ખરીદનારા ગ્રાહકોના પક્ષમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જો બિલ્ડર દ્વારા મકાન સોંપવામાં વિલંબ થયો હોય, તો ગ્રાહક ફ્લેટનો કબજો (પઝેશન) લીધા બાદ પણ વિલંબના સમયગાળાનું વળતર માગવા માટે સંપૂર્ણ હકદાર છે. માત્ર ચાવી મળી જવાથી ગ્રાહકનો વળતર મેળવવાનો કાયદાકીય અધિકાર ખતમ થઈ જતો નથી.
2016 ના રાષ્ટ્રીય ગ્રાહક કમિશનનો નિર્ણય રદ
આ કેસમાં 2016માં રાષ્ટ્રીય ગ્રાહક કમિશને ગ્રાહકની અરજી ફગાવી દીધી હતી અને એવું અવલોકન કર્યું હતું કે ગ્રાહકે વિરોધ નોંધાવ્યા વગર ફ્લેટનો કબજો લઈ લીધો છે, તેથી હવે તેઓ ગ્રાહક તરીકે વળતર માંગી શકે નહીં. જોકે, સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને રદ કરતા કહ્યું કે, મકાન સોંપવામાં થયેલો વિલંબ એ બિલ્ડરની નિષ્ફળતા છે અને ગ્રાહકને તેનો દાવો કરવાનો પૂરો અધિકાર છે.
શું હતો સમગ્ર મામલો?
આ કેસ દિલ્હીની એક કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી સાથે જોડાયેલો છે.
એક હોમ બાયર્રે 2003માં સભ્યપદ લીધું હતું, પરંતુ નક્કી કરેલા સમયમાં ફ્લેટ ન મળતા તેમણે 2005માં ગ્રાહક કમિશનમાં ફરિયાદ કરી હતી.
લગભગ બે દાયકા સુધી કાયદાકીય લડત ચાલ્યા બાદ સુપ્રીમ કોર્ટે(Supreme Court) અંતે ઘર ખરીદનારના પક્ષમાં ચુકાદો આપ્યો છે.
સુપ્રીમે એ પણ સ્પષ્ટ કર્યું કે એગ્રીમેન્ટમાં આર્બિટ્રેશનનો ઉલ્લેખ હોય તો પણ ગ્રાહક પોતાની ફરિયાદ લઈને ગ્રાહક કમિશનમાં જઈ શકે છે.
Supreme Courtના આ ચુકાદાથી કોને થશે લાભ?
આ નિર્ણયથી રેરા (RERA) અને ગ્રાહક સુરક્ષા ફોરમમાં પેન્ડિંગ રહેલા હજારો કેસમાં મોટી રાહત મળશે. જે ગ્રાહકોએ લાંબી રાહ જોયા બાદ ફ્લેટ તો લઈ લીધા છે, પરંતુ બિલ્ડરની મોડી ડિલિવરીથી આર્થિક નુકસાન વેઠ્યું છે, તેવા તમામ ગ્રાહકો હવે વળતર માટે દાવો કરી શકશે.
