Supreme Court: દેશમાં વધતા ડિજિટલ ફ્રોડના કિસ્સાઓને લઈને સુપ્રીમ કોર્ટે (Supreme Court) કડક વલણ અપનાવ્યું છે. અદાલતે આવા ગુનાઓને સીધી લૂંટ સાથે સરખાવતા કહ્યું કે આ ગંભીર મુદ્દો છે અને તેને હળવાશથી લઈ શકાય નહીં. ખાસ કરીને ગુજરાત અને દિલ્હી સરકારને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ડિજિટલ અરેસ્ટ જેવા કેસોમાં તપાસ માટે જરૂરી મંજૂરી આપવામાં કોઈ પણ પ્રકારનો વિલંબ ન થાય, જેથી કાર્યવાહી ઝડપી બની શકે.
SOPને સમગ્ર દેશમાં ફરજિયાત અમલમાં મૂકવા આદેશ
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે (Supreme Court) ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે અત્યાર સુધીમાં સાયબર ઠગ ટોળકીઓ દ્વારા અંદાજે રૂ.54,000 કરોડથી વધુની રકમની છેતરપિંડી કરવામાં આવી છે. આ સમસ્યાને નિયંત્રિત કરવા માટે કોર્ટે કેન્દ્ર સરકારને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની SOPને સમગ્ર દેશમાં ફરજિયાત અમલમાં મૂકવા આદેશ આપ્યો છે.
અદાલતે બેંક અધિકારીઓની ભૂમિકાને લઈને પણ સવાલ ઉઠાવ્યો
અદાલતે બેંક અધિકારીઓની ભૂમિકાને લઈને પણ સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે કેટલાક કેસોમાં બેદરકારી કે મિલીભગતની શક્યતા નકારી શકાય નહીં. RBIના નિયમ મુજબ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જોવા મળે તો તાત્કાલિક ડેબિટ કાર્ડ પર હોલ્ડ મૂકવાની કાર્યવાહી થવી જોઈએ, જેથી ગ્રાહકોના પૈસા બચાવી શકાય.
ડિજિટલ અરેસ્ટના કેસોની તપાસ કરવા સૂચના
આ મામલે સુપ્રીમ કોર્ટે CBIને દેશભરમાં નોંધાયેલા ડિજિટલ અરેસ્ટના કેસોની તપાસ કરવા સૂચના આપી છે. સાથે જ DoT, RBI સહિત અન્ય એજન્સીઓને ચાર અઠવાડિયામાં બેઠક યોજી સંયુક્ત ડ્રાફ્ટ તૈયાર કરવા જણાવ્યું છે, જેથી માહિતી શેરિંગ અને ફ્રોડ રોકવા માટે મજબૂત મિકેનિઝમ ઉભો કરી શકાય.
કોર્ટે પીડિતો પ્રત્યે માનવીય અભિગમ અપનાવતા કહ્યું
કોર્ટે (Supreme Court) પીડિતો પ્રત્યે માનવીય અભિગમ અપનાવતા કહ્યું કે ડિજિટલ ફ્રોડના ભોગ બનેલા લોકો માનસિક અને આર્થિક રીતે ભારે અસર ભોગવે છે. આવા પીડિતોને વળતર આપવા માટે અસરકારક માળખું તૈયાર કરવું જરૂરી છે અને વળતર પ્રક્રિયા સરળ અને વ્યવહારિક હોવી જોઈએ, જેથી તેમને વાસ્તવિક રાહત મળી શકે.
આ પણ વાંચો:સુપ્રિમ કોર્ટઃ “સરકાર સસ્તી સારવાર આપવામા નિષ્ફળ, ખાનગી હોસ્પિટલોને પ્રોત્સાહન મળ્યું”
આ પણ વાંચો:‘સન્માન સાથે મૃત્યુનો અધિકાર’ સુપ્રિમ કોર્ટના નિર્દેશનો અમલ કરનાર કર્ણાટક બન્યું પ્રથમ રાજ્ય
આ પણ વાંચો:ક્રેડિટ કાર્ડના બિલની સમયસર ચુકવણી ન કરી તો બેંક વધુ વ્યાજ વસૂલી શકશે: સુપ્રિમ કોર્ટ
