Supreme Court Period Leave: નોકરી કરતી મહિલાઓને માસિક ધર્મ (Periods) દરમિયાન ફરજિયાત રજા (Period Leave) આપવા અંગેની રાષ્ટ્રીય કાયદાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે આ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરતા સ્પષ્ટ કર્યું છે કે, જો આવી રજાઓને કાયદેસર રીતે ફરજિયાત બનાવી દેવામાં આવશે, તો સરવાળે તે મહિલાઓના કરિયર અને રોજગારી માટે નુકસાનકારક જ સાબિત થશે.
“કંપનીઓ મહિલાઓને નોકરી આપતા અચકાશે”
કોર્ટે આ અરજી ફગાવતા અત્યંત વ્યાવહારિક કારણ આપ્યું છે. CJI એ ટિપ્પણી કરતા જણાવ્યું કે, આ પ્રકારની અરજીઓ દેખીતી રીતે મહિલાઓની ક્ષમતાને ઓછી આંકવા માટે કરવામાં આવતી હોય તેવું પ્રતીત થાય છે. જો સરકાર ‘પીરિયડ્સ લીવ’ નો કાયદો થોપી દેશે, તો પ્રાઇવેટ કંપનીઓ અને સરકારી સેક્ટરમાં મહિલાઓને નોકરીએ રાખતી વખતે ભેદભાવ શરૂ થઈ જશે. નોકરીદાતાઓ (Employers) એવું કહેવા લાગશે કે, “તમને પીરિયડ્સ છે તો તમે ઘરે જ બેસો.” આના કારણે એવી ખોટી માનસિકતા ઊભી થશે કે કામના સ્થળે મહિલાઓ પુરુષો કરતાં નબળી છે, જે આખરે તેમની કારકિર્દીની પ્રગતિમાં મોટો અવરોધ ઉભો કરશે.

પીરિયડ્સ કોઈ બીમારી નથી, એક કુદરતી પ્રક્રિયા છે! : Supreme Court
કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે માસિક ધર્મ એ કોઈ બીમારી નથી, પરંતુ એક કુદરતી જૈવિક પ્રક્રિયા છે. તેને એક ‘અશક્તિ’ કે નબળાઈ તરીકે પ્રોજેક્ટ કરવી તે મહિલાઓના સશક્તિકરણની વિરુદ્ધ છે. કાયદો કડક બનવાથી કંપનીઓ મહિલા ઉમેદવારોને લેવાનું જ ટાળવા લાગશે.
‘માસિક સ્વચ્છતા’ એ મૂળભૂત અધિકાર છે!
જોકે, રજાની અરજી ફગાવવાની સાથે સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે ન્યાયતંત્ર મહિલાઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રત્યે સંપૂર્ણપણે ગંભીર છે. યાદ રહે કે, જાન્યુઆરી 2026માં જ સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં ‘માસિક ધર્મની સ્વચ્છતા’ (Menstrual Hygiene) ને બંધારણની કલમ 21 હેઠળ ‘જીવવાના અને ગરિમાના અધિકાર’ નો એક અભિન્ન હિસ્સો ગણાવ્યો હતો. આ ઉપરાંત, કોર્ટે અગાઉ જ શાળાઓમાં ફ્રી સેનિટરી પેડ્સ આપવા તેમજ મહિલાઓ માટે અલગ અને સ્વચ્છ શૌચાલયની વ્યવસ્થા કરવા માટે સરકારને કડક નિર્દેશો આપેલા છે.
કોર્ટનું સ્પષ્ટ માનવું છે કે મહિલાઓને કાર્યસ્થળ પર સ્વચ્છતા અને સુવિધાઓ મળવી જોઈએ, પરંતુ ‘ફરજિયાત રજા’ નો કાયદો તેમને કાર્યક્ષેત્રથી અલગ પાડી દેશે, જે તેમનું સશક્તિકરણ કરવાના બદલે તેમને પાછળ ધકેલશે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ, કોવિડ વેક્સિનની આડઅસરથી પીડાતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટે NCERT ની ધોરણ 8 ની નવી ચોપડી પર લગાવ્યો પ્રતિબંધ, પુસ્તકો જપ્ત કરવાનો આદેશ
