Surat News: સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ભગવતી ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં દુઃખદ ઘટના (Surat Accident) સામે આવી છે. નિર્માણાધીન સાઇટ પર પાણી ભરેલા ખાડામાં પડી જવાથી શ્રમિક પરિવારનાં બે નાનાં બાળકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં 3 વર્ષનો અલ્કેશ કટારા અને 2 વર્ષની રીટા કટારાનો સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
Surat Accident: રમતાં-રમતાં પાણી ભરેલા ખાડા પાસે પહોંચ્યાં
મળતી માહિતી મુજબ, ભગવતી ઇન્ડસ્ટ્રીઝ પાર્ક (Bhagwati Industries Park)ના પ્લોટ નંબર 41થી 43માં બાંધકામની કામગીરી ચાલી રહી હતી. શુક્રવાર, 16 ઓક્ટોબરના રોજ બાળકોનાં માતા-પિતા સાઇટ પર મજૂરીકામ કરી રહ્યાં હતાં. આ દરમિયાન બંને બાળકો નજીકમાં રમતાં હતાં.
રમતાં-રમતાં અલ્કેશ અને રીટા લિફ્ટના ઇન્સ્ટોલેશન માટે ખોદવામાં આવેલા પાણી ભરેલા ખાડા પાસે પહોંચી ગયાં હતાં. ત્યારબાદ બંને બાળકો ખાડામાં પડી ગયાં હોવાનું જાણવા મળ્યું છે.
હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યાં
બાળકો લાંબા સમય સુધી જોવા ન મળતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ બંને બાળકો પાણી ભરેલા ખાડામાંથી મળી આવ્યાં હતાં. આસપાસના લોકોની મદદથી તેમને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. જોકે, હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટરોએ તપાસ બાદ બંનેને મૃત (Children Death Surat) જાહેર કર્યા હતા.
બંને બાળકોનાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.
ભેસ્તાન પોલીસે તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતાં ભેસ્તાન પોલીસે (Bhestan Police) અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. નિર્માણાધીન સાઇટ પર સુરક્ષાની વ્યવસ્થા સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવશે. બે નાનાં બાળકોનાં મોતથી પરિવાર અને આસપાસના વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.
આ પણ વાંચો: સુરતમાં કરૂણાંતિકા: 50 લાખના દેવામાં ડૂબેલા દત્તક પુત્રએ માતાની હત્યા બાદ કર્યો આપઘાત
આ પણ વાંચો: 40 કલાકની શોધખોળ બાદ મોરબી મચ્છુ નદીમાં ડૂબેલા બે લોકોના મૃતદેહ મળ્યા
આ પણ વાંચો: પોઇચામાં ડૂબેલા ચારેયની એક સાથે અંત્યેષ્ટિ કરાઈ
