Surat News:સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ (International airport) પર ફરી એકવાર મોટી ડ્રગ્સ હેરાફેરીનો પર્દાફાશ થયો છે. કસ્ટમ્સ વિભાગ અને એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)ના અધિકારીઓએ બેંગકોકથી આવેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ IX-263માં આવેલી એક મહિલા મુસાફરને અટકાવી હતી.તેના સામાનની સઘન તપાસમાં 7 વેક્યુમ-પેક્ડ પારદર્શક પોલીથીન પેકેટમાંથી લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો,જે ફોરેન્સિક તપાસમાં ‘હાઈડ્રોપોનિક ગાંજો’ (hydroponic ganja) હોવાની પુષ્ટિ થઈ.
અધિકારીઓએ કુલ 3.11 કિલો હાઈડ્રોપોનિક ગાંજો કબજે કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે. કસ્ટમ્સ વિભાગે NDPS એક્ટ-1985ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી મહિલા મુસાફરની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ કોના માટે લાવવામાં આવ્યા હતા તે અંગે વધુ તપાસ ચાલુ છે.
મહિલા મુસાફરની પાસેથી મળી આવ્યો હાઈડ્રોપોનિક ગાંજો (hydroponic ganja)

સુરત કસ્ટમ્સ વિભાગ અને AIUના અધિકારીઓ છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય મુસાફરોની હિલચાલ અને પ્રોફાઈલિંગ પર ખાસ નજર રાખી રહ્યા હતા. બેંગકોકથી આવતી ફ્લાઈટમાં એક મહિલા મુસાફરની વર્તણૂક શંકાસ્પદ લાગતાં તેને અટકાવવામાં આવી. તેના ચેક-ઈન સામાનની ઝીણવટભરી તપાસમાં આ મોટો જથ્થો મળી આવ્યો.હાઈડ્રોપોનિક ગાંજો (hydroponic ganja) એ સામાન્ય ગાંજા કરતાં વધુ શુદ્ધ અને પોટન્ટ હોય છે, જે હાઈડ્રોપોનિક પદ્ધતિથી ઉગાડવામાં આવે છે. આ પ્રકારના નશીલા પદાર્થોની માંગ યુવા વર્ગમાં વધી રહી છે, જેના કારણે તેની કિંમત પણ ઊંચી હોય છે.

આ ઘટના પહેલાં માત્ર બે દિવસ અગાઉ 23 ડિસેમ્બરે સુરત એરપોર્ટ પરથી 17.65 કિલો હાઈબ્રીડ ગાંજો (hydroponic ganja) ઝડપાયો હતો, જેની કિંમત આશરે 6.18 કરોડ રૂપિયા હતી. આ કેસમાં મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ડ્રગ્સ પણ બેંગકોકથી લાવવામાં આવ્યા હતા અને તેમાં ખાસ ગુપ્ત ખાના વાળી ટ્રોલી બેગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
