Surat News: સુરતની નવી સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલી મેડિકલ કોલેજમાં તાજેતરમાં ડો. હર્ષ પંડ્યા (Dr. Harsh Pandya)ના આપઘાત અને રેગિંગ (Medical College Ragging)ના આક્ષેપો બાદ હોસ્ટેલની અગાઉની કેટલીક ઘટનાઓ પણ ચર્ચામાં આવી રહી છે. આશરે એક વર્ષ પહેલાં મેડિકલ કોલેજની હોસ્ટેલમાં એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલા અચાનક ચેકિંગ દરમિયાન કેટલીક શંકાસ્પદ પરિસ્થિતિ સામે આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
વિદ્યાર્થી સૂત્રોના જણાવ્યા મુજબ, તે સમયે જુનિયર વિદ્યાર્થીઓને મોડીરાત્રે હોસ્ટેલના એક રૂમમાં બોલાવવામાં આવ્યા હોવાની માહિતી મળ્યા બાદ એન્ટી રેગિંગ સ્ક્વોડે આશરે રાત્રે 11 વાગ્યે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું.
સિનિયર પલંગ પર, જુનિયરો ઊભા હોવાની માહિતી
ચેકિંગ દરમિયાન સ્ક્વોડના સભ્યોએ જોયું હોવાનું જણાવાય છે કે કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ પલંગ પર બેઠા હતા, જ્યારે જુનિયર વિદ્યાર્થીઓ નીચે મોઢું રાખીને ઊભા હતા. જુનિયરોના મોબાઈલ ફોન પણ સાઈલન્ટ કરીને એક તરફ મુકાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
સ્ક્વોડે મોડીરાત્રે તમામ વિદ્યાર્થીઓ એકઠા થવાનું કારણ પૂછતાં જુનિયરો તરફથી પરીક્ષાના વિષય અંગે અભ્યાસ કરવા માટે ભેગા થયા હોવાનું જણાવાયું હતું. જોકે, સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓને અલગ-અલગ પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેઓ જે વિષય ભણતા હોવાનો દાવો કરી રહ્યા હતા તેના જવાબોમાં વિરોધાભાસ જોવા મળ્યો હોવાનો સૂત્રોનો દાવો છે. વિદ્યાર્થીઓની ગભરામણ અને સમગ્ર પરિસ્થિતિને પગલે સ્ક્વોડને રેગિંગની આશંકા વધુ મજબૂત બની હતી.
Medical College Ragging: સ્ક્વોડે અધિકારીઓને જાણ કરી હોવાનો દાવો
ઘટના બાદ એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા કોલેજ (Medical College Ragging)ના જવાબદાર અધિકારીઓને સમગ્ર મામલાની જાણ કરવામાં આવી હતી. આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે કાઉન્સિલ અથવા કમિટી મારફતે પૂછપરછ કરવાની ભલામણ કરવામાં આવી હોવાનો પણ દાવો છે. જોકે, ત્યારબાદ યોગ્ય તપાસ કમિટી રચાઈ કે સિનિયર વિદ્યાર્થીઓ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી કે નહીં તે અંગે સ્પષ્ટતા સામે આવી નથી. વિદ્યાર્થીઓમાં એવી ચર્ચા છે કે તે સમયે જ કડક પગલાં લેવામાં આવ્યા હોત તો ભવિષ્યમાં આવી ઘટનાઓ પર નિયંત્રણ લાવી શકાયું હોત.
બોન્ડને કારણે અભ્યાસ છોડવો મુશ્કેલ હોવાનો આક્ષેપ
રેગિંગ (Medical College Ragging) અને માનસિક સતામણીના આક્ષેપો વચ્ચે સરકારી મેડિકલ કોલેજ (Medical College Ragging)ના વિદ્યાર્થીઓ માટેના બોન્ડનો મુદ્દો પણ સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલાક વિદ્યાર્થીઓ માનસિક તણાવને કારણે અભ્યાસ છોડવા ઇચ્છતા હોવા છતાં બોન્ડની શરતો અને સંભવિત આર્થિક જવાબદારીને કારણે નિર્ણય લઈ શકતા ન હતા. માઇક્રોબાયોલોજી સહિતના કેટલાક વિભાગોના વિદ્યાર્થીઓમાં આવી ચર્ચા ચાલી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ દાવાઓ અંગે સત્તાવાર રીતે કોલેજ તંત્ર અથવા સંબંધિત વિભાગ તરફથી સ્પષ્ટ નિવેદન આવવાનું બાકી છે.
સ્ક્વોડની કામગીરી સામે કમિટીની ભૂમિકા પર સવાલ
વિદ્યાર્થી સૂત્રોના જણાવ્યા મુજબ, એન્ટી રેગિંગ સ્ક્વોડ ( Anti Ragging Squad) પોતાના સ્તરે હોસ્ટેલમાં રાઉન્ડ લે છે, ચેકિંગ કરે છે અને જરૂર પડે ત્યારે વીડિયો રેકોર્ડિંગ પણ કરે છે. કોઈ ફરિયાદ અથવા બાતમી મળે ત્યારે સ્ક્વોડ સ્થળ પર પહોંચી તપાસ કરે છે. પરંતુ સ્ક્વોડ દ્વારા રિપોર્ટ અથવા માહિતી આપવામાં આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવાની જવાબદારી ધરાવતા તંત્ર અને કમિટીની કામગીરી અંગે સવાલો ઉઠી રહ્યા છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, જો રેગિંગની ફરિયાદોમાં સમયસર અને અસરકારક કાર્યવાહી કરવામાં આવે તો આવી ઘટનાઓને અટકાવી શકાય.
21 સભ્યોની એન્ટી રેગિંગ કમિટી, 26 સભ્યોનું સ્ક્વોડ
મળતી માહિતી મુજબ, સરકારી મેડિકલ કોલેજ (Medical College Ragging)ની એન્ટી રેગિંગ કમિટીમાં ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. પારૂલ વડગામા, ઓપ્થેલ્મોલોજી વિભાગના વડા ડૉ. પ્રતિ કાપડિયા સહિત કુલ 21 સભ્યોનો સમાવેશ થાય છે. બીજી તરફ, એન્ટી રેગિંગ સ્ક્વોડમાં 16 ડોક્ટરો સહિત કુલ 26 સભ્યો હોવાનું જણાવાય છે. આટલી મોટી વ્યવસ્થા હોવા છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં રેગિંગની ફરિયાદો અંગે કમિટી સ્તરે કેટલી તપાસ અને કાર્યવાહી થઈ તે મુદ્દે હવે સવાલો ઊભા થયા છે.
તાજેતરની ઘટના બાદ જૂની કામગીરીની પણ સમીક્ષા જરૂરી
ડો. હર્ષ પંડ્યાના આપઘાત અને રેગિંગ સંબંધિત આક્ષેપો બાદ મેડિકલ કોલેજ (Medical College Ragging)ના હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, રેગિંગ વિરોધી વ્યવસ્થા અને ફરિયાદો પર થતી કાર્યવાહી અંગે ચર્ચા તેજ બની છે. આશરે એક વર્ષ પહેલાંની ઘટના અંગે કરવામાં આવેલા આક્ષેપો સાચા છે કે નહીં, તે સમયે સ્ક્વોડે શું રિપોર્ટ આપ્યો હતો અને ત્યારબાદ કોલેજ તંત્રએ શું પગલાં લીધાં હતાં, આ તમામ બાબતોની સત્તાવાર તપાસથી જ સ્પષ્ટતા થઈ શકશે.
આ પણ વાંચો:ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસ: એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો, ડીન રજા પર
આ પણ વાંચો:ડો. હર્ષ પંડ્યાની સિવિલ સાથેની ખાસ લાગણી, પિતાની ભેટ કાર આજે પણ હોસ્ટેલ પાર્કિંગમાં
આ પણ વાંચો:ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં રેગિંગનો ખુલાસો, મોડાસામાં ભારે ગમગીની વચ્ચે અંતિમ વિદાય
