National News/ ડ્રગ માફિયા વીરેન્દ્ર બસોયા પકડાયો; પુણે ₹6000 કરોડના ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો

ભાગેડુ ડ્રગ્સ કિંગપિન વીરેન્દ્ર સિંહ બસોયાને(Virender Basoya) દુબઈથી એર ઈન્ડિયાની ફ્લાઈટ દ્વારા ભારત લાવવામાં આવ્યો છે. તે પુણેના 6000 કરોડના ડ્રગ્સ કેસનો આરોપી છે. જાણો વિગતવાર અહેવાલ.

NATIONAL Top Stories India
Virender Basoya

Drug kingpin Virendra Basoya deported: ડ્રગ્સ તસ્કરીના એક મોટા કેસમાં ભારતને મહત્વપૂર્ણ સફળતા મળી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કથિત ડ્રગ્સ કિંગપિન વીરેન્દ્ર સિંહ બસોયાને(Virender Basoya) દુબઈથી ભારત લાવવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, તેને એર ઈન્ડિયાની ફ્લાઈટ દ્વારા ભારત લાવવામાં આવ્યો અને ત્યારબાદ ભારતીય તપાસ એજન્સીઓની કાર્યવાહી આગળ વધારવામાં આવી છે. વીરેન્દ્ર સિંહ બસોયા સામે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે NCB દ્વારા રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી. આ નોટિસ બાદ દુબઈમાં તેની ધરપકડ કરવામાં આવી અને ભારત સરકારની પહેલથી તેને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે.

₹6,000 કરોડના ડ્રગ્સ કેસ સાથે કનેક્શન

તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, બસોયાનું(Virender Basoya) નામ પુણેના આશરે ₹6,000 કરોડના ડ્રગ્સ કેસ સાથે જોડાયેલું છે. તે દિલ્હી પોલીસના ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપી ગણાતા સંદીપ ધુનિયાનો નજીકનો સાથી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. જોકે, આ કેસનો મુખ્ય આરોપી સંદીપ ધુનિયા દુબઈથી પાકિસ્તાન જવામાં સફળ રહ્યો હોવાના અહેવાલ છે. જેના કારણે તે હજુ ભારતીય એજન્સીઓની પહોંચથી બહાર હોવાનું કહેવાય છે.

Virender Basoya

લંડન મોકલવા માટે મેફેડ્રોનનો જથ્થો તૈયાર કરાયો હતો

તપાસમાં સામે આવેલી માહિતી મુજબ, આ નેટવર્ક સાથે મોટા પ્રમાણમાં મેફેડ્રોનની હેરફેર જોડાયેલી હતી. ફેબ્રુઆરી 2024માં પુણે પોલીસે દિલ્હીમાં કાર્યવાહી કરીને બે આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી આશરે 970 કિલોગ્રામ મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ ડ્રગ્સનો જથ્થો લંડન મોકલવાની તૈયારી કરવામાં આવી રહી હતી. તેના માટે લોજિસ્ટિક્સ કંપની અને કન્સાઈનમેન્ટ વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ કેસમાં લોજિસ્ટિક્સ કંપની સાથે જોડાયેલા અન્ય કેટલાક લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં એવો દાવો કરવામાં આવ્યો કે આ લોકો બસોયાના(Virender Basoya) નિર્દેશ મુજબ કામ કરી રહ્યા હતા અને ડ્રગ્સના જથ્થાને વિદેશ મોકલવાની વ્યવસ્થામાં તેમની ભૂમિકા હતી.

પરિવારના અન્ય સભ્ય સામે પણ નોટિસ

અહેવાલ મુજબ, વીરેન્દ્ર સિંહ બસોયાના(Virender Basoya) પુત્ર ઋષભ સામે પણ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે અને તે હાલમાં વિદેશમાં હોવાનું જણાવવામાં આવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ કાર્યવાહી અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે સરકાર વિદેશમાં છુપાયેલા ડ્રગ્સ તસ્કરો સામે કાર્યવાહી કરી રહી છે. વીરેન્દ્ર બસોયાને ભારત લાવવામાં આવ્યા બાદ હવે તપાસ એજન્સીઓ તેની પૂછપરછ અને કેસ સાથે જોડાયેલા અન્ય કનેક્શનો અંગે વધુ તપાસ કરે તેવી શક્યતા છે. આ સમગ્ર કાર્યવાહી ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્ક સામે ભારતની તપાસનો મહત્વનો ભાગ બની શકે છે.


આ પણ વાંચો :બે કંપનીઓ વચ્ચેનો કોડવર્ડ ઉકેલાતા કોકેઇનના કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો : 1800 કરોડના ડ઼્રગ્સનો પોલીસે કેવી રીતે પર્દાફાશ કર્યો જાણો, દિલ્હી કન્ક્શન નીકળ્યું

આ પણ વાંચો :ચોકલેટના રેપરમાં છુપાવેલું MD ડ્રગ્સ ઝડપાયું, મહિલાની ધરપકડ