Aurangabad to Surat Child Trafficking: સુરત શહેરમાંથી બાળ તસ્કરી (Child Trafficking)ના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે સક્રિયતા દાખવીને માત્ર આઠ દિવસની માસૂમ નવજાત બાળકીને બચાવી લીધી છે. આ બાળકીને મહારાષ્ટ્રના ઔરંગાબાદથી ચોરી કરીને સુરતમાં વેચવા માટે લાવવામાં આવી હતી. પોલીસે આ મામલે બે મહિલાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શંકાસ્પદ હિલચાલ પરથી ફૂટ્યો ભાંડો
ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે કેટલીક મહિલાઓ એક નવજાત શિશુ સાથે શંકાસ્પદ હાલતમાં ફરી રહી છે. આ બાતમીના આધારે પોલીસે તપાસ કરીને અંજલિ મિશ્રા અને લક્ષ્મી સોનવણે નામની બે મહિલાઓને ઝડપી પાડી હતી. જ્યારે તેમની પાસે રહેલી આઠ દિવસની બાળકીના દસ્તાવેજો માંગવામાં આવ્યા, ત્યારે તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શકી નહોતી.

Child Traffickingનું મહારાષ્ટ્રથી સુરત સુધીનું કનેક્શન
પોલીસની કડક પૂછપરછમાં આરોપી મહિલાઓએ કબૂલાત કરી હતી કે તેઓએ આ બાળકીની ચોરી મહારાષ્ટ્રના ઔરંગાબાદથી કરી હતી. આ બંને મહિલાઓ અગાઉ પડોશમાં રહેતી હતી અને પૈસાની લાલચમાં તેઓએ આ નવજાત બાળકીનું અપહરણ કર્યું હતું. તેઓ આ બાળકીને સુરતમાં કોઈ નિસંતાન દંપતીને મોટા ભાવે વેચવાની ફિરાકમાં હતી.
વેચાય તે પહેલા જ પોલીસ ત્રાટકી
તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહિલાઓએ સુરતના 2-3 લોકો સાથે સોદો કરવા માટે સંપર્ક પણ કર્યો હતો. જોકે, આ પાપી મનસૂબો કામિયાબ થાય તે પહેલા જ સુરત ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને બાળકીને સુરક્ષિત બચાવી લીધી હતી. હાલ આ માસૂમ બાળકીને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો છે.
તપાસનો ધમધમાટ
સુરત પોલીસ હવે મહારાષ્ટ્રની ઔરંગાબાદ પોલીસ સાથે સંપર્ક કરી રહી છે જેથી બાળકીના અસલી માતા-પિતાને શોધી શકાય. આ સાથે જ, આ રેકેટમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને અગાઉ આ રીતે કેટલા બાળકોની તસ્કરી કરવામાં આવી છે, તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો:દાહોદમાં બાળ તસ્કરીના આંતર રાજ્ય ગેંગનો પર્દાફાશ, બાળકોને ઉઠાવી મંગાવતા હતા ભીખ
આ પણ વાંચો:અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરીના રેકેટનો કર્યો પર્દાફાશ
આ પણ વાંચો:દિલ્હીમાં બાળ તસ્કરી કેસમાં CBIના દરોડા, હોસ્પિટલમાંથી બાળકો ગુમ થવાની ઘટનાઓ વધતા હાથ ધરી તપાસ
