Surat News/ સુરતના હીરા ઉદ્યોગપતિ ધીરૂ રામાણી માલીમાં લાપતા, ₹100 કરોડની ખંડણીની આશંકા; પરિવારની વાટાઘાટો ચાલુ

માલીમાં સુરતના હીરા ઉદ્યોગપતિ ધીરૂ રામાણી (Dhiru Ramani) લાપતા હોવાના મામલે ₹100 કરોડની ખંડણીની આશંકા વચ્ચે પરિવાર વાટાઘાટોમાં વ્યસ્ત હોવાનું સૂત્રોનો દાવો.

Top Stories Gujarat Surat Breaking News
સુરતના હીરા વેપારી Dhiru Ramani ત્રણ મહિનાથી ગુમ, ₹100 કરોડની માંગનો દાવો

Surat News: ગુજરાતના હીરા ઉદ્યોગ માટે ચિંતાજનક સમાચાર પશ્ચિમ આફ્રિકાના માલી દેશમાંથી સામે આવ્યા છે. સુરતના જાણીતા 75 વર્ષીય હીરા ઉદ્યોગપતિ ધીરૂ રામાણી (Dhiru Ramani) છેલ્લા લગભગ ત્રણ મહિનાથી રહસ્યમય રીતે લાપતા હોવાનું સામે આવ્યું છે. પરિવારના સૂત્રોના જણાવ્યા મુજબ તેમની સાથે અન્ય બે ભારતીય નાગરિકો પણ ગુમ છે, જેમાં એક રસોઈયા અને એક ઇલેક્ટ્રિશિયનનો સમાવેશ થાય છે. આ ઘટનાએ સુરત સહિત સમગ્ર ગુજરાતના હીરા ઉદ્યોગમાં ચિંતા ફેલાવી છે.

માલીમાં ભારતીય ઉદ્યોગપતિ Dhiru Ramani સહિત ત્રણ લોકો ગુમ

પરિવારના નજીકના સૂત્રોનું કહેવું છે કે ધીરૂ રામાણી (Dhiru Ramani)ના ગુમ થવા પાછળ કોઈ કટ્ટરપંથી આતંકી સંગઠનનો હાથ હોવાની આશંકા છે. પરિવારનો દાવો છે કે અપહરણકર્તાઓએ ત્રણેય ભારતીયોની મુક્તિ બદલ અંદાજે ₹100 કરોડની ખંડણીની માંગણી કરી છે. જોકે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી અને સંબંધિત એજન્સીઓ દ્વારા મામલાની તપાસ ચાલુ છે.

પરિવારના જણાવ્યા અનુસાર, હાલ તેઓ સરકારી તંત્ર અથવા વિદેશ મંત્રાલયની સીધી મદદ લીધા વગર પોતાની રીતે અપહરણકર્તાઓ સાથે સંપર્કમાં છે અને વાટાઘાટો કરી રહ્યા છે. ધીરૂ રામાણીનો પરિવાર હાલમાં અમેરિકામાં રહે છે અને ત્યાંથી જ સમગ્ર પ્રક્રિયા સંભાળી રહ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, પરિવારે ધીરૂ રામાણી સુરક્ષિત હોવાની ખાતરી માગતા અપહરણકર્તાઓએ વીડિયો કોલ દ્વારા તેમનો સંપર્ક કરાવ્યો હતો. આ વીડિયો કોલ દરમિયાન ધીરૂ રામાણી (Dhiru Ramani) અને અન્ય બંને ભારતીયો જીવતા હોવાનું પરિવારને જોવા મળ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારબાદ તેમને સુરક્ષિત મુક્ત કરાવવા માટે વાટાઘાટોની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.

ધીરૂ રામાણી (Dhiru Ramani) વર્ષો સુધી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રહ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે માલીમાં ગોલ્ડ માઇનિંગ પ્રોજેક્ટમાં રોકાણ કરીને નવા વ્યવસાયમાં પ્રવેશ કર્યો હતો. છેલ્લા બે વર્ષથી તેઓ માલીમાં રહીને પ્રોજેક્ટની કામગીરીની દેખરેખ રાખી રહ્યા હતા. આ દરમિયાન તેઓ કયા સ્થળેથી ગુમ થયા તેની સત્તાવાર માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી.

આ ઘટનાના પગલે સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આફ્રિકા અને અન્ય જોખમી દેશોમાં વેપાર અથવા માઇનિંગ પ્રોજેક્ટ ચલાવતા ઉદ્યોગપતિઓમાં સુરક્ષાને લઈને ચર્ચા તેજ બની છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભારતના વિદેશ મંત્રાલય દ્વારા માલી સહિત કેટલાક સંવેદનશીલ દેશોમાં કામ કરતા અથવા પ્રવાસે જતાં ભારતીય નાગરિકોને સતર્ક રહેવા માટે એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી હતી. હાલ સમગ્ર હીરા ઉદ્યોગની નજર ધીરૂ રામાણી અને અન્ય બે ભારતીયોના સુરક્ષિત વતન પરત ફરવા પર ટકેલી છે.


આ પણ વાંચો:સુરતના ઉદ્યોગપતિ ભાઈઓએ ખેલાડીઓને હીરાના દાગીના અને રૂફટોપ સોલાર આપવાની કરી જાહેરાત

આ પણ વાંચો:દેશનો હીરો રતન ટાટા સુરતના ઉદ્યોગપતિએ 11000 હીરાથી બનાવ્યું ભવ્ય પોટ્રેટ, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો

આ પણ વાંચો:સાહેબ… ઘરે પરિવાર શું ખાશે?” શ્રમિકની આ પીડા જોઈ સુરતના ઉદ્યોગપતિએ શોધ્યો અનોખો રસ્તો