Surat News/ સુરતમાં એમ્બ્રોઈડરી વર્કર્સનો વિરોધ ઉગ્ર: પોલીસ પર પથ્થરમારો બાદ લાઠીચાર્જ, રાયોટિંગનો ગુનો

સુરતના અમરોલીમાં બોનસ, સાપ્તાહિક રજા અને સમયસર પગાર સહિતની માંગ સાથે 500 જેટલા એમ્બ્રોઈડરી વર્કર્સ (Embroidery Workers Protest) એકત્ર થયા હતા. પોલીસના જણાવ્યા મુજબ ટોળામાંથી પથ્થરમારો થતાં PCB જવાન ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કરી ટોળાને વિખેર્યું અને રાયોટિંગનો ગુનો નોંધ્યો છે.

Top Stories Gujarat Surat Breaking News
Embroidery Workers Protest,: બોનસ-રજાની માંગે સુરતમાં બબાલ: પોલીસ પર પથ્થરમારો, PCB જવાન ઈજાગ્રસ્ત

Surat News: અમરોલી વિસ્તારમાં ટેક્સટાઈલ અને એમ્બ્રોઈડરી યુનિટમાં કામ કરતા પરપ્રાંતીય કારીગરોના વિરોધ (Embroidery Workers Protest) પ્રદર્શન દરમિયાન પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. વેદાંત ઈન્ડસ્ટ્રીઝ ચાર રસ્તા પાસે આશરે 500 જેટલા કામદારો વિવિધ માંગણીઓ સાથે એકત્ર થયા હતા. પરિસ્થિતિ વણસતાં પોલીસ પર પથ્થરમારો થયો હતો, જેમાં PCB શાખાના એક પોલીસકર્મીને ઈજા થઈ હતી. ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાને પગલે પોલીસે ગેરકાયદે મંડળી બનાવી પોલીસ પર હુમલો કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સોશિયલ મીડિયામાં હડતાળના મેસેજ બાદ પોલીસ એલર્ટ

અમરોલી, જહાંગીરપુરા સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો ટેક્સટાઈલ અને એમ્બ્રોઈડરી યુનિટમાં કામ કરે છે. છેલ્લા કેટલાક દિવસથી કામદારોની વિવિધ માંગણીઓને લઈને હડતાળ અને વિરોધ (Embroidery Workers Protest) અંગેના મેસેજ સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. કોઈ અનિચ્છનીય સ્થિતિ ઊભી ન થાય તે માટે અમરોલી અને જહાંગીરપુરા પોલીસ દ્વારા ઔદ્યોગિક વિસ્તારોમાં પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Embroidery Workers Protest: રજા, બોનસ અને પગારની માંગ સાથે વિરોધ

વેદાંત ઈન્ડસ્ટ્રીઝ (Vedanta Industries) ચાર રસ્તા પાસે મોટી સંખ્યામાં કામદારો એકત્ર થયા હતા. કામદારો દ્વારા મુખ્યત્વે અઠવાડિયામાં એક દિવસ રજા, રજાના દિવસે પગાર ન કપાય, વર્ષમાં એક બોનસ પગાર આપવામાં આવે અને દર મહિને 1થી 7 તારીખ વચ્ચે પગાર ચૂકવવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી હતી. આ માંગણીઓને લઈને કામદારોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ (Embroidery Workers Protest) નોંધાવ્યો હતો.

પોલીસની સમજાવટ બાદ સ્થિતિ વણસી

ઘટનાસ્થળે ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસના અધિકારીઓ પહોંચ્યા હતા. પોલીસે માઈક દ્વારા ટોળાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને પરવાનગી વિના મોટી સંખ્યામાં એકત્ર ન થવા અપીલ કરી હતી. પોલીસે કામદારોને તેમની રજૂઆતો કાયદાકીય અને શાંતિપૂર્ણ રીતે કરવાની પણ સમજ આપી હતી. જોકે, પોલીસના જણાવ્યા પ્રમાણે ટોળામાંથી કેટલાક લોકો ઉશ્કેરાયા હતા અને ત્યારબાદ પોલીસ તરફ પથ્થરમારો શરૂ થયો હતો.

પથ્થર વાગતાં PCB જવાન ઈજાગ્રસ્ત

પથ્થરમારાની ઘટનામાં PCB શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અનુકુલકુમાર મદનમોહન દુબેને મોઢાના ભાગે પથ્થર વાગતાં ઈજા થઈ હતી. પોલીસ ટીમે તેમને તાત્કાલિક ઘટનાસ્થળેથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પરિસ્થિતિ વધુ વણસતી જોઈને SOG, PCB અને અન્ય પોલીસ સ્ટેશનોમાંથી વધારાનો પોલીસ કાફલો ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યો હતો.

ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો

પોલીસ પર પથ્થરમારો અને વધતા તણાવ વચ્ચે ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ કાર્યવાહીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસ અને કામદારો વચ્ચે થયેલા ઘર્ષણને પગલે વિસ્તારમાં થોડા સમય માટે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી હતી.

પોલીસ ફરિયાદ, CCTV અને વીડિયોથી ઓળખ શરૂ

સબ-ઇન્સ્પેક્ટર આર.બી. ઝાલાની ફરિયાદના આધારે પોલીસે ગેરકાયદે મંડળી રચવા અને ફરજ બજાવતા પોલીસ અધિકારી-કર્મચારીઓ પર હુમલો કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ હવે ઘટનાસ્થળના CCTV ફૂટેજ તેમજ સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોનું વિશ્લેષણ કરી રહી છે. પથ્થરમારામાં કોણ સામેલ હતું અને ઘટનાના મુખ્ય સૂત્રધારો કોણ હતા તેની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

કામદારોની માંગ અને પોલીસ કાર્યવાહી વચ્ચે વિવાદ

એક તરફ કામદારો (Embroidery Workers Protest) દ્વારા રજા, બોનસ અને સમયસર પગાર સહિતની માંગણીઓ કરવામાં આવી રહી છે, જ્યારે બીજી તરફ પોલીસ પર પથ્થરમારો થયા બાદ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હવે તપાસમાં સમગ્ર ઘટનાની શરૂઆત કેવી રીતે થઈ, પથ્થરમારો કરનારાઓ કોણ હતા અને વિરોધ (Embroidery Workers Protest) દરમિયાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કેવી રીતે વણસી તે અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.


આ પણ વાંચો:તાપીની જે કે પેપર કંપનીના ગેટ પર તાળા મારી દેવાતા કામદારોનો વિરોધ

આ પણ વાંચો:આરોગ્ય કર્મીઓ આવતીકાલે ધરણાં પર બેસશે

આ પણ વાંચો:કેન્યાના મુખ્ય એરપોર્ટ પર અદાણી ગ્રુપ સામે ભારે પ્રદર્શન, સેંકડો મુસાફરો ફસાયા