Lucknow News: લખનૌની શાળાઓમાં શિક્ષકોની અછતને લઈને વિદ્યાર્થી (General Alpha)ઓનો ગુસ્સો રસ્તા પર જોવા મળ્યો છે. શિક્ષકોની પૂરતી નિમણૂક નહીં થવાથી અભ્યાસ પ્રભાવિત થતો હોવાનો આક્ષેપ કરીને સેંકડો વિદ્યાર્થીઓએ સોમવારે વિરોધ કર્યો. ત્રણ દિવસ પહેલાં મળેલા આશ્વાસન બાદ પણ સ્થિતિમાં ફેરફાર નહીં થતાં વિદ્યાર્થીઓ ફરી રસ્તા પર ઉતર્યા હતા.
શિક્ષકોની અછત સામે વિદ્યાર્થીઓનો વિરોધ, General Alphaનો ગુસ્સો
લખનૌના દુબગ્ગા વિસ્તારમાં આવેલી જયપ્રકાશ નારાયણ સર્વોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ લાંબા સમયથી શિક્ષકોની અછત (Teacher Shortage)અને શાળાના વહીવટને લઈને નારાજ હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે પૂરતા શિક્ષકો ન હોવાથી તેમનો અભ્યાસ યોગ્ય રીતે થઈ રહ્યો નથી અને તેમના ભવિષ્ય સાથે છેડછાડ થઈ રહી છે.
ત્રણ દિવસ પહેલાં પણ વિદ્યાર્થીઓએ શાળાની સમસ્યાઓને લઈને વિરોધ પ્રદર્શન (Lucknow Students Protest)કર્યું હતું. તે સમયે મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે રસ્તા પરથી પસાર થઈ રહેલા સમાજ કલ્યાણ મંત્રી અસીમ અરુણ અને વિભાગના ડિરેક્ટર અનુરાગ યાદવના કાફલાને રોકીને વિદ્યાર્થીઓની વાત સાંભળવી પડી હતી.
મંત્રી અને અધિકારીઓએ આપ્યું હતું આશ્વાસન
વિદ્યાર્થીઓના વિરોધ બાદ સમાજ કલ્યાણ મંત્રી અસીમ અરુણ અને વિભાગના ડિરેક્ટર અનુરાગ યાદવ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી. વિદ્યાર્થીઓને શક્ય તેટલી વહેલી તકે શાળામાં પૂરતા શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. આશ્વાસન મળ્યા બાદ તે સમયે વિદ્યાર્થીઓએ પોતાનું વિરોધ પ્રદર્શન સમાપ્ત કર્યું હતું. જોકે, વિદ્યાર્થીઓનું કહેવું છે કે ત્રણ દિવસ બાદ પણ જમીન પર કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી.
વચનો પૂરા ન થતાં ફરી રસ્તા પર ઉતર્યા વિદ્યાર્થીઓ
સોમવારે વિદ્યાર્થીઓ ફરી મોટી સંખ્યામાં શાળાની બહાર એકઠા થયા હતા. શિક્ષકોની અછતનો ઉકેલ ન આવતાં તેમણે બાલાગંજ ચોકડી તરફ કૂચ કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ રસ્તા પર બેસીને ધરણા શરૂ કર્યા હતા, જેના કારણે વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં તેમની સમસ્યાનું કાયમી સમાધાન કરવામાં આવ્યું નથી. તેમનું કહેવું છે કે શિક્ષકો વિના શાળામાં અભ્યાસની ગુણવત્તા જાળવવી મુશ્કેલ બની રહી છે.
વિદ્યાર્થીઓની માગ શું છે?
વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની મુખ્ય માગ શાળામાં પૂરતા શિક્ષકોની તાત્કાલિક નિમણૂક કરવાની છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે શિક્ષણ તેમનો મૂળભૂત અધિકાર છે અને શિક્ષકોની અછતને કારણે તેમના અભ્યાસ (School Education)ને નુકસાન થઈ રહ્યું છે.
આ સમગ્ર ઘટનાએ શાળાઓમાં શિક્ષકોની ઉપલબ્ધતા અને શિક્ષણ વ્યવસ્થાના વહીવટી સંચાલન અંગે પણ સવાલો ઊભા કર્યા છે. ત્રણ દિવસના અંતરે ફરી વિરોધ થવાથી સ્પષ્ટ છે કે વિદ્યાર્થીઓ માત્ર આશ્વાસન નહીં પરંતુ જમીન પર તાત્કાલિક કાર્યવાહી ઈચ્છી રહ્યા છે. હવે તંત્ર દ્વારા શિક્ષકોની નિમણૂક અંગે શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો:NEET વિરોધ પ્રદર્શન કેસમાં સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી; પોલીસ અને અપરાધિક તત્વો બંને પર નજર
આ પણ વાંચો:PoKમાં વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું, સુરક્ષા દળોના ગોળીબારમાં 9 લોકોના મોતનો દાવો, ઇન્ટરનેટ સેવા બંધ
આ પણ વાંચો:જંતર મંતર વિરોધ પ્રદર્શન પર આરોહીનું નિવેદન, વિદ્યાર્થીઓના સમર્થનમાં Insta સ્ટોરી શેર
