PoK Violence News: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના રાવલકોટમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણ બાદ સ્થિતિ તંગ બની ગઈ છે. અહેવાલો અનુસાર, સ્થાનિક લોકોના વિરોધ પ્રદર્શન દરમિયાન પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં અનેક લોકોના મોત થયા છે.
જોઈન્ટ આવામી એક્શન કમિટી (JAAC)એ દાવો કર્યો છે કે રાવલકોટમાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે. જોકે, કેટલાક અહેવાલોમાં મૃત્યુઆંક વધુ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
JAAC દ્વારા જાહેર કરવામાં આવેલી હસ્તલિખિત યાદીમાં મૃતકોના નામ ઉસ્માન નઝીર, કાશિફ, મોહમ્મદ ઇબ્રાહિમ, અર્સલ અસગર, હનીફ મોહમ્મદ બશીર, વસીમ અફઝલ, બાસિત શાહ અને સાબીર ખાન સહિતના લોકોના નામ સામેલ છે.
હિંસા બાદ PoKના કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અહીં મોટા પાયે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, જેમાં ધરણા, રસ્તા પર પ્રદર્શન તેમજ બજારો અને વ્યવસાયિક સંસ્થાઓ બંધ રાખવાનો સમાવેશ થાય છે.
પ્રદર્શનકારીઓ અને સ્થાનિક પોલીસ તેમજ અર્ધલશ્કરી દળો વચ્ચે અનેક વખત અથડામણ થઈ છે. આ સંઘર્ષોમાં કેટલાક સુરક્ષા કર્મચારીઓના મોત થયાના અહેવાલો પણ સામે આવ્યા છે.
પ્રદર્શનકારીઓની મુખ્ય માંગણીઓમાં PoK વિધાનસભાની 12 અનામત બેઠકો રદ કરવાની, સ્થાનિક લોકોને વધુ રાજકીય પ્રતિનિધિત્વ આપવાની, ધરપકડ કરાયેલા નેતાઓ અને કાર્યકરોને મુક્ત કરવાની, શાસનમાં સુધારા કરવાની તેમજ વીજળી અને અન્ય આર્થિક સમસ્યાઓના ઉકેલની માંગ સામેલ છે.
હાલમાં રાવલકોટ સહિત PoKના અનેક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
