ઓમાનના મસ્કત (Muscat)ખાતે રમાઈ રહેલી FIH યુથ હોકી 5s એશિયન ચેમ્પિયનશિપ 2026 માં ભારતીય (India) સબ-જુનિયર પુરુષ હોકી (Hockey )ટીમે પોતાનો વિજય રથ આગળ ધપાવ્યો છે. 24 જુલાઈના રોજ ભારતીય યંગ બ્રિગેડે શાનદાર રમતનું પ્રદર્શન કરતા એક જ દિવસમાં બે મોટી જીત પોતાના નામે કરી હતી. ભારતે પહેલા યજમાન ઓમાનને 10-1થી કચડી નાખ્યું અને ત્યારબાદ ચિરપ્રતિદ્વંદ્વી પાકિસ્તાનને 7-3થી માત આપી (IndiaVsPak )ને પૂલ સ્ટેજમાં પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે.
આ ધમાકેદાર પ્રદર્શન બાદ હવે સબ-જુનિયર પુરુષ હોકી ટીમ શનિવારે રમાનારી ગોલ્ડ મેડલ (ટાઇટલ) મેચમાં ફરી એકવાર પાકિસ્તાન સામે મેદાને ઉતરશે.
હાઇ-વોલ્ટેજ મેચમાં પાકિસ્તાન અને ઓમાનનો પરાજય
કેપ્ટન કેતન કુશવાહાની આગેવાની હેઠળ ભારતીય ટીમે પાકિસ્તાન સામે શરૂઆતથી જ આક્રમક રમત દાખવી હતી. મેચના પ્રથમ હાફમાં રોમિત પાલ, કરણ ગૌતમ અને કેપ્ટન કેતનના ગોલની મદદથી ભારતે 3-0ની મજબૂત લીડ મેળવી લીધી હતી. બીજા હાફમાં પ્રહલાદ રાજભર, શાહરૂખ અલી, રાહુલ યાદવ અને કેતને વધુ ગોલ ઉમેરીને ભારતને 7-3થી ભવ્ય વિજય અપાવ્યો હતો.
આ અગાઉ, યજમાન ઓમાન સામેની મેચમાં પણ ભારતે એકતરફી પ્રદર્શન કર્યું હતું. પ્રથમ હાફમાં 6-0ની સરસાઈ બાદ ભારતે કુલ 10 ગોલ ફટકાર્યા હતા. કેપ્ટન કેતને એકલા જ 4 ગોલ કર્યા હતા, જ્યારે શાહરૂખ અલી, કરણ ગૌતમ અને પ્રહલાદ રાજભરે 2-2 ગોલ નોંધાવ્યા હતા.
મહિલા ટીમની જોરદાર વાપસી: સેમિફાઇનલમાં પ્રવેશ
બીજી તરફ, ભારતીય સબ-જુનિયર મહિલા ટીમે પણ ટુર્નામેન્ટમાં પુનરાગમન કર્યું છે. ચીન સામે 3-6થી થયેલી હાર બાદ ભારતીય ગર્લ્સે ઉઝબેકિસ્તાનને 10-0થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા પાકી કરી લીધી છે. આ મેચમાં નૌશીન નાઝે શાનદાર હેટ્રિક નોંધાવી હતી. આ ઉપરાંત સંદીપ કુમારીએ 2 અને શ્રુતિ કુમારી, કિરણ એક્કા, સ્વીટી કુજુર, નીલમ ટોપનો તથા દિયાએ 1-1 ગોલ કરીને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
ભારતીય મહિલા ટીમ હવે શનિવારે સેમિફાઇનલમાં કઝાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ જીતનારી ટીમ ફાઇનલની સાથે સાથે FIH યુવા હોકી 5s વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય કરી લેશે.
આ પણ વાંચો:ભારત વિ. અફઘાનિસ્તાન T20 સીરિઝનું શિડ્યુલ જાહેર: દિલ્હીમાં રમાશે જંગ, જાણો ક્યારથી શરૂ થશે મેચો
આ પણ વાંચો:“મેં રોહિત શર્મા પર ભરોસો ન કર્યો, સોરી હિટમેન!”-સંજુ સેમસનનો સનસનાટીભર્યો ખુલાસો
