Gujarat News : ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બનતા ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી ત્રણ કલાક માટે ‘નાઉકાસ્ટ’ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ, વીજળીના કડાકા-ભડાકા અને તીવ્ર પવન સાથે ભારેથી અત્યંત ભારે વરસાદ (Rain)ની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ (Red Alert)જાહેર કરાતા સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
બનાસકાંઠા અને પાટણમાં રેડ એલર્ટ
હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ (Rain)અને તીવ્ર પવનની સંભાવના વ્યક્ત કરતાં રેડ એલર્ટ (Red Alert)જાહેર કર્યું છે. આગામી ત્રણ કલાક દરમિયાન આ વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે, તેથી નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર: મોરબી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ.
ઉત્તર ગુજરાત: મહેસાણા.
દક્ષિણ અને પૂર્વ ગુજરાત: નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સુરત આસપાસના વિસ્તારો.
યલો એલર્ટ ધરાવતા જિલ્લાઓ
દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ અને તેજ પવનની શક્યતા દર્શાવવામાં આવી છે.
નાગરિકો માટે મહત્વની સૂચનાઓ
હવામાન વિભાગે લોકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે.
- ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાન, ઝાડ નીચે અથવા વીજ થાંભલાની નજીક ઉભા ન રહેવું.
- રેડ અને ઓરેન્જ એલર્ટ ધરાવતા જિલ્લાઓમાં આગામી ત્રણ કલાક દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવી.
- નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવું.
- ભારે વરસાદ દરમિયાન નદી, તળાવ અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવું.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ આગામી અપડેટ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો:મહેસાણામાં આગામી 48 કલાક માટે ભારે વરસાદની આગાહી, વહીવટી તંત્ર એલર્ટ મોડ પર
આ પણ વાંચો:અમદાવાદના ધોળકામાં 18 ઇંચ વરસાદથી રસ્તા જળબંબાકાર
આ પણ વાંચો:વિરમગામમાં ભારે વરસાદનો કહેર: પાણીમાં ડૂબતા યુવકનું મોત, અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ
