Surat News : સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા શ્યામધામ મંદિર પાસે ગમખ્વાર રોડ અકસ્માત(Accident)માં 20 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. પૂરઝડપે દોડતી સરકારી ST બસે એક્ટિવા સવાર યુવતીને અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે, જ્યારે અકસ્માત બાદ બસ ચાલક ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.
માહિતી મુજબ, જામનગર મૂળના અને હાલ કામરેજના વેલંજા ખાતે રહેતા રત્નકલાકાર કેતનભાઈ સોલંકીની દીકરી સ્વાતિ વિશ્વભારતી ગર્લ્સ કોલેજમાં BBAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. ગતરોજ સવારે તે રોજની જેમ પોતાની એક્ટિવા લઈને કોલેજ જવા નીકળી હતી. બપોરે આશરે 12 વાગ્યે શ્યામધામ મંદિર નજીક સાગવાડી વિસ્તારમાં પહોંચતા જ પાછળથી આવી રહેલી ST બસે તેની એક્ટિવાને સાઈડમાંથી ટક્કર મારી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે સ્વાતિ રોડ પર પટકાઈ ગઈ હતી અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત(Accident) સમયે સ્વાતિએ હેલ્મેટ પહેરેલું હોવા છતાં ઈજા જીવલેણ સાબિત થઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડી હતી, પરંતુ ફરજ પરના તબીબે તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી.
આ બનાવ અંગે જાણ થતાં જ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. હીરા મજૂરી કરીને દીકરીને ભણાવતા પિતાએ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે અજાણ્યા ST બસ ચાલક વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 106(1), 281 તેમજ મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ આસપાસના CCTV ફૂટેજના આધારે ફરાર ચાલકને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે.
