Bihar Rohtas Road Accident: બિહારના રોહતાસ જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. નેશનલ હાઈવે 319 પર સોમવારે વહેલી સવારે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત નીપજ્યા છે. ખુશીના પ્રસંગમાંથી પરત ફરી રહેલા પરિવાર પર કાળ ત્રાટકતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Bihar : લગ્ન પ્રસંગની ખુશીઓ માતમના ફેરવાઈ
મળતી માહિતી મુજબ, કરગહરના ભગવાનપુર ગામનો એક પરિવાર ચેનારી વિસ્તારના લોધી ગામમાં આયોજિત તિલક સમારોહમાં ભાગ લેવા ગયો હતો. પ્રસંગ પતાવીને આ પરિવાર પિકઅપ અને બસ દ્વારા પોતાના ગામ પરત ફરી રહ્યો હતો. સવારે અંદાજે 3 વાગ્યાના અરસામાં જ્યારે તેઓ ડિનારા પોલીસ સ્ટેશન વિસ્તારના મઠિયા ગામ નજીક હાઈવે પર વાહનમાંથી ઉતરી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.
બેકાબૂ ટ્રકે વાહનોને ઉડાવ્યા
પરિવારના સભ્યો હાઈવે પર ઉતરી રહ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક બેકાબૂ ટ્રકે ઉભેલા બંને વાહનોને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે પાંચ લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં રામવ્રત સિંહ (ભગવાનપુર), અશોક સિંહ, પિંટુ સિંહ અને રજનીશ કુમાર (મઠિયા ગામ) નો સમાવેશ થાય છે. જ્યારે એક અન્ય મૃતકની ઓળખ કરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે.
પોલીસે તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સાસારામ સદર હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. લગ્ન પ્રસંગના થોડા જ દિવસો પહેલા પરિવારના પાંચ સભ્યોના મોતથી પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે.
આ પણ વાંચો: બિહારમાં ‘ગંભીરા બ્રિજ’ જેવી દુર્ઘટના, ભાગલપુરમાં ગંગા નદી પરના વિક્રમશિલા પુલનો સ્લેબ તૂટ્યો
આ પણ વાંચો: બિહારના CM સમ્રાટ ચૌધરીને જાનથી મારવાની ધમકીઆપનાર આરોપી સાણંદથી ઝડપાયો
આ પણ વાંચો: બિહારના રાજકારણમાં એક યુગનો અંત, નીતિશ કુમારે CM પદેથી આપ્યું રાજીનામું
