Ahmedabad Cyber Crime News: ડિજિટલ દુનિયામાં શ્રદ્ધા અને મજબૂરીનો ફાયદો ઉઠાવીને છેતરપિંડી કરતી ટોળકીઓ હવે હદ વટાવી રહી છે. અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને કોઈપણનું કાળજું ધ્રૂજી ઉઠે. પ્રેમની સમસ્યાના સમાધાન માટે સોશિયલ મીડિયા પર ‘જ્યોતિષી’ નો સંપર્ક કરવો એક યુવતીને એટલો ભારે પડ્યો કે તેણે માત્ર લાખો રૂપિયા જ નહીં, પરંતુ પોતાની ગરિમા પર પણ આંચ સહન કરવી પડી.
Ahmedabad : કેવી રીતે શરૂ થઈ ઠગાઈની જાળ?
પીડિતાએ ઇન્સ્ટાગ્રામ પર ‘જ્યોતિષી પૂજા કિન્નર મા’ નામના આઈડી પર સંપર્ક કર્યો હતો. આ પ્રોફાઈલ પર એવો દાવો કરવામાં આવ્યો હતો કે પ્રેમ, લગ્ન અને અંગત સમસ્યાઓનું સમાધાન અનુષ્ઠાન દ્વારા કરવામાં આવશે. યુવતીએ પોતાની પ્રેમ સમસ્યાના ઉકેલ માટે વાતચીત શરૂ કરી, ત્યારે તેને જરાય અંદાજ નહોતો કે તે એક રીઢા ગુનેગારના સંપર્કમાં છે.
વીડિયો કોલ કરી નગ્ન થવા મજબૂર કરી
આરોપીએ પહેલા વિશ્વાસ કેળવ્યો અને પછી અનુષ્ઠાનના નામે યુવતી પાસે તેની તસવીરો મંગાવી. આ તસવીરોને એડિટ કરીને આપત્તિજનક બનાવી વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ શરૂ કર્યું. હદ તો ત્યારે થઈ જ્યારે આરોપીએ યુવતીને વીડિયો કોલ દરમિયાન કપડાં ઉતારવા મજબૂર કરી અને તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું. આ વીડિયોના આધારે યુવતીને ડરાવીને અત્યાર સુધીમાં અંદાજે ₹42 લાખ ની મસમોટી રકમ પડાવી હોવાનું સામે આવ્યું છે.
સાયબર ક્રાઈમે બિકાનેરથી ઠગને દબોચ્યો
સતત વધતી પૈસાની માંગ અને માનસિક ત્રાસથી કંટાળીને અંતે યુવતીએ હિંમત દાખવી સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજસ્થાનના બિકાનેરથી રજનીશ ભાર્ગવ નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે તેના બે સાથીદારો વિકાસ અને રવિ ભાર્ગવ હાલ ફરાર છે.
અઢી વર્ષમાં સેંકડો લોકોને બનાવ્યા શિકાર
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકી છેલ્લા અઢી વર્ષથી આ રીતે છેતરપિંડી કરતી હતી, જેમાં આરોપીઓ દરરોજ સેંકડો લોકોને કોલ કરતા હતા અને તેમાંથી અંદાજે 60 થી 65 લોકો તેમની જાળમાં ફસાતા હતા. તેઓ કિન્નર મા કે માતાજીના નામે નકલી પ્રોફાઈલ બનાવી લોકોની શ્રદ્ધા સાથે ખેલતા હતા અને શરૂઆતમાં 3000 થી 15,000 રૂપિયા ચાર્જ લીધા બાદ બ્લેકમેલિંગનું મોટું નેટવર્ક ચલાવતા હતા.
ડરો નહીં, જાગૃત બનો
સાયબર ક્રાઈમ પોલીસે અપીલ કરી છે કે સામાજિક બદનામીના ડરથી ચૂપ રહેવાને બદલે ફરિયાદ નોંધાવો. સોશિયલ મીડિયા પર કોઈપણ અજાણી વ્યક્તિ પર ભરોસો કરીને પોતાની ખાનગી તસવીરો કે માહિતી ક્યારેય શેર ન કરવી જોઈએ.
આ પણ વાંચો: અમદાવાદમાં વેપારી પાસેથી 8 લાખની ખંડણી, નકલી PIએ વધુ 15 લાખ માગ્યા
આ પણ વાંચો: અમદાવાદમાં મારામારીનો વીડિયો અપલોડ કરી યુવકને કરાયો બ્લેકમેલ, માંગી ખંડણી
આ પણ વાંચો: અમદાવાદમાં શિક્ષકનું જઘન્ય કૃત્ય, સગીરાને નિર્વસ્ત્ર કરી વીડિયો ઉતાર્યાની ઘટના
