Surat News : સુરતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે, જેમાં 15 વર્ષની સગીરાને કારખાનેદાર દ્વારા લાંબા સમય સુધી દુષ્કર્મ(Raping) કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે મુખ્ય આરોપી સહિત બે લોકોને ઝડપી લીધા છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.
હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ(Raping) આચરાયું
સુરતના ભાઠેના વિસ્તારમાં સાડી ફોલ્ડિંગના કારખાનામાં કામ કરતી સગીરાને કારખાનેદાર મોહમ્મદ પરવેઝખાને રાશન અપાવવાના બહાને ગત સપ્ટેમ્બરમાં પોતાની સાથે લઈ ગયો હતો. આરોપ છે કે પરવેઝખાને સગીરાને ગાડીમાં બેસાડી ઉભરાટ દરિયાકિનારે લઈ જઈ, નશીલું પીણું પીવડાવ્યું હતું. જેના કારણે સગીરા બેભાન જેવી સ્થિતિમાં પહોંચી ગઈ હતી. ત્યારબાદ તેને હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ(Raping) આચરાયું હતું.
આ બનાવ બાદ આરોપીએ સગીરા(Minor)ને લગ્નનું ખોટું વચન આપીને લલચાવી રાખી હતી, જ્યારે તેના સાગરીતો દ્વારા મોઢું ખોલવા પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. પોલીસ ફરિયાદ મુજબ, આરોપીએ આ ધમકી અને લાલચના આધારે લગભગ 9 મહિના સુધી કારખાનાના ઉપરના રૂમ અને વિવિધ હોટલોમાં સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું.
આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે સગીરા(Minor)એ હિંમત કરીને પોતાની માતાને આ આપવીતી જણાવી. બાદમાં ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી મોહમ્મદ પરવેઝખાન અને તેના સાગરીત અઝરૂદ્દીન ખાનની ધરપકડ કરી છે. જ્યારે તૌકીર અને ગંગા રાજપૂત નામના બે અન્ય આરોપીઓ હાલ ફરાર છે, જેમને પકડવા માટે અલગ-અલગ ટીમો કામે લાગી છે.
પોલીસ દ્વારા સગીરાને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે અને મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. સાથે જ હોટલોના CCTV ફૂટેજ સહિતના પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ કેસમાં પોક્સો (POCSO) એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ ઘટનાએ કામકાજના સ્થળે મહિલાઓ અને ખાસ કરીને સગીરાઓની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. પોલીસનો દાવો છે કે બાકી રહેલા આરોપીઓને પણ ટૂંક સમયમાં ઝડપી લેવામાં આવશે અને તમામ આરોપીઓને કડક સજા અપાવવા માટે પૂરતા પુરાવા એકત્રિત કરવામાં આવશે.
