Delhi News/ લિવ-ઇન રિલેશન પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી, 15 વર્ષ સાથે રહ્યા પછી દુષ્કર્મનો આક્ષેપ કેમ?

Supreme Courtએ લિવ-ઇન રિલેશનશિપ મુદ્દે મહત્વની ટિપ્પણી કરી છે. ૧૫ વર્ષ સુધી સાથે રહ્યા બાદ અને સંતાન હોવા છતાં લગ્નના વચન ભંગ બદલ દુષ્કર્મનો કેસ કેમ? કોર્ટે મહિલાને સમજૂતી કરવા સલાહ આપી.

NATIONAL Top Stories India
Supreme Court on Live-in Relationship

Supreme Court on Live-in Relationship: લિવ-ઇન રિલેશનશિપ (Live-in Relationship) માં લાંબો સમય રહ્યા બાદ લગ્નના વચનનો ભંગ અને યૌન શોષણના આક્ષેપો અંગે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ સ્ત્રી અને પુરુષ લાંબા સમય સુધી પરસ્પર સંમતિથી સાથે રહેતા હોય, તો સંબંધ તૂટ્યા પછી તેને ‘દુષ્કર્મ’ ગણી શકાય નહીં.

શું હતો સમગ્ર મામલો?

મધ્યપ્રદેશની એક મહિલા એક પુરુષ સાથે 15 વર્ષ સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહી હતી. આ સંબંધ દરમિયાન તેમને 7 વર્ષનું એક સંતાન પણ છે. જોકે, બાદમાં સંબંધોમાં ખટાશ આવતા મહિલાએ પુરુષ વિરુદ્ધ લગ્નનું ખોટું વચન આપી યૌન શોષણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. મધ્યપ્રદેશ હાઇકોર્ટે આ FIR રદ કરી દીધી હતી, જેની સામે મહિલાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

‘લિવ-ઇન રિલેશનમાં આવું જોખમ તો રહે જ છે’

જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેન્ચે આ કેસની સુનાવણી દરમિયાન મહિલાને કેટલાક તીખા સવાલો કરતા નોંધ્યું હતું કે, જ્યારે કોઈ પણ કાયદાકીય બંધન એટલે કે લગ્ન વગર બે વ્યક્તિઓ સાથે રહે છે, ત્યારે ગમે તે પક્ષ ગમે ત્યારે અલગ થઈ શકે છે અને આ લિવ-ઇન રિલેશનશિપનું એક સ્વાભાવિક જોખમ છે. કોર્ટે વધુમાં જણાવ્યું કે ૧૫ વર્ષ સુધી સાથે રહ્યા બાદ અને એક સંતાન હોવા છતાં તેને જબરદસ્તીથી કરાયેલું શોષણ ન કહી શકાય, કારણ કે આ સંમતિથી બંધાયેલા સંબંધ હતા. બાળકના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરતા કોર્ટે એવી ટકોર પણ કરી કે પુરુષ જેલમાં જશે તો તેનાથી મહિલાને શું ફાયદો થશે? તેના બદલે અત્યારે બાળકના ભરણપોષણ પર વધુ ધ્યાન આપવું જોઈએ.

Supreme Courtની મહિલાને મહત્વની સલાહ

કોર્ટે મહિલાને આ કેસમાં યૌન શોષણના આક્ષેપો પડતા મૂકીને અન્ય કાયદાકીય રસ્તા અપનાવવા સલાહ આપતા જણાવ્યું છે કે, મહિલા બાળકના ભરણપોષણ (Maintenance) માટે કાયદેસરનો દાવો કરી શકે છે. બંને પક્ષોએ પરસ્પર સમાધાન (Settlement) કરવું જોઈએ જેથી બાળકના ભવિષ્ય પર કોઈ પ્રતિકૂળ અસર ન પડે. આ મામલે સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને નોટિસ પાઠવીને સમજૂતીની સંભાવનાઓ તપાસવા પણ જણાવ્યું છે. કોર્ટનું આ વલણ સ્પષ્ટ કરે છે કે ‘લગ્નના વચન’ ના નામે થતી દરેક ફરિયાદને દુષ્કર્મ માની શકાય નહીં, ખાસ કરીને જ્યારે સંબંધો વર્ષો જૂના અને પરસ્પર સંમતિથી બંધાયેલા હોય.


આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે મહિલાઓની ‘પીરિયડ્સ લીવ’ ની અરજી ફગાવી, જાણો કેમ?

આ પણ વાંચો:  સુપ્રીમ કોર્ટ આજે યુજીસીના નિયમો વિરુદ્ધ અરજી પર સુનાવણી કરશે 

આ પણ વાંચો: દરેક મોબાઈલ ધારક ‘મીડિયા’ નથી! સુપ્રીમ કોર્ટે નકલી પત્રકારો અને સોશિયલ મીડિયા પેજ પર કર્યો પ્રહાર