Surat News: સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં વૃદ્ધની હત્યા (Surat Murder Case)નો ચકચારી બનાવ સામે આવ્યો છે. ઓલપાડ-જહાંગીરપુરા રોડ પર જાહેર સ્થળે એક 60 વર્ષીય વૃદ્ધ પર અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધનું બાદમાં સારવાર દરમિયાન મોત થયું હતું. સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થતાં પોલીસે અજાણ્યા આરોપી સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વહેલી સવારે બની ઘટના
પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના 20 જૂનની વહેલી સવારે જહાંગીરપુરા વિસ્તારમાં બની હતી. મૃતક બાબુભાઈ સાવંત (ઉંમર 60) જાહેર સ્થળે કચરો વીણી રહ્યા હતા ત્યારે એક અજાણ્યો વ્યક્તિ તેમની પાસે આવ્યો અને તેમના પર હુમલો કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
CCTV ફૂટેજ બન્યું મહત્વનું પુરાવું
ઘટનાસ્થળ નજીક લાગેલા CCTV કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હોવાનું પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. આ ફૂટેજના આધારે હુમલાખોરની ઓળખ અને તેની હિલચાલ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
Surat Murder Case: સારવાર દરમિયાન થયું મોત
ઘટના બાદ સવારે એક રાહદારીએ ઇજાગ્રસ્ત વૃદ્ધને જોઈ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. ત્યારબાદ તેમને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
ફોરેન્સિક રિપોર્ટ બાદ હત્યાનો ગુનો નોંધાયો
શરૂઆતમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. જોકે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગંભીર ઇજાઓના કારણે મોત થયાનું સ્પષ્ટ થતાં કેસને હત્યા (Surat Murder Case)માં ફેરવવામાં આવ્યો હતો.
કોઈ વારસદાર ન મળતાં PSI બન્યા ફરિયાદી
પોલીસે મૃતકના પરિવારજનો અથવા વારસદારોને શોધવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ કોઈનો પત્તો લાગ્યો નહોતો. ત્યારબાદ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના PSI અભિજીતસિંહ ઘરિયા સરકાર તરફથી ફરિયાદી બની અજાણ્યા આરોપી સામે હત્યા (Surat Murder Case)નો ગુનો નોંધાવ્યો છે.
આરોપીની શોધખોળ ચાલુ
જહાંગીરપુરા પોલીસ ઈન્સ્પેક્ટર બી.બી. પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ CCTV ફૂટેજ, ફોરેન્સિક પુરાવા અને અન્ય ટેકનિકલ માહિતીના આધારે આરોપીની શોધખોળ કરી રહી છે.
આ પણ વાંચો:સુરતમાં 23 વર્ષના કાપડના વેપારી યુવાનની આત્મહત્યાથી ખળભળાટ
આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં સંબંધીએ સંબંધીની જ કરી હત્યા
આ પણ વાંચો:સુરતમાં ડબલ મર્ડરથી ચકચાર: ચા પીવા ગયેલા બે મિત્રોની ચપ્પુના ઘા મારી હત્યા
