Surat News/ સુરતમાં દોઢ વર્ષના બાળકે ગળી લીધી ખુલ્લી સેફ્ટીપિન, સિવિલના તબીબોએ બચાવ્યો જીવ

Surat News: સુરતમાં દોઢ વર્ષના બાળકે ગળી લીધી ખુલ્લી સેફ્ટીપિન, સિવિલ હોસ્પિટલના તબીબોએ ઓપરેશન વિના બચાવ્યો જીવ

Gujarat Top Stories
Surat

Surat News: સુરતના ભેસ્તાન વિસ્તારમાં રમતી વખતે દોઢ વર્ષના બાળકને ખુલ્લી સેફ્ટીપિન ગળી જતાં પરિવારજનોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. સેફ્ટીપિન બાળકની અન્નનળીના ઉપરના ભાગમાં ફસાઈ ગઈ હતી. જોકે, નવી સિવિલ હોસ્પિટલના ENT વિભાગના તબીબોએ એન્ડોસ્કોપી ટેકનિકની મદદથી કોઈપણ પ્રકારની કાપકૂપ કર્યા વિના માત્ર 30થી 45 મિનિટમાં પિન બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો હતો.

મૂળ બિહારના વતની અને હાલ ભેસ્તાનમાં રહી કાપડ યુનિટમાં મજૂરી કરતા અરસદ મોહમ્મદ રાયનનો દોઢ વર્ષનો પુત્ર આયન 24 ઓગસ્ટની સવારે ઘરમાં રમી રહ્યો હતો. દરમિયાન જમીન પર પડેલી ખુલ્લી સેફ્ટીપિન તેણે ગળી લીધી હતી. થોડા સમય બાદ બાળક સતત રડવા લાગ્યો હતો અને તેને ઊલટીઓ પણ થવા લાગી હતી. બાળકને સેફ્ટીપિન ગળી ગયાની જાણ થતાં પરિવાર તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.

હોસ્પિટલમાં બાળકના ગળાનો એક્સ-રે કરાવવામાં આવતાં અન્નનળીના ઉપરના ભાગમાં આશરે 2 સેન્ટિમીટર લાંબી ખુલ્લી સેફ્ટીપિન ફસાયેલી હોવાનું સામે આવ્યું હતું. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને ENT વિભાગની ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી.

તબીબોએ એન્ડોસ્કોપી એટલે કે દૂરબીન ટેકનિકની મદદથી ચીપિયાથી સેફ્ટીપિનને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. સમગ્ર પ્રક્રિયા 30થી 45 મિનિટમાં પૂર્ણ થઈ હતી. ખાસ વાત એ છે કે આ સારવારમાં બાળકના શરીર પર કોઈ ચીરો કે કાપકૂપ કરવાની જરૂર પડી નહોતી. ખાનગી હોસ્પિટલમાં આ સારવાર પાછળ અંદાજે રૂ. 50થી 60 હજારનો ખર્ચ થઈ શકે છે, જ્યારે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર વિનામૂલ્યે કરવામાં આવી હતી.

તબીબોના જણાવ્યા મુજબ, જો બાળકને સમયસર હોસ્પિટલમાં લાવવામાં ન આવ્યું હોત તો તીક્ષ્ણ સેફ્ટીપિનથી અન્નનળી અથવા શ્વાસનળીમાં કાણું પડી શકે તેમ હતું. આવી સ્થિતિમાં ફેફસાંમાં ચેપ ફેલાવા ઉપરાંત શ્વાસ રુંધાવાથી બાળકના જીવને પણ જોખમ ઊભું થઈ શકે હતું.

વાલીઓ માટે તબીબોની સલાહ

નાના બાળકોની પહોંચથી સિક્કા, સેલ-બેટરી, સેફ્ટીપિન, સોય, ટાંકણી અને કાનની બુટ્ટી જેવી નાની વસ્તુઓ હંમેશાં દૂર રાખવી જોઈએ. બાળક કોઈ વસ્તુ ગળી જાય તો તેને બળજબરીથી ઊલટી કરાવવી નહીં તેમજ ઘી કે કેળું ખવડાવવા જેવા ઘરગથ્થુ ઉપચાર ન કરવા જોઈએ.

બાળકને ગળવામાં તકલીફ, સતત લાળ ટપકવી, ખાંસી, છાતીમાં દુખાવો અથવા ઊલટી જેવા લક્ષણો દેખાય તો સમય બગાડ્યા વિના તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવું જરૂરી છે.


આ પણ વાંચો:  થાનગઢમાં 8 વર્ષીય બાળકે ગળી સોય, તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ ખસેડાયો

આ પણ વાંચો: સુરતમાં અરેરાટીઃ 10 વર્ષના બાળકે ખાધી ફાંસી, નાનાભાઈએ પતંગની દોરી આપવાની ના પાડતા..

આ પણ વાંચો: રમકડું સમજીને બાળકે સાપ ચાવ્યો પછી જે થયું એ જાની તમે આશ્ચર્યમાં પડી