Surat News/ સાવધાન! ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ડોક્ટરોની હવે ખેર નથી, ગુજરાત સરકાર લાવશે નવો કાયદો

સુરતમાં પ્રદીપ બાબાની ધરપકડ બાદ નકલી ડોક્ટરો (Fake Doctor) સામે સરકારની લાલ આંખ. આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની કરી જાહેરાત.

Top Stories Gujarat Surat
Fake Doctor Law Gujarat

Fake Doctor Law Gujarat: સુરતમાં કરોડોની નકલી નોટો છાપવાના કૌભાંડમાં પકડાયેલા કહેવાતા યોગ ગુરૂ પ્રદીપ જોટાંગિયા ઉર્ફે ‘પ્રદીપ બાબા’ની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નકલી નોટો બાદ હવે આ બાબા વિરુદ્ધ સુરતના આયુર્વેદિક ડોક્ટરોએ મોરચો ખોલ્યો છે. કોઈપણ માન્ય ડિગ્રી વગર આયુર્વેદના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આવા લેભાગુ તત્વો સામે હવે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી છે.

આયુર્વેદિક ડોક્ટરોમાં Fake Doctorને લઈ ભારે રોષ

શુક્રવારે સુરતના આયુર્વેદિક ડોક્ટરોનું એક મોટું પ્રતિનિધિમંડળ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની ઓફિસે પહોંચ્યું હતું. ડોક્ટરોએ આક્ષેપ કર્યો હતો કે પ્રદીપ બાબા જેવા લોકો સોશિયલ મીડિયાના અધકચરા જ્ઞાનના આધારે કેન્સર અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ મટાડવાના ખોટા દાવા કરી નિર્દોષ લોકોને છેતરે છે. ડો. રજનીકાંત પટેલે જણાવ્યું કે, “માત્ર BAMS કે માન્ય ડિગ્રી ધરાવતા ડોક્ટરો જ પ્રેક્ટિસ કરી શકે, આવા ઊંટવૈદ્ય કરનારાઓને કારણે વર્ષો જૂની આયુર્વેદિક પરંપરા બદનામ થાય છે.”

આચારસંહિતા બાદ આવશે નવો કાયદો

ડોક્ટરોની રજૂઆત સાંભળ્યા બાદ આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે હવેથી દરેક ડોક્ટર, લેબોરેટરી અને સોનોગ્રાફી સેન્ટરોએ ફરજિયાતપણે રજીસ્ટ્રેશન નંબર લેવો પડશે. વધુમાં, રાજ્ય સરકાર આચારસંહિતા પૂર્ણ થયા બાદ નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે કડક કાયદો (Clinical Establishment Act માં સુધારો) અમલી બનાવશે. આ ઉપરાંત, ખાસ કરીને અંતરિયાળ ગામડાઓ અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા લોકો સામે સીધી કાર્યવાહી કરવા માટે વિશેષ ઝુંબેશ પણ ચલાવવામાં આવશે.

જનતાને મંત્રીની અપીલ

મંત્રીએ લોકોને વિનંતી કરી છે કે કોઈપણ બીમારી, ખાસ કરીને સાપ કે વીંછી કરડવા જેવી ગંભીર સ્થિતિમાં દોરા-ધાગા કે ભસ્મ આપતા બાબા પાસે જવાને બદલે તાત્કાલિક 108 અથવા ડિગ્રી ધરાવતા ફેમિલી ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.