Surat News: સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના રસ્તાઓ પર વધી રહેલા ગેરકાયદેસર દબાણો અને તેના નામે થતી કથિત ઉઘરાણીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. સ્થાનિક કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે લારી-ગલ્લા, પાથરણાં (Street Vendors) અને ગેરકાયદેસર દબાણોના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆત કરી હતી. સાથે જ ગરીબ ફેરિયાઓ પાસેથી કથિત રીતે નાણાં વસૂલ કરનાર વ્યક્તિ સામે ફોજદારી કાર્યવાહી કરવાની માગ કરી છે.
2024માં ઝીરો દબાણ રૂટ હેઠળ કાર્યવાહી
કોર્પોરેટરના જણાવ્યા પ્રમાણે વર્ષ 2024માં સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીરો દબાણ રૂટ અંતર્ગત શહેરના વિવિધ રસ્તાઓ પરથી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ આશરે 116 લારી-ગલ્લાવાળાઓએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. ત્યારબાદ આ કેસમાં અચાનક 494 જેટલા નવા પિટિશનરો જોડાયા હોવાનો કોર્પોરેટરે દાવો કર્યો હતો.
Street Vendors: ફેરિયાઓ પાસેથી રૂ.5-5 હજાર ઉઘરાવ્યાનો આક્ષેપ
વ્રજેશ ઉનડકટે સામાન્ય સભામાં એવો આક્ષેપ કર્યો હતો કે ‘અસલમ’ નામની વ્યક્તિએ લારી-ગલ્લાવાળાઓ પાસેથી રૂ.5,000-રૂ.5,000 વસૂલ્યા હતા. કોર્પોરેટરના દાવા પ્રમાણે આ રીતે અંદાજે રૂ.25 લાખ જેટલી રકમ એકત્ર કરવામાં આવી હતી. આ વ્યક્તિએ ફેરિયાઓને (Street Vendors) કથિત રીતે પિટિશનર તરીકેના આઈ-કાર્ડ આપ્યા હતા અને તેમની સામે કોઈ કાર્યવાહી નહીં થાય તેવી ખાતરી આપી હતી. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવે તો જ આક્ષેપોની હકીકત સ્પષ્ટ થઈ શકે છે.
આઈ-કાર્ડ બતાવી કાર્યવાહીનો વિરોધ કરવાનો દાવો
કોર્પોરેટરે એવો પણ આક્ષેપ કર્યો હતો કે જ્યારે મનપા અથવા દબાણ વિભાગના અધિકારીઓ ગેરકાયદે દબાણો દૂર કરવા માટે પહોંચે છે ત્યારે કેટલાક લારીવાળા આઈ-કાર્ડ બતાવીને અધિકારીઓ સામે કોર્ટ કેસ અથવા ફોજદારી કાર્યવાહીની ધમકી આપે છે. તેમના જણાવ્યા પ્રમાણે કેટલાક સ્થળોએ લારીઓ ઉપરાંત ખુરશીઓ, ટેબલ અને કેનોપી મૂકીને જાહેર રસ્તાઓ પર પણ જગ્યા રોકવામાં આવી રહી છે.
200 મીટરના રસ્તા માટે 40થી 45 મિનિટનો સમય?
ગેરકાયદે દબાણોના કારણે ટ્રાફિક વ્યવસ્થા પર પણ અસર થતી હોવાનો કોર્પોરેટરે દાવો કર્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે કેટલીક જગ્યાએ માત્ર 200 મીટરનું અંતર કાપવામાં 40થી 45 મિનિટ જેટલો સમય લાગી જાય છે. રસ્તાઓ પર લારી-ગલ્લા, પાથરણાં અને અન્ય દબાણોના કારણે સ્થાનિક રહીશો તથા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી હોવાનો મુદ્દો તેમણે ઉઠાવ્યો હતો.
હાઇકોર્ટના આદેશના અર્થઘટન અંગે સવાલ
કોર્પોરેટરે મેયર સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે મનપા દ્વારા લારી-ગલ્લાવાળાઓ પાસેથી કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી, પરંતુ ખાનગી વ્યક્તિઓ દ્વારા ગરીબ ફેરિયાઓ (Street Vendors) પાસેથી કથિત રીતે નાણાં લેવામાં આવી રહ્યા છે. તેમણે હાઇકોર્ટના વચગાળાના નિર્દેશોના અર્થઘટન અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો. આ મામલે યોગ્ય કાનૂની અભિપ્રાય (Legal Opinion) મેળવીને કોર્ટના આદેશનો યોગ્ય રીતે અમલ કરવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
‘અસલમ’ સામે ફોજદારી તપાસની માગ
વ્રજેશ ઉનડકટે માંગ કરી છે કે કોઈ ખાનગી વ્યક્તિને ફેરિયાઓ (Street Vendors) પાસેથી ગેરકાયદેસર રીતે નાણાં વસૂલ કરવાનો અધિકાર નથી. તેથી તેમના જણાવ્યા મુજબ ‘અસલમ’ નામની વ્યક્તિ દ્વારા નાણાં વસૂલવામાં આવ્યા હોવાના આક્ષેપની તાત્કાલિક તપાસ કરવી જોઈએ અને જો આરોપો સાચા સાબિત થાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સાથે જ ટ્રાફિકને અડચણરૂપ બનતા ગેરકાયદેસર લારી-ગલ્લા અને પાથરણાં દૂર કરી જાહેર રસ્તાઓ ખુલ્લા કરવાની પણ માગ કરવામાં આવી છે.
આ પણ વાંચો:રૂ.68 કરોડ ખર્ચાયા, પણ માર્કેટ ધૂળ ખાય! અમદાવાદમાં રસ્તા પર જ શાકભાજી વેચતા ફેરિયાઓ
આ પણ વાંચો:ભદ્રકાળી મંદિર સંકુલમાં ફેરિયાઓ પર પ્રતિબંધ લગાવ્યો, નોટિસ બોર્ડ લગાવી નોટિસ અપાઈ
આ પણ વાંચો:ફેરિયા ફરીને પોતાનો માલ વેચી શકે છે, પરંતુ…’, :સુપ્રીમ કોર્ટ
