Ahmedabad Vegetable Market News: અમદાવાદમાં રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી તથા ફળનું વેચાણ કરતા ફેરિયાઓને વ્યવસ્થિત જગ્યા આપવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વેજીટેબલ માર્કેટ (Ahmedabad Vegetable Market) બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી. અત્યાર સુધીમાં 19 માર્કેટ તૈયાર થઈ ચૂક્યા છે, જ્યારે બે સ્થળે કામગીરી ચાલુ છે. જોકે, કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ અનેક માર્કેટમાં વેપારીઓનો અભાવ જોવા મળી રહ્યો છે અને શહેરના ઘણા વિસ્તારોમાં ફેરિયાઓ(Street Vendors Ahmedabad) આજે પણ રોડ અને ફૂટપાથ પર જ ધંધો કરી રહ્યા છે.અને માર્કેટ ધુળ ખાતા જોવા મળી રહ્યા છે. આ સ્થિતિએ AMCની યોજનાના અમલ અને કરોડો રૂપિયાના ખર્ચની ઉપયોગિતા સામે અનેક સવાલો ઊભા કર્યા છે.
31 માર્કેટનું આયોજન, 19 તૈયાર છતાં હેતુ અધૂરો?
અમદાવાદમાં જાહેર રસ્તાઓ અને ફૂટપાથ પરથી શાકભાજી તથા ફળના ફેરિયાઓને ખસેડીને તેમને એક નિર્ધારિત અને વ્યવસ્થિત જગ્યા મળે તે માટે AMCએ શહેરભરમાં કુલ 31 વેજીટેબલ માર્કેટ બનાવવાનું આયોજન કર્યું હતું. આ પૈકી 19 માર્કેટ તૈયાર થઈ ગઈ છે, બે માર્કેટનું કામ હજુ ચાલુ છે, જ્યારે ચાર સ્થળે માર્કેટ નહીં બનાવવાનો નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે. પરંતુ અનેક તૈયાર માર્કેટમાં થડા ખાલી જોવા મળે છે. બીજી તરફ, જે વિસ્તારોમાં ફેરિયાઓને માર્કેટમાં ખસેડવાનો હેતુ હતો ત્યાં આજે પણ ઘણા વેપારીઓ પોતાની જૂની જગ્યાએ રોડ કે ફૂટપાથ પર ધંધો કરતા જોવા મળે છે.
Ahmedabad Vegetable Market: કરોડો રૂપિયા ખર્ચાયા, પરંતુ માર્કેટ ખાલી

વેજીટેબલ માર્કેટ યોજના પાછળ અત્યાર સુધીમાં અંદાજે રૂ.68 કરોડથી વધુનો ખર્ચ થઈ ચૂક્યો છે. તેમ છતાં અનેક સ્થળોએ તૈયાર કરવામાં આવેલી સુવિધાનો પૂરતો ઉપયોગ થતો નથી. કેટલીક માર્કેટમાં થોડા વેપારીઓ ધંધો કરતા જોવા મળે છે, જ્યારે અન્ય સ્થળોએ મોટા ભાગના થડા ખાલી પડ્યા (Empty Vegetable Market) હોવાનું જોવા મળે છે. આથી સવાલ ઊભો થાય છે કે માર્કેટ બનાવ્યા બાદ તેને વેપારીઓ અને ગ્રાહકો માટે ઉપયોગી બનાવવા માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું કે નહીં?
ગોતામાં સ્થિતિ સારી, અન્ય વિસ્તારોમાં વેપારીઓનો અભાવ
શહેરની અલગ-અલગ વેજીટેબલ માર્કેટની સ્થિતિમાં મોટો તફાવત જોવા મળે છે. ગોતા વિસ્તારના દેવનગર ગામ પાસે આવેલી વેજીટેબલ માર્કેટમાં વેપારીઓની હાજરી પ્રમાણમાં સારી હોવાનું સામે આવ્યું છે. પરંતુ ચાંદલોડિયા સહિતના કેટલાક વિસ્તારોમાં માત્ર ગણતરીના વેપારીઓ જ ધંધો કરતા જોવા મળે છે. બોડકદેવ જેવા વિસ્તારોમાં માર્કેટની અંદર થડા ખાલી હોવા છતાં બહાર ફૂટપાથ પર શાકભાજી અને ફળના વિક્રેતાઓનો ધંધો ચાલુ હોવાનું જોવા મળે છે.
માર્કેટ અંદર ખાલી, બહાર ફૂટપાથ પર ધંધો

બોડકદેવ વિસ્તારમાં માનસી સર્કલ પાસે બનાવવામાં આવેલી વેજીટેબલ માર્કેટ આ સમગ્ર સમસ્યાનું સ્પષ્ટ ઉદાહરણ બની રહી છે. માર્કેટની અંદર વેપારીઓ માટે જગ્યા ઉપલબ્ધ હોવા છતાં ઘણા થડા ખાલી છે. બીજી તરફ, આસપાસના વિસ્તારોમાં ફેરિયાઓ ફૂટપાથ પર બેસીને શાકભાજી અને ફળ વેચી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ શરૂઆતમાં કેટલાક ફેરિયાઓ માર્કેટમાં આવ્યા હતા, પરંતુ ત્યાં પૂરતા ગ્રાહકો ન મળતાં ધંધો ચાલ્યો નહીં અને તેઓ ફરી પોતાની જૂની જગ્યાએ જતા રહ્યા.
વેપારીઓ જાય તો ગ્રાહકો નહીં, ગ્રાહકો નહીં તો વેપારીઓ નહીં
વેજીટેબલ માર્કેટ સામે સૌથી મોટો પડકાર ગ્રાહકોની અવરજવરનો હોવાનું સામે આવે છે. જ્યાં વેપારીઓ ઓછા હોય ત્યાં ગ્રાહકો ખરીદી માટે આવતા નથી. અને ગ્રાહકો ન આવતા વેપારીઓ માટે ત્યાં ધંધો ચલાવવો મુશ્કેલ બને છે. આ રીતે એક ચક્ર સર્જાયું છે. વેપારીઓ માર્કેટમાં નથી જતા કારણ કે ગ્રાહકો નથી આવતા, અને ગ્રાહકો નથી આવતા કારણ કે માર્કેટમાં પૂરતા વેપારીઓ કે વિવિધ શાકભાજી ઉપલબ્ધ નથી. આ સ્થિતિ તોડવા માટે માત્ર માર્કેટનું બાંધકામ પૂરતું નથી, પરંતુ વેપારીઓને એકસાથે ખસેડવા અને ગ્રાહકોને ત્યાં સુધી આકર્ષવા માટે પણ અસરકારક આયોજન જરૂરી બને છે.
લોકાર્પણ બાદ પણ કેટલીક માર્કેટમાં સૂનકાર
દક્ષિણ પશ્ચિમ ઝોનના જોધપુર અને સરખેજ વિસ્તારમાં ત્રણ વેજીટેબલ માર્કેટ તૈયાર કરવામાં આવી હતી. આ માર્કેટનું ઓક્ટોબર 2025માં લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ લોકાર્પણ બાદ પણ કેટલીક જગ્યાએ વેપારીઓનો પૂરતો ધસારો જોવા મળ્યો નથી. સરખેજમાં કૃષ્ણધામ આવાસ નજીક બનાવવામાં આવેલી માર્કેટમાં વેપારીઓની હાજરી ખૂબ ઓછી હોવાનું સામે આવ્યું છે. જોધપુર વિસ્તારમાં પણ કેટલીક માર્કેટમાં થડાની જગ્યાનો વેપાર માટે પૂરતો ઉપયોગ થતો નથી. ક્યાંક પાણી ભરાવાની સમસ્યા તો ક્યાંક અન્ય પ્રવૃત્તિઓ માટે જગ્યાનો ઉપયોગ થતો હોવાના મુદ્દા પણ સામે આવ્યા છે.
રસ્તા પરથી દબાણ હટાવવાનો હેતુ ક્યાં સુધી સફળ?
આ યોજનાનો મુખ્ય હેતુ રસ્તા અને ફૂટપાથ પરથી ફેરિયાઓનું દબાણ ઘટાડવાનો હતો. માર્કેટમાં વેપારીઓને નિર્ધારિત જગ્યા આપવામાં આવે તો રસ્તા વાહનચાલકો માટે ખુલ્લા રહે અને રાહદારીઓ ફૂટપાથનો સરળતાથી ઉપયોગ કરી શકે તેવી અપેક્ષા હતી. પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં આજે પણ શાકભાજી અને ફળના વિક્રેતાઓ રોડની કિનારે અને ફૂટપાથ પર ધંધો કરી રહ્યા છે. જેના કારણે કેટલીક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા અને રાહદારીઓ માટે અવરજવરની મુશ્કેલી યથાવત્ છે. એટલે કે, એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે માર્કેટ ઊભી કરવામાં આવી છે અને બીજી તરફ જે દબાણ દૂર કરવા માટે આ માર્કેટ બનાવવામાં આવી હતી તે દબાણ હજુ પણ અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે.
AMCના એસ્ટેટ વિભાગની અમલવારી સામે સવાલ
વેપારીઓને નવી માર્કેટમાં ખસેડવાની કામગીરીમાં AMCના એસ્ટેટ વિભાગની ભૂમિકા પણ મહત્વની બને છે. જો ફેરિયાઓને તેમની જૂની જગ્યાએ જ સરળતાથી ધંધો કરવાની છૂટ મળે અને ગ્રાહકો પણ ત્યાં જ ખરીદી માટે પહોંચતા રહે, તો વેપારીઓ માટે નવી માર્કેટમાં સ્થળાંતર કરવાનો ખાસ ફાયદો રહેતો નથી.
આથી હવે સવાલ એ છે કે તૈયાર માર્કેટમાં વેપારીઓને ખસેડવા માટે AMC દ્વારા કેટલી અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે? શું રોડ અને ફૂટપાથ પર થતા દબાણ સામે પૂરતી કડકાઈ રાખવામાં આવી રહી છે? અને માર્કેટમાં ગ્રાહકોની અવરજવર વધારવા માટે કોઈ વ્યવસ્થિત યોજના બનાવવામાં આવી છે?
AMCના પદાધિકારીઓએ પણ સ્વીકારી સમસ્યા
કેટલીક વેજીટેબલ માર્કેટમાં વેપારીઓ અને ગ્રાહકોની ઓછી હાજરીનો મુદ્દો કોર્પોરેશનના પદાધિકારીઓ સુધી પણ પહોંચ્યો છે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જૈનિક વકીલ અને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલ દ્વારા પણ કેટલીક માર્કેટમાં અપેક્ષા મુજબ ઉપયોગ ન થતો હોવાની વાત સામે આવી છે. આથી હવે માત્ર નવી માર્કેટ બનાવવાના બદલે પહેલેથી તૈયાર થયેલી માર્કેટને કેવી રીતે સંપૂર્ણ રીતે કાર્યરત કરવી તે AMC માટે મોટો પડકાર બની ગયો છે.
રૂ.68 કરોડના ખર્ચ બાદ હવે પરિણામની રાહ
કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં રૂ.68 કરોડથી વધુનો ખર્ચ કરવામાં (AMC Rs 68 Crore Project) આવ્યો છે અને હજુ કેટલીક જગ્યાએ કામગીરી ચાલુ છે. પરંતુ જો તૈયાર થયેલી માર્કેટમાં વેપારીઓ ન બેસે, ગ્રાહકો ન આવે અને ફેરિયાઓ રસ્તા-ફૂટપાથ પર જ ધંધો કરતા રહે તો યોજનાના મૂળ હેતુ પર સવાલ ઊભા થવા સ્વાભાવિક છે. હવે AMC સામેનો મુખ્ય પડકાર માત્ર નવી વેજીટેબલ માર્કેટ ઉભી કરવાનો નથી. પરંતુ તૈયાર માર્કેટને જીવંત બનાવવાનો, વેપારીઓને ત્યાં ખસેડવાનો, ગ્રાહકોની અવરજવર વધારવાનો અને રસ્તા-ફૂટપાથ પરથી દબાણ ઘટાડવાનો છે.
જ્યારે માર્કેટમાં વેપારીઓનો પૂરતો ધંધો ચાલશે, ગ્રાહકોને એક જ સ્થળે જરૂરી વસ્તુઓ મળશે અને જાહેર રસ્તાઓ દબાણમુક્ત બનશે, ત્યારે જ કરોડો રૂપિયાની આ યોજના તેના સાચા હેતુ સુધી પહોંચી હોવાનું કહી શકાશે.
આ પણ વાંચો: જૂનાગઢમાં માસૂમ પર માતા દ્વારા અત્યાચારનો મામલો, પોલીસની તાત્કાલિક કાર્યવાહી
આ પણ વાંચો: જુનાગઢના માખીયાળામાં ST બસ રોકો આંદોલન: બસનો સ્ટોપ ન મળતાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા
આ પણ વાંચો: અમદાવાદ સોલામાં અંધશ્રદ્ધાનો ભોગ સગીરા: ભુવા સામે દુષ્કર્મનો આરોપ, તસવીરો વાયરલ થતાં ધરપકડ
