Ahmedabad News: અમદાવાદના સોલા વિસ્તારમાં અંધશ્રદ્ધાના નામે 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ (Sola rape case) આચર્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પરિવાર પોતાની બીમાર દીકરીને સાજી કરાવવા માટે જે ભુવા પાસે ગયો હતો, તેના પર જ સગીરાનું શોષણ કરવાનો આરોપ લાગ્યો છે. આરોપીએ સગીરા સાથેની અંગત તસવીરો વાયરલ કરતાં સમગ્ર મામલો પરિવારના ધ્યાને આવ્યો હતો. ફરિયાદ બાદ સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Sola rape case: બીમારી દૂર કરવાના નામે પરિવારનો ભુવા પર વિશ્વાસ
પોલીસના જણાવ્યા અનુસાર, સગીરા અવારનવાર બીમાર રહેતી હોવાથી તેના પરિવારજનોએ આશરે એક વર્ષ પહેલાં પોતાના સમાજના ભુવા ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રેશ કાંતિલાલ પંચાલનો સંપર્ક કર્યો હતો. પરિવારને એવી આશા હતી કે વિધિ કરવાથી તેમની દીકરીની બીમારી દૂર થઈ જશે. આ વિશ્વાસનો લાભ લઈ આરોપી ભુવા યુવતીના ઘરે જતો હતો અને વિધિના બહાને તેની સાથે એકાંતમાં રહેતો હોવાનો પોલીસનો આરોપ છે.
પરિવારજનોને બહાર બેસાડી કેફી પીણું પીવડાવ્યાનો આરોપ
પોલીસ તપાસમાં સામે આવેલી પ્રાથમિક વિગતો મુજબ, આરોપી જ્યારે સગીરાના ઘરે વિધિ કરવા જતો ત્યારે પરિવારજનોને બહાર બેસાડી દેતો હતો. ત્યારબાદ સગીરાને કેફી પીણું પીવડાવી અર્ધબેભાન કર્યા બાદ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યાનો આરોપ છે. આરોપીએ બાદમાં વધુ એક વિધિના બહાને સગીરાને પોતાના ઘરે લઈ જઈ ત્યાં પણ તેની સાથે દુષ્કર્મ (Sola rape case) આચર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
Sola rape case: સગીરાની તસવીરો પાડીને બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ સગીરા સાથેની અંગત તસવીરો પણ પાડી લીધી હતી. આ તસવીરોનો ઉપયોગ કરીને તેને બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ કરાયો હોવાની આશંકા છે. જોકે, આરોપીએ આ તસવીરો સોશિયલ મીડિયા અને વોટ્સએપ મારફતે વાયરલ કરી દેતાં સમગ્ર મામલો પરિવારના ધ્યાનમાં આવ્યો હતો. સમાજના કેટલાક લોકો મારફતે તસવીરોની જાણ પરિવારજનોને થઈ હતી. પરિવારે દીકરીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતાં તેણે પોતાની સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પરિવાર સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.
Sola rape case: સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી
ફરિયાદ મળ્યા બાદ સોલા પોલીસે કાર્યવાહી હાથ ધરી ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રેશ કાંતિલાલ પંચાલની ધરપકડ કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ સગીરા સાથે દુષ્કર્મ (Sola rape case) સહિતની લાગુ પડતી કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે ઘટનાની વધુ તપાસ કરી રહી છે અને આરોપીએ અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ આવી જ રીતે છેતરપિંડી કે શોષણ કર્યું છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
આરોપી સામે અગાઉ પણ ગુના નોંધાયેલા
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. વર્ષ 2025 દરમિયાન સોલા, ઘાટલોડિયા, રામોલ અને માંડલ પોલીસ સ્ટેશનમાં તેની સામે અલગ-અલગ ચાર ગુના નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, લોકોને પરિસ્થિતિ સુધારવા અથવા સમસ્યા દૂર કરવાની ખાતરી આપીને તેમની પાસેથી પૈસા પડાવવાના કિસ્સાઓમાં આરોપી સંડોવાયેલો હતો. આવા કિસ્સાઓમાં કુલ આશરે 56 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
અંધશ્રદ્ધા સામે સાવચેતી જરૂરી
આ ઘટના ફરી એકવાર અંધશ્રદ્ધાના નામે લોકો સાથે થતી છેતરપિંડી અને શોષણ સામે સવાલો ઊભા કરે છે. બીમારી અથવા અન્ય મુશ્કેલીના સમયે પરિવારજનો અંધવિશ્વાસમાં આવીને અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરે અને તબીબી સમસ્યાઓ માટે યોગ્ય તબીબી નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
આ પણ વાંચો:અમદાવાદ દુષ્કર્મ કેસમાં આરોપીને રિમાન્ડ નહીં, જેલ મોકલાયો; BNSની કલમ 308(5) ઉમેરાઈ
આ પણ વાંચો:અમદાવાદના જોધપુર ગામમાં યુવતી સાથે દુષ્કર્મ, આરોપી સિક્યુરિટી ગાર્ડની ધરપકડ
આ પણ વાંચો:અમદાવાદમાં સંબંધોને શરમાવે તેવી ઘટના, સાસુ પર સગીર પુત્રવધૂ સાથે દુષ્કર્મ કરાવ્યાનો આરોપ
