Ahmedabad News : અમદાવાદ (Ahmedabad)ના આનંદનગર વિસ્તારમાં નોંધાયેલા દુષ્કર્મ કેસ (Ahmedabad Rape Case)માં પીડિતાનો મોબાઈલ ઝૂંટવી ફરાર થયેલા આરોપી સિક્યુરિટી ગાર્ડ ધર્મસિંહ રાઠોડ (Dharm Singh Rathod)ને પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યો હતો. જોકે, કોર્ટે પોલીસની રિમાન્ડ અરજી ફગાવી દેતા આરોપીને જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે.
કોર્ટમાં પ્રોડક્શન દરમિયાન આરોપી ધર્મસિંહ રાઠોડ બે હાથ જોડીને શાંત અને ગુમસુમ બેસેલો જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા કેસની તપાસ માટે રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તેને મંજૂરી આપી નહોતી.
આરોપી સામે BNSની નવી કલમ ઉમેરાઈ
સુનાવણી દરમિયાન પોલીસે આરોપી સામે BNSની કલમ 308(5) ઉમેરવા માટે અરજી કરી હતી. કોર્ટે આ અરજી મંજૂર કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, ઘટના બાદ આરોપીએ પીડિતાનો મોબાઈલ ફોન ઝૂંટવીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
BNSની કલમ 308(5) હેઠળ મૃત્યુ અથવા ગંભીર ઈજાનો ભય બતાવીને બળજબરીથી વસૂલી અથવા લૂંટ કરવાના કિસ્સામાં 10 વર્ષ સુધીની સખત કેદ અને દંડની જોગવાઈ છે.
હાલ આરોપી જેલમાં રહેશે
રિમાન્ડ અરજી ફગાવી દેવામાં આવતા ધર્મસિંહ રાઠોડને હાલ જેલમાં મોકલવામાં આવ્યો છે. બીજી તરફ, પોલીસ પર હુમલો કરવાના અલગથી નોંધાયેલા કેસને કારણે પોલીસ આગામી સમયમાં જેલમાંથી આરોપીનો કબજો મેળવી શકે છે. ત્યારબાદ ટ્રાન્સફર વોરંટ અથવા રિમાન્ડ માટે તેને ફરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
