Ahmedabad News/ અમદાવાદમાં દુષ્કર્મના આરોપીનું પોલીસ પર હુમલો, સ્વબચાવમાં ફાયરિંગ; પગમાં ગોળી વાગી

Rape Case: અમદાવાદમાં PG યુવતી સાથે દુષ્કર્મના કેસમાં ઝડપાયેલા આરોપીએ પંચનામા દરમિયાન પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતાં આરોપીના પગમાં ગોળી વાગી હતી.

Top Stories Gujarat
Rape Case

Ahmedabad Rape Case: અમદાવાદમાં PGમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મના કેસમાં ઝડપાયેલા આરોપીએ પોલીસને ચકમો આપી ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. આ દરમિયાન આરોપીના હુમલામાં એક પોલીસકર્મીને પણ ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, જોધપુર પોલીસની ટીમ દુષ્કર્મના આરોપી ધર્મસિંહ રામશંકરસિંહને ઘટનાનું પંચનામું કરવા માટે સ્થળ પર લઈ ગઈ હતી. પંચનામાની કાર્યવાહી દરમિયાન આરોપીએ અચાનક પોલીસના કબજામાંથી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી હુમલો કર્યો અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

આરોપીના હુમલામાં એક પોલીસકર્મીના હાથમાં ઈજા થઈ હતી. સ્થિતિ કાબૂ બહાર જતી જોઈ ફરજ પરના પોલીસકર્મીએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. ગોળી આરોપીના પગમાં વાગતાં તે સ્થળ પર જ પડી ગયો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે. ઈજાગ્રસ્ત પોલીસકર્મીને પણ સારવાર આપવામાં આવી છે.

ચાર દિવસ પહેલાં જ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી શરૂ કરી હતી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાનો રહેવાસી છે. તે અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો અને ઘટનાના માત્ર ચાર દિવસ પહેલાં જ નોકરી પર જોડાયો હતો.

આરોપીએ PGમાં રહેતી યુવતીની એકલતાનો લાભ લીધો હોવાનો આરોપ છે. યુવતી બિલ્ડિંગના ટેરેસ પર ગઈ હતી ત્યારે આરોપી તેની પાછળ ધસી ગયો હતો. ત્યારબાદ તેણે યુવતી સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

વાયરથી ગળું દબાવવાનો પ્રયાસ, યુવતી બેભાન થઈ ગઈ

JCP સેક્ટર-1, મળતી માહિતી મુજબ, 8 ઓગસ્ટની રાત્રે આશરે 9થી 10:30 વાગ્યાની વચ્ચે આરોપીએ યુવતી પર હુમલો કર્યો હતો. આરોપીએ વાયરનો ઉપયોગ કરીને યુવતીનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે યુવતી બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે.

ઘટના બાદ આરોપીએ યુવતીને ધાબા પર બહારથી લોક કરી દીધી હતી અને ત્યાંથી નાસી ગયો હતો. યુવતીને ભાન આવ્યા બાદ તેણે મદદ માટે બૂમો પાડતાં આસપાસના લોકો ત્યાં એકઠા થયા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ટેકનિકલ સર્વેલન્સથી આરોપી ઝડપાયો

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ સહિતની તપાસના આધારે પોલીસે આરોપી ધર્મસિંહ રામશંકરસિંહને ઝડપી લીધો હતો.

કાયદેસરની કાર્યવાહી હેઠળ આરોપીને ઘટના સ્થળે લઈ જઈ પંચનામું કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન તેણે પોલીસ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસ દ્વારા સ્વબચાવમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

હોસ્પિટલમાં જ્યારે તેને લાવવામાં આવ્યો ત્યારે તે સતત મને ‘માફ કરી દો’, ‘મને માફ કરી દો’ બોલી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે, ફરી જિંદગીમાં ક્યારેય આવું કામ નહીં કરે.


આ પણ વાંચો: અમદાવાદના જોધપુર ગામમાં યુવતી સાથે દુષ્કર્મ, આરોપી સિક્યુરિટી ગાર્ડની ધરપકડ

આ પણ વાંચો: સુરતમાં 14 વર્ષની સગીરા પર કિશોર દ્વારા ત્રણ વખત દુષ્કર્મનો આરોપ, POCSO હેઠળ ગુનો નોંધાયો

આ પણ વાંચો: વાસદ રેલવે સ્ટેશન પાસે સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ બાદ હત્યા, કથિત દુષ્કર્મની આશંકા