Surat News/ સુરતમાં કોલસાની અછતને પગલે ટેક્સટાઈલ મિલો અઠવાડિયામાં 2 દિવસ રહેશે બંધ

સુરતમાં કોલસાની ભારે અછતને કારણે SGTPA એ ટેક્સટાઈલ મિલોને અઠવાડિયામાં 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ઈન્ડોનેશિયાથી સપ્લાય ખોરવાતા 400મિલો પ્રભાવિત થઈ છે.

Top Stories Gujarat Surat
Surat Textile Mill Coal Shortage

Surat Textile Mill Coal Shortage: ડાયમંડ સિટી સુરતની શાન ગણાતો ટેક્સટાઈલ ઉદ્યોગ અત્યારે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. વિશ્વ સ્તરે ઉર્જા સંકટ અને ખાસ કરીને કોલસાની ભારે અછતને પગલે સુરતની ટેક્સટાઈલ પ્રોસેસિંગ મિલોએ મોટો નિર્ણય લીધો છે. હવેથી શહેરની અંદાજે ૪૦૦ જેટલી મિલો અઠવાડિયામાં ૨ દિવસ ફરજિયાત બંધ રાખવામાં આવશે.

કેમ લેવાયો આકરો નિર્ણય?

સુરતની ટેક્સટાઈલ મિલોમાં મોટાભાગે ઈન્ડોનેશિયાથી આવતા કોલસાનો ઉપયોગ થાય છે, પરંતુ હાલમાં ઈન્ડોનેશિયાથી આવતા કોલસાનો સપ્લાય લાંબા સમયથી ખોરવાયો છે. આ કારણોસર મિલો પાસે રહેલો કોલસાનો જથ્થો હવે સાવ ખલાસ થવાના આરે પહોંચી ગયો છે. આ વિકટ સ્થિતિને પહોંચી વળવા માટે સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશન (SGTPA) દ્વારા મળેલી બેઠકમાં એવો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી મિલોને અઠવાડિયામાં 2 દિવસ ‘રોટેશન’ મુજબ બંધ રાખવી પડશે.

Surat Textile Mill Coal Shortage

400 મિલો ‘અલ્ટરનેટ’ પદ્ધતિથી બંધ રહેશે

શહેરની ૪૦૦ જેટલી પ્રોસેસિંગ મિલો એકસાથે બંધ રાખવાને બદલે અલગ-અલગ ગ્રુપમાં અલ્ટરનેટ રીતે બંધ રહેશે. આનાથી કોલસાના વપરાશમાં ઘટાડો કરી શકાશે અને જે મર્યાદિત સ્ટોક છે તેને લાંબો સમય ચલાવી શકાશે. જો આગામી દિવસોમાં કોલસાની આયાત પૂર્વવત નહીં થાય, તો ઉદ્યોગકારોએ વધુ કડક નિર્ણયો લેવાની પણ ચીમકી આપી છે.

Surat : ઉદ્યોગ અને કારીગરો પર અસર

કોલસાની અછતને કારણે માત્ર ઉત્પાદન જ નહીં, પણ હજારો કારીગરોની રોજીરોટી પર પણ અસર પડવાની ભીતિ છે. મિલો બંધ રહેવાથી ઉત્પાદન ઘટશે, જેના કારણે કાપડના ભાવમાં પણ વધારો થઈ શકે છે. કાપડ ઉદ્યોગના અગ્રણીઓના મતે, જો સરકાર આ બાબતે હસ્તક્ષેપ કરીને કોલસાની વ્યવસ્થા નહીં કરે, તો સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ લાંબા સમય સુધી મંદીમાં ધકેલાઈ શકે છે.


આ પણ વાંચો : સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં કારીગરોની અછતની ભીતિ, ગેસ સંકટે શ્રમિકોને વતન દોડાવ્યા

આ પણ વાંચો : સુરતની ટેક્સટાઈલ મિલમાં ડ્રમ ફાટતા લાગેલી આગમાં બેના મોત, અનેક મહિલા કામદારો દાઝી

આ પણ વાંચો : સુરતના હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગ પર અમેરિકાના 25% ટેરિફનો આઘાત, ચિંતાનો માહોલ