Surat Gas Crisis Worker Migration: ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ હબ સુરતમાં અત્યારે એક વિચિત્ર પરિસ્થિતિ સર્જાઈ છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે રાંધણ ગેસના સપ્લાયમાં મોટો કાપ આવ્યો છે. ગેસ સિલિન્ડર ન મળવાને કારણે સુરતના વિકાસની કરોડરજ્જુ ગણાતા પરપ્રાંતીય શ્રમિકો માટે રસોઈ બનાવવી પણ મુશ્કેલ બની ગઈ છે. પરિણામે, સેંકડો શ્રમિકોએ સુરત છોડીને પોતાના વતન જવાનું શરૂ કરી દીધું છે.
₹1200નો બાટલો ₹5000માં! કાળાબજારીથી શ્રમિકો બેહાલ
ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશા જેવા રાજ્યોમાંથી આવીને સુરતના ટેક્સટાઈલ અને બાંધકામ ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકો હાલમાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી શહેરમાં ગેસની એવી અછત સર્જાઈ છે કે 1200માં મળતો સિલિન્ડર હવે કાળાબજારમાં 4000 થી 5000 સુધીના ઊંચા ભાવે વેચાઈ રહ્યો છે. મર્યાદિત આવક ધરાવતા આ શ્રમિકો માટે આટલા ઊંચા ભાવ ચૂકવવા અશક્ય બન્યા હોવાથી તેમને મોટો આર્થિક ફટકો પડ્યો છે. આ વિકટ પરિસ્થિતિથી કંટાળીને હવે શ્રમિકોએ હિજરત કરવાનું શરૂ કર્યું છે, જેના પરિણામે છેલ્લા બે દિવસથી સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર પોતાના વતન પરત ફરવા માંગતા શ્રમિકોની ભારે ભીડ અને લાંબી લાઈનો જોવા મળી રહી છે.
Surat : ઉદ્યોગોમાં કારીગરોની અછતની ભીતિ
જો શ્રમિકોનું આ પલાયન ચાલુ રહેશે, તો સુરતના કાપડ ઉદ્યોગ (Textile Industry) અને હીરા ઉદ્યોગને મોટો ફટકો પડી શકે છે. કારીગરોની અછતને કારણે લૂમ્સ અને ડાઈંગ-પ્રિન્ટિંગ યુનિટોમાં ઉત્પાદન ઘટી શકે છે, જેનાથી પ્રોડક્શન ઠપ્પ થવાની ભીતિ છે. આ ઉપરાંત, લગ્નની સીઝન અને આગામી તહેવારો વચ્ચે જો કારીગરો નહીં હોય, તો વેપારીઓ માટે સમયસર ઓર્ડર પૂરા કરવામાં પણ મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે.
કેમ સર્જાઈ આ સ્થિતિ?
મિડલ ઈસ્ટના તણાવને કારણે ક્રૂડ અને ગેસની આયાતમાં અવરોધ આવ્યો છે. જોકે સરકાર સ્ટોક હોવાનો દાવો કરી રહી છે, પરંતુ જમીની હકીકત એ છે કે સામાન્ય જનતા અને શ્રમિકોને ગેસ માટે વલખા મારવા પડી રહ્યા છે. શ્રમિકોનું કહેવું છે કે, “કમાણી કરતા રસોઈનો ખર્ચ વધી ગયો છે, તો અહીં રહીને શું કરવું?”
સ્થાનિક સંગઠનો અને ઉદ્યોગપતિઓ હવે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે શ્રમિકોને રાહત દરે અને સરળતાથી ગેસ ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી સુરતનો ઉદ્યોગ ઠપ્પ થતા બચી જાય.
