Ahmedabad News : રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેસ (Gas)સિલિન્ડરની સપ્લાય ખોરવાતા હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડ સ્ટોલ અને હોસ્ટેલની મેસ ચલાવતા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કોમર્શિયલ ગેસ(Gas) સિલિન્ડરની અછતને કારણે અનેક સ્થળોએ રસોઈ બનાવવી મુશ્કેલ બની છે. બીજી તરફ જ્યાં સિલિન્ડર ઉપલબ્ધ છે ત્યાં કાળાબજારી ચાલી રહી છે અને એક સિલિન્ડર માટે ₹3000થી ₹4000 સુધી વસૂલવામાં આવી રહ્યા છે.
આ પરિસ્થિતિમાં ખાસ કરીને હોસ્ટેલની મેસ ચલાવતા સંચાલકો સૌથી વધુ પ્રભાવિત થયા છે. વિદ્યાર્થીઓને જમવાનું સમયસર મળી રહે તે માટે અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં મેસ સંચાલકોએ પરંપરાગત દેશી ચૂલા પર રસોઈ બનાવવાનું શરૂ કર્યું છે. હાલમાં લાકડા અને કોલસાની મદદથી રસોઈ તૈયાર કરવામાં આવી રહી છે.
રાજકોટ અને સુરતમાં પણ વિકલ્પોની માંગ વધી
ગેસની અછતના કારણે લોકો વિકલ્પ તરીકે કોલસાની સગડી અને ઇન્ડક્શન સ્ટોવ ખરીદવા લાગી રહ્યા છે.
-
રાજકોટમાં કોલસાથી ચાલતી સગડી મેળવવા માટે લગભગ 15 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે.
-
સુરતમાં ઇન્ડક્શન સ્ટોવ ખરીદવા માટે લગભગ 10 દિવસ રાહ જોવી પડી રહી છે.
મેસમાં સૈંકડો વિદ્યાર્થીઓ જમતા હોવાથી મુશ્કેલી
અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કોલેજની મેસમાં દરરોજ લગભગ 500થી 700 વિદ્યાર્થીઓ જમવા આવે છે. સામાન્ય રીતે મેસ ચલાવવા માટે દરરોજ બે ગેસ(Gas) સિલિન્ડરની જરૂર પડે છે, પરંતુ હાલ બે-ત્રણ દિવસમાં માત્ર એક જ ગેસ (Gas)સિલિન્ડર મળી રહ્યો છે.
હવે બે કલાક વહેલા ઉઠીને રસોઈ બનાવવી પડે છે
મેસ સંચાલક નરેશ જોશીએ જણાવ્યું હતું કે અગાઉ સવારે 7 વાગ્યે રસોઈ બનાવવાનું શરૂ કરતા હતા, પરંતુ હવે દેશી ચૂલા પર રસોઈ બનાવવા માટે સવારે 5 વાગ્યે જાગવું પડે છે, જેથી વિદ્યાર્થીઓને સમયસર જમવાનું આપી શકાય.
સ્થિતિ યથાવત રહી તો મેસ બંધ કરવાની ફરજ પડી શકે
નરેશ જોશીએ વધુમાં જણાવ્યું કે દરરોજ 300થી વધુ વિદ્યાર્થીઓ અહીં સવાર અને સાંજે જમવા આવે છે. અત્યાર સુધી કોઈ વિદ્યાર્થીને તકલીફ ન પડે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે, પરંતુ જો ગેસ(Gas)ની અછત લાંબા સમય સુધી ચાલુ રહેશે તો મેસ ચલાવવી મુશ્કેલ બની શકે છે.
વિદ્યાર્થીઓ પર વધશે આર્થિક ભાર
વિદ્યાર્થી વત્સલ પ્રજાપતિએ જણાવ્યું કે હોસ્ટેલમાં રહીને મેસમાં જમવાથી ખર્ચ નિયંત્રિત રહે છે, પરંતુ જો બહાર જમવું પડશે તો ખર્ચ વધી જશે અને ઘરેથી વધુ પૈસા મંગાવવા પડશે, જેના કારણે અભ્યાસ પર પણ અસર પડી શકે છે.
આ પણ વાંચો : વડોદરામાં ગેસ એજન્સીઓની હેલ્પલાઇન વ્યસ્ત, કાળાબજારીની આશંકા વચ્ચે તંત્રએ ફરિયાદ માટે નવા નંબર જાહેર કર્યા
આ પણ વાંચો : વડોદરામાં કોમર્શિયલ સિલિન્ડરની અછતથી અનેક હોટલ-રેસ્ટોરન્ટના ઉદ્યોગ ઠપ્પ થવાના આરે
આ પણ વાંચો : ગુજરાતમાં નવા PNG કનેક્શન તાત્કાલિક આપવાની સરકારની જાહેરાત
