Vadodara News/ વડોદરામાં ગેસ એજન્સીઓની હેલ્પલાઇન વ્યસ્ત, કાળાબજારીની આશંકા વચ્ચે તંત્રએ ફરિયાદ માટે નવા નંબર જાહેર કર્યા

વડોદરામાં ઘરેલુ LPG Gasની ભારે તંગી સર્જાઈ છે. ગેસ એજન્સીઓ સામે લોકોની લાઈનો લાગી છે. તંત્રએ ફરિયાદ માટે 7974886989 અને 0265-2427592 નંબર જાહેર કર્યા છે.

Top Stories Gujarat Vadodara
Vadodara Gas Cylinder Shortage

Vadodara Gas Cylinder Shortage: મધ્ય પૂર્વમાં (મિડલ ઈસ્ટ) છેડાયેલા યુદ્ધની જ્વાળાઓ હવે વડોદરાના રસોડા સુધી પહોંચી ગઈ છે. વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘરેલુ LPG ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાતા હાહાકાર મચી ગયો છે. બુકિંગ કરાવ્યાના દિવસો વીતી જવા છતાં ગેસની ડિલિવરી ન મળતા ગૃહિણીઓ પરેશાન થઈ ગઈ છે. આ સ્થિતિનો લાભ લઈને કાળાબજારિયાઓ સક્રિય થયા હોવાની આશંકા વચ્ચે તંત્રએ હવે નાગરિકો માટે નવા હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.

વધતા તાપમાન વચ્ચે Gas માટે લાંબી કતારો

વડોદરાની વિવિધ ગેસ એજન્સીઓ બહાર અત્યારે વહેલી સવારથી જ ગૃહિણીઓ અને પરિવારના સભ્યોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ધોમધખતા તાપમાં કલાકો સુધી ઉભા રહેવા છતાં સિલિન્ડર મળશે કે કેમ તે નક્કી નથી. અનેક નાગરિકોની ફરિયાદ છે કે ગેસ એજન્સીઓના હેલ્પલાઇન નંબરો સતત વ્યસ્ત આવે છે અથવા કોઈ ફોન ઉપાડતું નથી, જેના કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

Vadodara Gas Cylinder Shortage

ઊંચા ભાવે વેચાતા સિલિન્ડર?

શહેરમાં એવી ચર્ચા છે કે કૃત્રિમ અછત ઉભી કરીને કેટલાક અસામાજિક તત્વો ઘરેલુ ગેસ સિલિન્ડરની કાળાબજારી કરી રહ્યા છે. જરૂરિયાતમંદ નાગરિકો પાસે ઊંચા ભાવ વસૂલવામાં આવી રહ્યા હોવાની બૂમ ઉઠી છે. નાગરિકોની માંગ છે કે તંત્ર ઓચિંતું ચેકિંગ કરે તો આ કાળાબજારીયાઓ પર રોક લગાવી શકાય તેમ છે.

તંત્ર દ્વારા નવા ‘ફરિયાદ નંબર’ જાહેર

નાગરિકોની હાલાકીને જોતા વડોદરા વહીવટી તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી છે. જો તમારી ગેસ એજન્સી ફોન ન ઉપાડતી હોય કે ગેસની ડિલિવરીમાં વિલંબ થતો હોય, તો તમે નીચેના નંબરો પર સીધી ફરિયાદ કરી શકો છો:

મોબાઇલ નંબર: 7974886989

લેન્ડલાઇન નંબર: 0265-2427592

સામાજિક કાર્યકરો મેદાને, કલેક્ટરને રજૂઆત

વડોદરાના જાણીતા સામાજિક કાર્યકરો રાજેશ માળી, ભાવિકા ચાંડોલે, મનીષ ગોસ્વામી અને વિઠ્ઠલ આયરે સહિતના આગેવાનોએ જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. તેમણે માંગ કરી છે કે ગેસની અછતનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે અને ડિલિવરી વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે જેથી સામાન્ય જનતાને હાલાકી ભોગવવી ન પડે.

યુદ્ધના કારણે ગેસની સપ્લાય ચેઈન ખોરવાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ સ્થાનિક સ્તરે તેનું વ્યવસ્થાપન યોગ્ય રીતે થાય તે વડોદરાવાસીઓ માટે અત્યંત જરૂરી છે.


આ પણ વાંચો : ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં વધારો કર્યો, હવે પીએનજીનો વારો!

આ પણ વાંચો : ગેસ સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે? એ જોવા માટે આ 3 સરળ ઘરેલું ટ્રિકથી તરત જાણી લો

આ પણ વાંચો :ગેસના બાટલાના મુદ્દે કોંગ્રેસનું વિધાનસભા બહાર આક્રમક વિરોધ પ્રદર્શન