સુરેન્દ્રનગર/ સુરેન્દ્રનગર ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે સુરસાગર દાણનો શુભારંભ કરાયો

આ દાણથી દૂધ ઉત્પાદનમાં વધારો થશે અને ફેટની ગુણવત્તા પણ મળશે તેમજ પશુની તંદુરસ્તી તથા રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે.

Gujarat

પશુપાલકોને સારી ગુણવત્તાવાળું દાણ મળી રહે તેવા હેતુથી સુરસાગર ડેરી દ્વારા ઉત્પાદિત દાણનો સુરેન્દ્રનગર ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પશુપાલકોને સહાય ચેકનું વિતરણ કરાયુ હતું તેમજ સુરસાગર ડેરી દ્વારા મંત્રીનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતાં વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, સુરસાગર ડેરીની શરૂઆત માત્ર ૨૫,૦૦૦ લીટર દૂધથી કરવામાં આવી હતી. આજે દૂધ ઉત્પાદન ૬.૫૦ લાખ લીટર સુધી પહોંચ્યું છે. ડેરી દ્વારા નવા નવા આયામો વિકસાવવામાં આવ્યા છે, જેનો લાભ આજે પશુપાલકો મેળવી રહ્યા છે અને જિલ્લાના પશુપાલકો વધુ આવક મેળવે તે દિશામાં ડેરી કાર્ય કરી રહી છે.

વધુમાં મંત્રી એ જણાવ્યું હતું કે, સુરસાગર ડેરી દ્વારા જે દાણનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.  તેના અનેક ફાયદા છે. આ દાણથી દૂધ ઉત્પાદનમાં વધારો થશે અને ફેટની ગુણવત્તા પણ મળશે તેમજ પશુની તંદુરસ્તી તથા રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ડેરીમાં દૂધ ભરતા પશુપાલકોમાં જો કોઈનું અવસાન થાય તો તેમના પરિવારને ડેરી દ્વારા રૂપિયા ૪૫ હજારની સહાય આપવામાં આવે છે. જિલ્લાના ૩૧૩ પશુપાલકોના પરિવારોને રૂપિયા ૧.૪૦ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
આ તકે મંત્રી એ સુરસાગર ડેરીએ ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.

તેમ જણાવી ભવિષ્યમાં ડેરી પ્રગતિ કરે તેવી શુભકામના પણ પાઠવી હતી.આ પ્રસંગે ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડ, અગ્રણીઓ સર્વ જગદીશભાઈ મકવાણા, દિલીપભાઈ પટેલ, પ્રકાશભાઇ સોની, હરદેવસિંહ પરમાર, જયેશભાઈ પટેલ, ચંદ્રશેખર દવે,   ગભરૂભાઈ, અરજણભાઈ અને ડેરીના મેનેજિંગ ડીરેક્ટર ગુરદિતસિંઘ તેમજ ડેરીના બોર્ડ ઓફ ડીરેક્ટરઓ સહિત પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.