કોરોનાકાળ શરુ થયો ત્યારથી સિનેમાગૃહ બંધ થઇ ગયા હતા અને અલ્મોસ્ટ બે વર્ષ પછી સિનેમાગૃહ ખુલ્યા અને પહેલીવાર કોઈ ગુજરાતી ફિલ્મ સિનેમાગૃહમાં રીલીઝ થઇ છે અને તે છે ધુંઆધાર.
ગુજરાતીમાં સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મ બહુ ઓછી બને છે અને રેહાને જે સાહસ કર્યું છે એ ખરેખર પ્રશંસનીય છે. ગુજરાતી સિનેમાના બે સુપરસ્ટાર એક જ ફિલ્મમાં જોવા માટે મળે છે એક હિતેન કુમાર અને બીજો મલ્હાર ઠાકર.
ફિલ્મની સ્ટોરી એક્સિડન્ટથી શરૂઆત થાય છે. મલ્હાર એટલે કે આરવ તેને ફિલ્મમાં એક બોક્સર તરીકે બતાવવામાં આવ્યો છે. એક રાત્રે તેની ગર્લફ્રેન્ડ ગીત એટલે કે નેત્રી ત્રિવેદીને મળવા જાય છે અને ગંભીર અકસ્માત થાય છે. અને એક્સિડન્ટ પછી આરોપીઓ જેમ ભાગી જાય છે, સાબિતીઓ છુપાવવાના પ્રયત્નો કરે છે તેમ આરવ પણ કરે છે. એક્સિડન્ટની આડમાં તે પોતે ભૂલ કરી બેસે છે અને બીજું મર્ડર કરી નાખે છે. હવે સ્ટોરીમાં આવે છે જોરદાર ટ્વીસ્ટ અને એ ટ્વીસ્ટ શું છે એ જોવા માટે તમારે સિનેમાગૃહમાં પહોંચી જવું પડશે.
ફિલ્મની સ્ટોરી પહેલા હાફમાં 150ની સ્પીડે એક પછી એક વળાંક સાથે આગળ વધતી જાય છે અને દર્શકોને જકડી રાખે છે પરંતુ જયારે ગાડી બ્રેક વાગે છે અને બીજા ભાગમાં સ્ટોરીલાઈન નબળી પડી જાય છે પરંતુ ક્લાઈમેક્સમાં થોડીક ગતિ પકડાય છે. ફિલ્મમાં એક જોરદાર “સર” (સરસ્વતી – ડીમ્પલ બિસ્કીટવાલા) કરીને એક કેરેક્ટર આવે છે જે દર્શકોને જબરી મજ્જા કરાવી જાય છે. મલ્હાર ઠાકર પોતે પોતાનો ટીપીકલ અંદાજ છોડીને આ ફિલ્મમાં અનોખા અંદાજમાં જોવા માટે મળે છે. હિતેનકુમાર પોલીસ ઇન્સ્પેકટરની સાથે સાથે ફની રોલમાં જોવા માટે મળે છે.
આ ફિલ્મમાં પણ બાકીની ફિલ્મોની જેમ દારુની મહેફિલ વાળો સીન અને મૂત્ર વિસર્જન થતું હોય એવો સીન દેખાય છે.
ફિલ્મની સ્ટોરી ખૂબ જ સારી છે, પંચલાઈનો અદ્ભુત મારી છે લેકિન કિન્તુ પરંતુ સ્ક્રીન પ્લે થોડોક વિક દેખાઈ રહ્યો છે જનાબ ! ફિલ્મનું જે પ્રમાણે એન્ડિંગ છે એ પ્રમાણે હવે જોવાનું રહ્યું કે ફિલ્મ ડિરેક્ટર બીજો ભાગ બનાવશે કેમ.
ફિલ્મના લોકેશન જાણે પોતે જ વાર્તામાં સમાઈ ગયા હોય તેવી ફિલ્મ આવે. સિનેમેટોગ્રાફી દાદુ છે. ખાસ કરીને કાર વાળો સીન છે એ સખત ગમશે દર્શકોને.
ફિલ્મના કલાકારો મલ્હાર ઠાકર, હિતેન કુમાર , નેત્રી ત્રિવેદી, આલિશા પ્રજાપતિ અને ફિલ્મમાં ખાસ દિવંગત અભિનેતા આશિષ કક્કડ પણ જોવા માટે મળે છે. આ તેમની છેલ્લી ફિલ્મ હતી. તેમને વંદન અને પ્રણામ. રેહાન ચૌધરીને અનોખા વિષય પર ફિલ્મ લાવવા બદલ અભિનંદન.
ફિલ્મના મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર અદ્ભુત છે. બેકગ્રાઉન્ડ સ્કોર પણ દર્શકોને જકડી રાખવામાં અમૂલ્ય ભાગ ભજવતું દેખાઈ છે.
ઓવરઓલ બે કલાક અને આઠ મિનીટની ફિલ્મ ધુંઆધારને પાંચમાંથી ત્રણ સ્ટાર (3.00/5.00) !
