Banaskantha News: બનાસકાંઠામાં વાવથરાદમાં સ્વરૂપજી ઠાકોરને મંત્રીમંડળમાં સ્થાન આપીને ઉત્તર ગુજરાતમાં તે અહેસાસ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે સરકાર જ્ઞાતિગત સમીકરણમાં હજી સુધી ઉત્તર ગુજરાતને ભૂલી નથી. તે ઠાકોર સમાજની સાથે જ છે. તેની સાથે ભાજપે ગેનીબેન ઠાકોરને આગામી લોકસભા ચૂંટણીમાં હરાવવા માટે અત્યારથી જ કમર કસી લીધી છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જેવા વિસ્તારો પરંપરાગત રીતે કોંગ્રેસના ગઢ ગણાય છે, પરંતુ ભાજપે તેના આગેવાનોને તેની સાથે જોડીને કોંગ્રેસના આ ગઢમાં ગાબડું પાડ્યું છે. અગાઉની લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં વિજય મેળવીને ભાજપના 26 બેઠકોના સપનાને ચકનાચૂર કરી નાખ્યું હતું. હવે શાસક પક્ષ આ સપનું 2029માં તૂટે તેમ ઇચ્છતી નથી. આમ કોઈ કહે કે 2029ને તો હજી ઘણી વાર છે, પરંતુ શાસક પક્ષે તો અત્યારથી જ 2027 અને 2029 બંનેને ધ્યાનમાં રાખીને સોગઠા ગોઠવવા માંડયા છે, જ્યારે વિપક્ષ હજી પણ તંદ્રામાં છે.
આમ દુશ્મન જ્યારે પણ ગાફેલ હોય ત્યારે આગવી રીતે અને પૂરી ક્ષમતાથી પ્રહાર કરવો તે ભાજપની શૈલી છે. તે દુશ્મનને એવો અહેસાસ કરાવી દે છે કે ભાજપની ચૂંટણી તે પક્ષમાં આંતરિક વિખવાદને વિષય બની ચૂકી છે, જેથી દુશ્મન ગાફેલ બની જાય છે અને ભાજપ તેની સોગઠાબાજીમાં લાગી જાય છે. વર્તમાન મંત્રીમંડળ તે આ પક્ષની રાજકીય સોગઠાબાજીનો એક ભાગ જ છે. તેના આધારે 2027ની અને પછી 2029ની ચૂંટણી તરી જવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
ભુપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા પ્રધાનોમાં બનાસકાંઠાના વાવથરાદના સ્વરૂપજી ઠાકોરને ખાદી-ગ્રામોદ્યોગનું ખાતુ સોંપવામાં આવ્યું છે. તેમને રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા છે. સ્વરૂપજી ઠાકોરે કાર્યભાર સંભાળ્યા પછી ભાભરમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં સૌથી મોટી વાત એ હતી કે તેમના આ સ્વાગત સમારંભમાં તેમના કટ્ટર હરીફ કોંગ્રેસના ગેનીબેન ઠાકોર પોતે પણ હાજર હતા. આ કાર્યક્રમનું આયોજન સ્વરૂપજી ઠાકોરના સમર્થકો દ્વારા કરવામાં આવ્યું હતું. ગેનીબેને પણ સ્વરૂપજી ઠાકોરને ઉષ્માસભર ધોરણે આવકારતા બે હરીફ રાજકીય આગેવાનો વચ્ચેની આ પ્રકારની વ્યવહારની આત્મીયતા તેમના સમર્થકોને પ્રભાવિત કરી ગઈ હતી. તેમના સમર્થકોને પણ તેઓની આ આત્મીયતાની સૂઝ પાડી હતી કે આ લડાઈ તે એક વિચારધારાની લડાઈ છે અને તે વિચારોથી જ લડાવવી જોઈએ. આ કંઈ શસ્ત્રોની લડાઈ નથી. આ પ્રકારના જુદાં-જુદાં વિચાર લોકશાહીનો આત્મા છે અને આગળ વધતો આવો દરેક વિચાર લોકશાહીને તપાવીને વધુને વધુ પરિપક્વ બનાવે છે.
સૂત્રોનો દાવો છે કે ગેનીબહેને સ્વરૂપજીના કાનમાં જણાવ્યું હતું કે મેં વિધાનસભ્ય તરીકે સીટ ખાલી કરતાં તમારો નંબર લાગ્યો હતો. જો હું આ બેઠક પર હોત તો તમે ચૂંટાયા પણ ન હોત અને મંત્રી બનવાની વાત તો જવા દો પરંતુ ધારાસભ્ય પણ બન્યા ન હોત.
ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોરે સાંસદ તરીકેની ચૂંટણીમાં ઝંપલાવતા તેમની વાવની બેઠક ખાલી પડી હતી. ભાજપે તેના પછી ગેની બેને છોડેલી વાવની બેઠક સ્વરૂપજી ઠાકોરને ઉતારીને કબ્જે કરી હતી. તેથી સ્વાભાવિક રીતે સ્વરૂપજી ઠાકોર માટે ગેનીબેને છોડેલું સ્થાન તેમના માટે જાણે મોટી ભેટ બનીને આવ્યું હતું. તેના પછી હવે ગુજરાતના મંત્રીમંડળમાં સ્થાન મળતાં તેમનું કદ ઘણું મોટું થઈ ગયું છે. ઉત્તર ગુજરાતમાં સ્વરૂપજી ઠાકોર જાણે હવે પક્ષનો મોટો ચહેરો બનીને ઉભરી આવ્યાં છે.
તેમા પણ બનાસકાંઠામાંથી વાવ-થરાદ નવો જિલ્લો બન્યો છે. આ નવા જિલ્લાના જ જનપ્રતિનિધિને મંત્રીમંડળમાં સ્થાન મળતાં વાવ-થરાદનું મહત્ત્વ પણ વધ્યું છે. આ બતાવે છે કે વાવથરાદને હાઈકમાન્ડ જરા પણ હળવાશથી લેતું નથી. ગુજરાતની દરેક વિધાનસભા બેઠક અને લોકસભા બેઠક પક્ષ માટે મહત્વની છે, તેમા પક્ષ કોઈપણ પ્રકારની નબળાઈ ચલાવી લેવા માંગતો નથી, તેથી જ મંત્રીમંડળમાં મોટાપાયા પર ફેરબદલ કરવામાં આવી છે.
ગેનીબેને આશા વ્યક્ત કરી હતી કે હવે સ્વરૂપજી ઠાકોર પ્રધાનમંડળમાં સ્થાન પામતા વાવથરાદને નડતાં પ્રશ્નોનો ઉકેલ લાવવાની પ્રક્રિયા વધુ ઝડપી બનવાની આશા રાખી શકાય છે. બનાસકાંઠાની અને વાવથરાદ જિલ્લાની પ્રજાએ હવે છેક ગાંધીનગર સુધી લાંબા નહીં થવુ પડે. વાવથરાદની પ્રજા હવે સ્વરૂપજી ઠાકોર સુધી પહોંચાડે એટલે બસ વાત પૂરી થઈ સમજવી. આમ પ્રજાની આકાંક્ષા પાર પાડવા માટે સ્વરૂપજી ઠાકોરે હવે મંત્રીમંડળમાં સ્થાન તો મળ્યું છે, પરંતુ કામગીરી પણ અસરકારક કરવી પડશે. લોકોના સવાલોને વાચા આપવી પડશે, વાવથરાદને નડતા પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવામાં આવે તે દિશામાં કામ કરવું પડશે. વાવથરાદને નવો જિલ્લો મળ્યો તો જાણે નવો મંત્રી પણ મળ્યો છે.
આ પણ વાંચો: Banaskantha News/બનાસ ડેરીમાં શંકર ચૌધરીનું વર્ચસ્વ યથાવત, દાંતા બેઠક પર ભવ્ય જીત સહિત 15 બેઠકો બિનહરીફ
આ પણ વાંચો: Banaskantha News/અમારો શિક્ષક પાછો આપો, બનાસકાંઠાની બે શાળાને તાળાબંધી
આ પણ વાંચો: Banaskantha News/બનાસકાંઠામાં સામાજિક બાબતને લઈ 40થી 50ના ટોળાએ કર્યો હીંચકારો હુમલો
