Ahmedabad News : મહિલાઓને સોશિયલ મીડિયા પર હેરાન કરવા, ફેક પ્રોફાઇલ બનાવી બદનામ કરવા, અશ્લીલ વીડિયો અને ફોટાનો દુરુપયોગ કરવા તથા બ્લેકમેઇલિંગ જેવી સાયબર પ્રવૃત્તિઓ ઉપરાંત નવરાત્રિ (Navratri) દરમિયાન ગરબા રમતી મહિલાઓના વીડિયોનો દુરુપયોગ કરવાનો મામલો પણ સામે આવ્યો છે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ (Cyber Crime)બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘Mission Cyber Rakshika – #SecureHerSpace’ અભિયાન હેઠળ એક મહિલા સહિત 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ સગીરો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
મહિલાઓને ડિજિટલ પ્લેટફોર્મ પર સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા અને ઓનલાઇન શોષણ સામે રક્ષણ (Women Safety)આપવાના હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાઓની ફરિયાદોના આધારે એક મહિનામાં અંદાજે 9 FIR નોંધવામાં આવી છે. સોશિયલ મીડિયા પર મહિલાઓને નિશાન બનાવીને હેરાન કરતા તત્ત્વો સામે ટેકનિકલ તપાસના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Mission Cyber Rakshika: મહિલાઓની ઓનલાઇન સુરક્ષા માટે ખાસ અભિયાન
અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલની સૂચના તથા માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. નાયબ પોલીસ કમિશનર ડૉ. રવિના સિન્હા અને મદદનીશ પોલીસ કમિશનર હાર્દિક માકડિયાના માર્ગદર્શન હેઠળ મહિલાઓને સાયબર ગુનાઓથી સુરક્ષિત રાખવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ અભિયાન અંતર્ગત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક પ્રોફાઇલ બનાવી મહિલાઓને અશ્લીલ મેસેજ મોકલવા, વાંધાજનક વીડિયો અને ઓડિયો દ્વારા હેરાન કરવા, સાયબર સ્ટોકિંગ, સાયબર બુલિંગ, ઓળખની ચોરી અને અંગત તસવીરોનો દુરુપયોગ કરવા જેવી ઘટનાઓ સામે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
ભોગ બનેલી મહિલાઓનો સંપર્ક થયા બાદ મહિલા અધિકારીઓ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવે છે. ત્યારબાદ ફરિયાદીની ઓળખ ગુપ્ત રાખીને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
મહિલાઓને બદનામ કરવાનો પ્રયાસ
પોલીસ સમક્ષ આવેલી ફરિયાદોમાં નવરાત્રિ (Navratri)દરમિયાન ગરબા રમતી મહિલાઓના વીડિયોનો દુરુપયોગ કરવાનો મામલો પણ સામે આવ્યો છે. કેટલાક આરોપીઓએ મહિલાઓના ગરબાના વીડિયો મેળવી તેમાં છેડછાડ કરી, અશોભનીય લખાણ ઉમેર્યું અને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરીને તેમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ પ્રકારના કેટલાક કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરોની સંડોવણી સામે આવી છે. સોશિયલ મીડિયા પર લાઇક અને ફોલોઅર્સ વધારવા માટે મહિલાઓના ફોટા તથા વીડિયોનો ઉપયોગ કરીને વાંધાજનક સામગ્રી પોસ્ટ કરવામાં આવી હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે.
આ ઉપરાંત, મહિલાઓના ફોટાનો ઉપયોગ કરીને ફેક ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ બનાવવાં, અશ્લીલ લખાણ લખવું, અન્ય લોકોના નામે મેસેજ મોકલવા અને પરિવારજનો કે ઓળખીતાઓ સુધી વાંધાજનક સામગ્રી પહોંચાડીને સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના કિસ્સાઓ પણ નોંધાયા છે.
ફેક પ્રોફાઇલ, અશ્લીલ ફોટા અને બ્લેકમેઇલિંગના અલગ-અલગ કેસ
સાયબર ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં અંગત સંબંધોમાં અણબનાવ, લગ્ન માટે ઇનકાર, મિત્રતા સ્વીકારવામાં ન આવવી અને વ્યક્તિગત અદાવત જેવા કારણોસર ફેક પ્રોફાઇલ બનાવી મહિલાઓને હેરાન કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

કેટલાક કેસમાં મહિલાઓના ફોટા સાથે છેડછાડ કરીને તેમના પતિ, મંગેતર, બહેન અથવા પરિવારના અન્ય સભ્યોને વાંધાજનક વીડિયો અને તસવીરો મોકલવામાં આવી હતી. એક કિસ્સામાં મહિલાની તસવીરનો દુરુપયોગ કરીને ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું અને વાંધાજનક લખાણ દ્વારા તેને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
બીજા એક ગંભીર કેસમાં ઇન્સ્ટાગ્રામ મારફતે ઓળખાણ કેળવી એક મહિલાને અંગત સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ઇનકાર કરતાં પરિવારની વિગતો જાહેર કરવાની ધમકી આપી બ્લેકમેઇલિંગ કરવામાં આવ્યું હતું. ફરિયાદ મુજબ, આરોપીએ ધાર્મિક વિધિ કરાવવાના બહાને પૈસા પડાવ્યા હતા. આ કેસમાં કુલ રૂ.1,21,111ની છેતરપિંડી થયાની વિગતો સામે આવી છે. તેમાં રૂ.21,111 ગૂગલ પે મારફતે ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા, જ્યારે બાકીના રૂ.1 લાખ એટીએમમાંથી ઉપાડાવવામાં આવ્યા હતા.
ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં તપાસ, વાંધાજનક એકાઉન્ટ દૂર કરવાની કાર્યવાહી
ફરિયાદોના આધારે સાયબર ક્રાઇમ (Cyber Crime)બ્રાન્ચે સોશિયલ મીડિયા એકાઉન્ટ અને ફેક પ્રોફાઇલની ટેકનિકલ તપાસ હાથ ધરી હતી. અલગ-અલગ પોલીસ ટીમો દ્વારા અમદાવાદ શહેર, ગુજરાતના અન્ય જિલ્લાઓ અને મહારાષ્ટ્રમાં તપાસ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન એક મહિલા સહિત 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ સગીરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વાંધાજનક પોસ્ટ અને એકાઉન્ટ દૂર કરાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર કોઈ વ્યક્તિ ફેક પ્રોફાઇલ બનાવી હેરાન કરે, અંગત તસવીરોનો દુરુપયોગ કરે અથવા બ્લેકમેઇલિંગ કરે તો ડર્યા વગર પોલીસનો સંપર્ક કરવો. આવી ફરિયાદોમાં ફરિયાદીની ઓળખ ગુપ્ત રાખીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
