Ahmedabad News/ મહિલાના નામે ફેક Instagram ID બનાવનાર દિલ્હીથી ઝડપાયો

આરોપીએ મહિલાના નામે ફેક Instagram ID બનાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું

Gujarat Ahmedabad
આરોપીએ મહિલાના નામે ફેક Instagram ID બનાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

Ahmedabad News : અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાંચે “Mission Cyber Rakshika: #SecureHerSpace” અંતર્ગત મહિલાઓની ઓનલાઈન સુરક્ષા માટે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. મહિલાની પ્રાઈવસી ભંગ કરી તેના અને તેની માતાના AI મોર્ફ કરેલા અશ્લીલ ફોટા તથા વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરનાર આરોપીને દિલ્હીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ મહિલાના નામે ફેક Instagram ID બનાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર G.S. Malik, સંયુક્ત પોલીસ કમિશ્નર (ક્રાઈમ બ્રાંચ) Sharad Singhal, નાયબ પોલીસ કમિશ્નર Lavina Sinha અને મદદનીશ પોલીસ કમિશ્નર Hardik Mankadiyaના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

“Mission Cyber Rakshika: #SecureHerSpace” શું છે?

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા મહિલાઓને સાયબર ગુના (Cyber Crime)ઓથી સુરક્ષિત રાખવા માટે “Mission Cyber Rakshika: #SecureHerSpace” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો હેતુ મહિલાઓ સામે થતા ઓનલાઈન હેરાનગતિ, બ્લેકમેઇલિંગ, ડીપફેક પ્રોફાઈલ, AI મોર્ફ ફોટા-વીડિયો અને ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે જાગૃતિ ફેલાવવાનો છે.

સાયબર ક્રાઈમ બ્રાંચ મહિલાઓ માટે સુરક્ષિત અને વિશ્વસનીય ઓનલાઈન વાતાવરણ ઉભું કરવા માટે સતત કામગીરી કરી રહી છે.

શું હતો સમગ્ર મામલો?

ફરિયાદી મહિલાએ અમદાવાદ સાયબર ક્રાઈમ (cyber Crime)નો સંપર્ક કરી જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમના નામે ત્રણ ફેક Instagram ID બનાવી હતી. સાથે જ YouTube પર પણ મહિલાના નામે ફેક ચેનલ બનાવી હતી.

આ ફેક એકાઉન્ટ્સના પ્રોફાઈલમાં મહિલાનો ફોટો મૂકીને તેમના તથા તેમની માતાના AI દ્વારા મોર્ફ કરાયેલા ન્યૂડ ફોટા અને વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા. ઉપરાંત અશ્લીલ લખાણો પોસ્ટ કરીને મહિલાને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહી હતી.

આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ (Ahmedabad Cyber Crime)પોલીસ સ્ટેશનમાં BNS કલમ 78(2), 356(2) તેમજ IT Act કલમ 66(C) અને 67 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ટેકનિકલ એનાલિસિસથી આરોપી સુધી પહોંચી પોલીસ

પોલીસ ઇન્સ્પેક્ટર M.H. Bhetariya અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની ઓળખ કરી હતી. ત્યારબાદ ટીમ દિલ્હી પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો.

પકડાયેલ આરોપીની ઓળખ સુમિત શર્મા (ઉ.વ. 27) તરીકે થઈ છે, જે દિલ્હીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

ગુનાની મોડસ ઓપરેન્ડી

ફરિયાદીશ્રી ઈસ્કોન હરેકૃષ્ણ સંપ્રદાય સાથે જોડાયેલા હોય, આરોપી સુવમિત નેમચાંદ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ મારફતે તેમનો સંપર્ક કર્યો હતો. આરોપીએ શરૂઆતમાં ધાર્મિક વાતચીત કરી ફરિયાદી સાથે મિત્રતા વધારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફરિયાદીએ તેનો ઇનકાર કર્યો હતો.

ત્યારબાદ આરોપીએ ફરિયાદીનો ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા મારફતે પીછો શરૂ કર્યો હતો. આરોપીએ ઈન્સ્ટાગ્રામ પર ફરિયાદીના નામથી અલગ-અલગ ત્રણ ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી, જેમાં ફરિયાદીના ફોટોગ્રાફ પ્રોફાઇલ પિક્ચર તરીકે મૂક્યા હતા. સાથે જ યુટ્યુબ પર પણ ફરિયાદીના નામથી ફેક ચેનલ બનાવી તેમાં ફરિયાદીનો ફોટો પ્રોફાઇલ તરીકે અપલોડ કર્યો હતો.

આરોપીએ ફરિયાદીના અસલી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ફરિયાદીશ્રી તથા તેમની માતાના ફોટા ડાઉનલોડ કર્યા બાદ વિવિધ વેબસાઈટ પર “AI Remove Clothes” જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી ફોટાઓને AI દ્વારા મોર્ફ કરીને ન્યૂડ ફોટા અને વીડિયો તૈયાર કર્યા હતા. બાદમાં આ મોર્ફ કરાયેલ અશ્લીલ ફોટા અને વીડિયો આરોપીએ બનાવેલ ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કર્યા હતા. ઉપરાંત, આ એકાઉન્ટ્સ પર અભદ્ર અને બિભત્સ લખાણ પોસ્ટ કરી ફરિયાદીને માનસિક રીતે હેરાન-પરેશાન કરી સમાજમાં તેમની બદનામી થાય તેવો પ્રયાસ કર્યો હતો.

તપાસ દરમ્યાન સામે આવ્યું છે કે આરોપી સુવમિત નેમચાંદ શર્મા દિલ્હીનો રહેવાસી છે અને ધાર્મિક ઉપદેશોના વીડિયો બનાવી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરતો હતો.

આરોપીના મોબાઈલ ફોનની તપાસ દરમિયાન ટ્વિટર (X), ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ સહિતના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરિયાદીના નામે 8 થી10જેટલા ફેક એકાઉન્ટ બનાવેલા હોવાનું બહાર આવ્યું છે.

ઉપરાંત, તપાસમાં ખુલ્યું છે કે આરોપીએ જુદી-જુદી વેબસાઈટ્સ અને AI ટેક્નોલોજીનો ઉપયોગ કરી ફરિયાદીના 100થી વધુ મોર્ફ કરાયેલા ફોટા તૈયાર કર્યા હતા.

સાયબર ક્રાઈમ સામે સાવધાન રહેવાની જરૂર

અમદાવાદ સાયબર ક્રાઈમ (Ahmedabad Cyber Crime)બ્રાંચે લોકોને ખાસ અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર પોતાની વ્યક્તિગત માહિતી, ફોટા અને વીડિયો શેર કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ. કોઈ અજાણ્યા એકાઉન્ટ અથવા શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તરત જ સાયબર ક્રાઈમ (Cyber Crime) હેલ્પલાઈન અથવા પોલીસનો સંપર્ક કરવો.


આ પણ વાંચો : સિમ વગર ચાલતા WhatsApp-Telegram પર લાગશે રોક! સાયબર ક્રાઈમ રોકવા સરકારનો કડક નિયમ

આ પણ વાંચો : સુરત સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, જામતારા ગેંગ સાથે જોડાયેલા 3 આરોપી ઝડપાયા

આ પણ વાંચો : આણંદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, સાયબર ફ્રોડ ગેંગના 2 આરોપી ઝડપાયા