તાઉ-તે વાવાઝોડુ ગુજરાત રાજ્યને ઘમરોળી રહ્યું છે. તાઉ -તે વાવાઝોડું તા.૧૭-૦૫-૨૦૨૧ ના રોજ ૨૦-૩૦ કલાકે ઉના અને દીવ વચ્ચે ટકરાયેલ છે . જેની ગતિ ૧૫૦ થી ૧૭૫ પ્રતિ કલાકની હતી. હવે સૌરાષ્ટ્રના વિસ્તારોને ઘમરોળીને હવે અમદાવાદ તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે હજુ પણ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વાવાઝોડાનો કહેર જોવા મળી રહ્યોછે.

અમરેલી જિલ્લાની સૌથી મોટી શેત્રુજી નદી વાવાઝોડાને કારણે ગાંડીતુર બની છે. શેત્રુજી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અને નદીના પાણી આસપાસના વિસ્તારો ફરી વળ્યા છે. અમરેલીની સૌથી મોટી અમર ડેરીમાં પણ શેત્રુજી નદીના પાણી ઘુસી ગયા છે. અમર ડેરીનો પ્લાન્ટ બંધ કરાયો છે. અમુક કર્મચારીઓ પણ ડેરીમાં ફસાયાની વિગતો જાણવા મળી છે.
શેત્રુજી નદીમાંથી ભારે પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. વર્ષો બાદ શેત્રુજી નદીમાં આટલા મોટા પ્રમાણમાં પાણી આવ્યુ છે. લોકોના જીવ તાળવે ચોટયા છે. તંત્ર દ્વારા હાલ બચાવ અને રાહત કામગીર ચાલુ છે. સાવચેતીના ભાગ રૂપે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.

બાળકીનું મોત
અમરેલીના રાજુલામાં તાઉ-તે વાવાઝોડથી તારાજી સર્જાઈ છે. રાજુલાના તવક્કલ નગર વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના ચાર લોકો દટાયા હતાં. જે પૈકી એક બાળકીનું મોત થયું છે. જ્યારે ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બાળકીના મોતથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
૬૦૩ ગામોમાં પાવર ઓફ
અમરેલી જિલ્લામાં કુલ ૭૩ જેટલા ૬૬ કેવી સબ સ્ટેશનો પૈકી ૪૩ જેટલા ખોરવાયા છે. સમગ્ર જિલ્લાના ૧૦૦% એટલે કે ૬૦૩ ગામોમાં પાવર ઓફ છે. વરસાદી તોફાન વચ્ચે પણ સમારકામ પુરજોશમાં ચાલુ છે. ૪૧ જેટલા અર્બન ફીડર હાલ બંધ હાલતમાં છે. અમરેલી, સાવરકુંડલા અને રાજુલામાં મોટાપાયે નુકસાન થયું છે. જિલ્લાના ૧૩૮ જેટલા જ્યોતિગ્રામ ફીડરોને પણ અસર થઇ છે. રીપેરીંગ કામ ચાલુ છે.
જિલ્લાના જ્યોતિગ્રામ હેઠળના ૨૬૧૦ જેટલા વીજપોલ ડેમેજ થયા છે. ૩૯ વિભાગની તેમજ ૫૪ જેટલી કોન્ટ્રાક્ટરોની ટીમ દ્વારા કાર્યવાહી ચાલુ છે. યુજીવીસીએલની ૧૫ જેટલી વધારાની ટીમ બોલવાઈ જે ખાસ જાફરાબાદ અને ઉના પંથકના ગામોમાં કામ કરશે.
અમરેલી જીલ્લાની ૧૮ કોવીડ હોસ્પિટલને પણ અસર થઇ છે. હોસ્પિટલોને ટોપ પ્રાયોરિટી અપાશે. આવતીકાલ સુધીમાં અન્ય ૬૭ જેટલી ટીમો અમરેલી આવી પહોંચશે.
