ગુજરાતની અઢીસો જેટલી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અને 2,500 જેટલા શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણે અંગે ચાલતી લડતનો લાંબા સમય છેવટે સુખદ ઉકેલ આવ્યો છે. સરકાર છેવટે આ અઢીસો સ્કૂલોના 2,500થી વધુ શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ ચૂકવવા સંમત થઈ છે. પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ ગુજરાત મુજબ છેલ્લા કેટલાય સમયથુ ગુજરાતના વિવિધ જિલ્લાની ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાને 2,500થી પણ વધુ શિક્ષકો ઉચ્ચતમ પગારધોરણથી વંચિત હતા. આ અંગે પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા વારંવાર રજૂઆત પણ કરવામાં આવી હતી.

આ અંગે ગુજરાતના શિક્ષણ સચિવ, ગુજરાતના શિક્ષણ પ્રધાન અને ગુજરાતના મુખ્યપ્રધાનને પણ રજૂઆત કરવામાં આવી હતી. તેઓને અન્ય ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોની સમકક્ષ પગાર કરવા માટે વારંવાર રજૂઆત કરાઈ હતી. આ માટે પ્રાથમિક શિક્ષણ મહાસંઘ દ્વારા વારંવાર સરકાર સાથે તથા શિક્ષણ મંત્રાલય સાથે બેઠક યોજવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ નીવેડો આવ્યો ન હતો.

છેવટે સીએમ ભુપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકારે આ અંગે મહત્વનો નિર્ણય લઈ ઠરાવ પસાર કરતા હવેથી આ જિલ્લાઓની 250થી પણ વધુ પ્રાથમિક શાળાઓના 2,500થી વધારે શિક્ષકોને ઉચ્ચતમ પગાર ધોરણ મળશે. આ પગારધોરણ પહેલી જુનથી જ એટલે કે આજથી જ અમલી બનશે. પ્રાથમિક શિક્ષણ સંઘની લાંબા સમયથી પડતર માંગ આ સાથે ઉકેલાતા તેમા આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. તેના પગલે 2,500થી પણ વધુ પ્રાથમિક શાળાના શિક્ષકોની ઊંચા પગારની માંગ સ્વીકારાતા ત્યાં પણ આનંદ વ્યાપી ગયો હતો. આમ પ્રાથમિક શાળાના શિક્ષકોની લાંબા સમયની પડતર માંગનો નિકાલ થયો હતો.

