Ahmedabad News : જૂની પેન્શન યોજના શરૂ સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ અને શિક્ષકો ઘણા વખતથી આંદોલનચલાવી રહ્યા છે. જેમાં આજે ગાંધી જયંતી નિમિત્તે શિક્ષકોએ અમદાવાદ કલેક્ટર કચેરીથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી સુધીની પદયાત્રા યોજી હતી. જેમાં હાથમાં બેનર સાથે મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. આ ઉપરાંત નિવૃત્ત થયેલા શિક્ષકો જેમને જૂની પેન્શન યોજનાનો લાભ મળતો નથી તે શિક્ષકો પણ જોડાયા હતા.જૂની પેન્શન યોજના મામલે રાજ્યના અલગ અલગ જગ્યાએથી આવેલા શિક્ષકો આજે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા.
જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે શિક્ષકોએ સૂત્રોચાર કર્યા હતા ત્યારબાદ શિક્ષકોએ હાથમાં બેનર સાથે કલેક્ટર કચેરીથી ગાંધીનગર સુધીની ચાલતા જઈને પદયાત્રા યોજી હતી. આ રેલીમાં રાજ્યભરમાંથી આવેલા શિક્ષકો જોડાયા હતા. રેલીમાં નિવૃત્ત અને દિવ્યાંગ શિક્ષકો પણ જોડાયા હતા. અગાઉ જે પગારના 50 ટકા રકમ પેન્શન મળતી હતી તે જ રકમ ફરીથી શરૂ કરવા માગ કરવામાં આવી છે.રાહુલ લવાણી નામના શિક્ષકે જણાવ્યું હતું કે, વર્ષ 2005 અગાઉ થયેલી ભરતીના કર્મચારીના જૂની પેન્શન યોજનાનો ઠરાવ કરવાની માગ કરવામાં આવી છે. સરકારના પાંચ મંત્રીઓની સમિતિ વર્ષ 2022ની ચૂંટણી અગાઉ વચન આપ્યું હતું.
વિધાનસભાની ચૂંટણી હોવાથી સરકારે સમાધાન કરી લેખિતમાં બાંયધરી આપી હતી. પરંતુ 2 વર્ષ વીત્યાં છતાં ઠરાવ થયો નથી. જેથી અમે ફરીથી આંદોલન શરૂ કર્યું છે. અમારી માગણી નહિ સંતોષાય તો આંદોલન ચાલુ જ રહેશે. નિવૃત્ત શિક્ષક કોકિલાબેને જણાવ્યું હતું કે, હું વર્ષ 2001માં નોકરીમાં જોડાઈ હતી અને 2022માં નિવૃત્ત થઈ હતી. નિવૃત્તિ બાદ મને 2900 રૂપિયા જ પેન્શન મળી રહ્યું છે. ઘડપણમાં 2900 રૂપિયામાં જીવન કઈ રીતે ચલાવવું તે પ્રશ્ન છે. જેથી પેન્શનની માગ સાથે હું આંદોલનમાં જોડાઈ છું.
આ પણ વાંચો: કાંકરેજમાં કારે પલ્ટી ખાતા અકસ્માતમાં એકનું મોત, 3 ઈજાગ્રસ્ત
આ પણ વાંચો: દ્વારકામાં મોટો અકસ્માત, બે બસ અને બાઇક વચ્ચે ટક્કર, 8 લોકોના મોત
આ પણ વાંચો: સુરતથી રાજકોટ જતી LCBની ટીમને નડયો અકસ્માત, 1 પોલીસકર્મીનું મોત
