America News/ ટ્રમ્પનો મોટો નિર્ણય! લેક ઓન્ટારિયોનું નામ બદલી ‘લેક અમેરિકા’ કરવાનો આદેશ

Lake America: અમેરિકા-કેનેડા વચ્ચે વેપાર વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ ટ્રમ્પનો નિર્ણય, નામ બદલવા માટે ગૃહ વિભાગને આદેશ

Top Stories World
Lake America

Lake America News: અમેરિકા અને કેનેડા વચ્ચે વેપાર મુદ્દે તણાવ વધ્યો છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ ભૂગોળીય નામમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પે લેક ઓન્ટારિયાનું નામ બદલીને ‘લેક અમેરિકા’ કરવાનો આદેશ આપ્યો છે.

ટ્રમ્પે ગુરુવારે આ અંગે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે જણાવ્યું કે નામ બદલવાનો નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવશે. વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા મુજબ, આ ફેરફાર માટે ગૃહ વિભાગ અને તેના સચિવ ડગ બર્ગમને જરૂરી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

લેક ઓન્ટારિયો ઉત્તર અમેરિકાના પાંચ મહાન તળાવોમાંનું એક છે. આ તળાવ કેનેડાના ઓન્ટારિયો પ્રાંત અને અમેરિકાના ન્યૂયોર્ક રાજ્ય વચ્ચે આવેલું છે. બંને દેશોની સરહદ પણ આ તળાવના પાણીમાંથી પસાર થાય છે. જોકે, ટ્રમ્પના નિર્ણય અંગે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીના કાર્યાલય તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

વેપાર વાટાઘાટો નિષ્ફળ થયા બાદ નિર્ણય

અમેરિકા અને કેનેડા વચ્ચે ગયા અઠવાડિયે વેપારને લઈને ત્રણ દિવસ સુધી સઘન વાટાઘાટો ચાલી હતી. જોકે, આ ચર્ચાઓ કોઈ સમજૂતી વિના સમાપ્ત થઈ હતી. બંને દેશોએ વાટાઘાટો નિષ્ફળ જવા માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા હતા.

આ ઘટનાક્રમ વચ્ચે ટ્રમ્પ દ્વારા લેક ઓન્ટારિયોના નામમાં ફેરફાર કરવાનો નિર્ણય અમેરિકા-કેનેડા સંબંધોમાં ચાલી રહેલા તણાવને વધુ ચર્ચામાં લાવી રહ્યો છે.

પુતિન અંગે ટ્રમ્પનો વિશ્વાસ

આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને નાટો અંગે પણ મહત્વનું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે ગુરુવારે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કોઈપણ નાટો સભ્ય દેશ પર હુમલો નહીં કરે.

ટ્રમ્પે એવા મીડિયા અહેવાલોને પણ ફગાવી દીધા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે CIA ડિરેક્ટર જોન રેટક્લિફે આ અઠવાડિયે રશિયન અધિકારીઓને નાટો દેશ પર હુમલો ન કરવાની ચેતવણી આપી હતી.

ટ્રમ્પના જણાવ્યા અનુસાર, રેટક્લિફને કોઈ ખાસ સંદેશ આપવા માટે રશિયા મોકલવામાં આવ્યા નહોતા. તેમણે કહ્યું કે CIA ડિરેક્ટર દર છ મહિના કે વર્ષમાં એક વખત તેમના રશિયન સમકક્ષને મળે છે અને બંને વચ્ચેના સંબંધો સારા છે. ટ્રમ્પે આ મુલાકાતને સામાન્ય પ્રક્રિયા ગણાવી હતી.


આ પણ વાંચો: ભારત-ચીન સંબંધો સુધરવાની આશા; બ્રિક્સ સંમેલન માટે શી જિનપિંગ આવી શકે છે ભારત

આ પણ વાંચો: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના એડમિશનમાં 15% ઘટાડો, કડક ઇમિગ્રેશન નિયમોની અસર

આ પણ વાંચો: ઈરાન પર અમેરિકાનો વધુ એક મોટો ઘા, ભારતની 4 કંપનીઓ પણ પ્રતિબંધની ઝપેટમાં