Surat News : સુરતમાં આપઘાતના ત્રણ બનાવ સામે આવ્યા છે, જેમાં સુરતના ઉધના વિસ્તારમાં આવેલી શુભમ રેસિડેન્સીના નવમા માળેથી 12 વર્ષીય વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી હતી. આ વિદ્યાર્થી આપઘાત કરવા લિફ્ટમાં રેસિડેન્સીના નવમા માળે જતો હોવાનું સીસીટીવીમાં કેદ થયું હતું. હાલ તો વિદ્યાર્થીની પરીક્ષા ચાલતી હોવાથી વાંચવા બાબતે માતા-પિતાએ ઠપકો આપતાં માઠું લાગી આવતાં આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. એકના એક દીકરાએ આપઘાત કરી લેતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
મળતી માહિતી મુજબ, ઉધના વિસ્તારમાં આવેલા પ્રભુનગર સોસાયટીમાં 12 વર્ષીય અવનીશ સુશીલભાઈ તિવારી પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા-પિતા અને અવનીશ પરિવારનો એક દીકરો હતો. અવનીશ ઘરની નજીકમાં જ આવેલી એક સ્કૂલમાં ધો.7મા અભ્યાસ કરતો હતો, જોકે હાલ પરીક્ષા ચાલતી હોવાથી આજે બીજું પેપર હતું. અવનીશને વાંચવા બાબતે પરિવાર કહેતો હતો, પરંતુ તેને વાંચવાનું પસંદ ન હતું.
રેસિડેન્સીની લિફ્ટના CCTVમાં વિદ્યાર્થી કેદ થયો
પરીક્ષા ચાલતી હોવાથી છેલ્લા થોડા દિવસથી માતા-પિતા અવનીશને વાંચવા બાબતે ટકોર કરતાં હતાં. આ દરમિયાન આજે સવારે અવનીશ ઘરેથી નીકળી ગયો હતો અને ઘરથી 500 મીટર દૂર આવેલી શુભમ રેસિડેન્સીમાં પહોંચી ગયો હતો, જ્યાં લિફ્ટમાં રેસિડેન્સીના ટેરેસ પર જતો CCTVમાં કેદ થયો હતો. નવમા માળે પહોંચ્યા બાદ અવનીશે ઉપરથી મોતની છલાંગ લગાવી દીધી હતી.
વિદ્યાર્થીના આપઘાતના પગલે આસપાસમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા, જોકે 12 વર્ષીય વિદ્યાર્થીને શુભમ રેસિડેન્સીમાં કોઇ ઓળખતું ન હોવાથી અજાણ્યા તરીકે તેનો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરિવારને આ બાબતે જાણ થતાં હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરિવારમાં એકના એક દીકરાના મોતને પગલે શોકનો માહોલ છવાયો છે.
ઉધના પોલીસના જણાવ્યા પ્રમાણે અવનીશને માતા-પિતા દ્વારા વાંચવા બાબતે ઠપકો આપવામાં આવતો હતો. પરીક્ષા ચાલી રહી હોવાથી વાંચવાનું કહેવામાં આવતું હતું, જેથી માઠું લાગી આવતાં અવનીશે આપઘાતનું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ અગાઉ પણ વાંચવા બાબતે ઠપકો આપવામાં આવતાં અવનીશ ઘરેથી નીકળી જતો હતો અને ચાર-પાંચ કલાક બાદ પરત આવી જતો હતો, જોકે આ વખતે અવનીશ ઘરેથી નીકળ્યા બાદ મોતને ભેટેલી હાલતમાં પરત ફર્યો હતો.
રાંદેર વિસ્તારમાં હનુમાન ટેકરી નજીક ભંડારીવાસ ખાતે 67 વર્ષીય ભાનુબેન ભાવતી સેલર પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં એક પુત્ર અને ચાર પુત્રી છે. ભાનુબેન અને તેમના પતિ બંને હાલ નિવૃત્ત જીવન જીવી રહ્યાં છે. સ્વિમિંગ ટ્રેનર તરીકે કામ કરી પુત્ર પરિવારનું ગુજરાન ચલાવે છે. ચાર વર્ષ પહેલાં ભાનુબેનને પેરાલિસિસ થઈ ગયો હતો, જેના પગલે અડધું અંગ ખોટું થઈ ગયું હતું. દરમિયાન ગઈકાલે સવારે ઘરે જ જાતે કેરોસિન છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું. પરિવાર દ્વારા 108માં ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજે સવારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
મૂળ યુપીના પ્રયાગરાજ અને સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી વૃંદાવન હાઈટ્સમાં 28 વર્ષીય આકૃતિ અજયકુમાર જયસ્વાલ પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં માતા-પિતા અને એક ભાઈ છે. પિતા છૂટક મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. એકની એક દીકરી આકૃતિ ગુસ્સાવાળા સ્વભાવની હોવાથી માતા સહિતના પરિવાર સાથે અવારનવાર ઝઘડાઓ થતા હતા. દરમિયાન ગત ત્રણ ઓક્ટોબરના રોજ આવવા બાબતે માતા સાથે ઝઘડો થયો હતો.
આકૃતિ એવું કહેતી હતી કે ઘરે મહેમાન ન આવવા જોઇએ. એને લઈને માતા સાથે ઝઘડો થતાં માઠું લાગી આવ્યું અને ત્યાર બાદ તેણે ઘરે જ એસિડ પી લીધું હતું, જેથી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાર બાદ સ્મિમેર હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. દરમિયાન તેનું આજે સવારે મોત નીપજ્યું હતું. એકની એક દીકરીના આપઘાતના પગલાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આકૃતિએ આ પહેલાં પણ આપઘાતના બેવાર પ્રયાસ કર્યા છે.
આ પણ વાંચો: Gujarat News/ડિંગુચા કેસમાં હર્ષ પટેલ ઉર્ફે ડર્ટી હેરીને 20 વર્ષની સજાની ભલામણ
આ પણ વાંચો: American dream/અમેરિકન કોર્ટે ડિંગુચાના કુટુંબના મોતમાં ડર્ટી હેરી અને સ્ટીવન શેન્ડને દોષિત ઠેરવ્યા
આ પણ વાંચો:ઇસબગુલ ખરીદી બંધ, GST સ્પષ્ટતા વગર વેપારીઓનો મોટો નિર્ણય, ખેડૂતોમાં ચિંતા વધારી…
