ભરૂચ જિલ્લાના ઉધોગો, પ્રજા, માછીમારો, ખેડૂતો, જળ અને જમીન માટે PM નરેન્દ્ર મોદીની અતિ મહ્ત્વકાંક્ષી ભાડભુત બેરેજ યોજના હવે સાકાર થવા તરફ આગળ વધી રહી છે. 2017માં વડાપ્રધાને ભૂમિપૂજન કર્યા બાદ DBL ને કોન્ટ્રકટ અપાયો હતો. શુક્રવારે મુખ્યમંત્રીના સલાહકાર બી.એન. નવલાવાલાએ અન્ય અધિકારીઓ સાથે ભાડભૂત બેરજની ચાલી રહેલી કામગીરીની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. 2012 માં ₹800 કરોડ અંદાજાયેલ ખર્ચ સામે 14 વર્ષે 2025 માં ₹5322 કરોડમાં યોજના પૂર્ણ થશે.ભરૂચ જીલ્લાના લોકો માટે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ભાડભૂત બેરેજ યોજનાનું કામ હાલમાં પુરજોશમાં ચાલી રહ્યું છે. આગામી વર્ષ 2025 ના અંત ભાગમાં આ કાર્ય પૂર્ણ થઇ જાય તેવી શકયતા છે. મુખ્યમંત્રીના સલાહકાર બી.એન.નવલાવાલા તેમજ અન્ય અધિકારીઓએ જાત મુલાકાત લઇ કામની સમીક્ષા કરી હતી.

ભરૂચ જીલ્લાના નદી કાંઠે આવેલ ખેડૂતો તેમજ નાગરિકોને મીઠું પાણી મળી રહે અને દરિયાનું ખારું પાણી નદીમાં ન ભલે તે માટે ભાડભૂત નજીક બેરેજ યોજના આકાર પામી રહી છે. શુક્રવારના રોજ મુખ્યમંત્રીના સલાહકાર બી.એન.નવલાવાલા, યોજનાનાના સેક્રેટરી કે.બી.રાબડીયા, સી.ઈ. આર.કે.ઝા, એસ.ઇ. આર.જે.રાવ, જીલ્લા કલેકટર એમ.ડી.મોડિયા, પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ, એક્સીક્યુટીવ એન્જીનીયર એચ.કે.કટારીયા, ડી.કે.ગામીત સહિતના અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી. અને કામગીરીની સમીક્ષા કરી હતી. ભરૂચ જીલ્લાના ભાડભૂત તરફના છેડેથી આ સમીક્ષાની શરૂઆત કરવામા આવી હતી.

ભાડભૂત બાદ હાંસોટના ઉતરાજ તરફ ટીમ રવાના થઇ હતી અને ત્યાં પણ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેરેજ બનવાથી દહેજ અને હાંસોટ વચ્ચેનું અંતર પણ ઘટી જશે. બેરેજ ઉપર ચાર માર્ગીય લેન બનાવવામાં આવશે. જેના ઉપરથી વાહનો પસાર થઇ શકશે. આ કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે પરંતુ તેને વધુ વેગવંતી બનાવાય તે માટેની પણ સુચના આપવામાં આવી હતી.ભાડભૂત ખાતે દરિયાના ખારા જળને નાથવા જિલ્લાના સૌથી મહત્વના ₹5322 કરોડના પ્રોજેકટનો શિલાન્યાસ 8 ઓકટોબર 2017 માં ભરૂચમાં વડાપ્રધાન PM નરેન્દ્ર મોદીએ કર્યો હતો . સરદાર સરોવર ડેમના નિર્માણથી નર્મદા નદીમાં પાણીની આવક ઘટવાના પગલે ભરૂચ નજીક નર્મદા નદીના 65 કિલોમીટર વિસ્તારમાં દરિયાના ખારા પાણીનું સામ્રાજય છેલ્લા 25-30 વરસોથી જામ્યુ હતું.ભાડભૂત બેરેજ યોજના વર્ષ 2012 થી કાગળ પર દોડી રહી હતી જો કે 15 હજાર માછીમાર પરિવારોના વિરોધના કારણે યોજનામાં વિઘ્નો ઉભા થવા સાથે મુળ ₹ 800 કરોડની આ યોજના 13 વર્ષે 2025માં 6.5 ગણા ખર્ચે પૂર્ણ થાય તેવી શકયતા છે.
જળસંગ્રહમાંથી કોને કેટલું પાણી અપાશે
500 મિલિયન કયુબીક મીટર મીઠા પાણીનો સંગ્રહ
60 મિલિયન કયુબીક મીટર ઘરવપરાશ
10 મિલિયન કયુબીક મીટર લીફટઈરીગેશન
200 મિલિયન કયુબીક મીટર ઉદ્યોગો માટે
130 મિલિયન કયુબીક મીટર આરક્ષિત
રાજયમાં મત્સ્ય ઉત્પાદનમાં ભરૂચ જિલ્લાનો હિસ્સો 27.80 ટકા
સુચિત રિપોર્ટમાં રાજયમાં ભરૂચ જિલ્લો મીઠા પાણીનું મત્સ્ય ઉત્પાદનમાં 27.80 ટકાનો મોટો હિસ્સો ધરાવે છે . જયારે દરિયાઈ મત્સ્ય ઉત્પાદનનો હીસ્સો માત્ર 0.94 ટકા છે . જેને જોતા મત્સ્યદ્યોગની માળખાકીય સુવિધાઓ , માછીમારોની રોજગારી અને મત્સ્ય પ્રવૃત્તિના સંદર્ભમાં જિલ્લાનું હાલનું મત્સ્ય વ્યવસાયનું ચિત્ર નિમ્ન કક્ષાનું હોવાનું રિપોર્ટમાં સુચવાયુ હતું. જયારે માછીમારોના મત પ્રમાણે વર્ષે તેઓને હિલ્સા માછલી થકી જ કરોડોનું ટર્નઓવર થાય છે .
માછીમારોની 21 ગામોમાં 12638 ની વસ્તી
બેરેજના સૂચિત રિપોર્ટમાં 21 ગામોમાં કુલ 2520 માછીમાર કુટુંબો વસે છે જેની કુલ વસ્તી 12638 હોવાનું દર્શાવાયુ છે. સાથે જ માછીમારોની કુલ વસ્તીના 50 ટકા જ સક્રિય માછીમારો હોવાનું પણ તાકવામાં આવ્યુ છે . મત્સ્ય સાધનોની ઉપલબ્ધિમાં દરેક કુટુંબ અંદાજે 50 જાળ ધરાવે છે અને 20 ટકા કુટુંબો યાંત્રિક કે બિનયાંત્રિક હોડીઓ ધરાવતા હોવાનો રિપોર્ટ રજુ કરાયો હતો. જયારે માછીમારોના જણાવ્યા મુજબ જિલ્લામાં 25 હજારથી વધુ પરિવારો હોવાની કેફિયત રજુ કરાઈ રહી છે.

બેરેજની ડિઝાઈનમાં 1000 વર્ષની ગણતરી
બેરેજની ડિઝાઈન અને બાંધકામ 3 તબક્કામાં પર્યાવરણીય વ્યવસ્થાપન પ્લાનમાં આવરી લેવાયા છે . જેમાં બાંધકામ પહેલા , પછીનો તબક્કો , કુદરતી આફતો જેવી કે ધરતીકંપ , વાવાઝોડુ , ચક્રવાત , સુનામી , ઉંચા મોઝા ઉછરવા , પુર , વગેરે સાથે બેરેજની ડિઝાઈનને વર્ગીકૃત કરાઈ છે . ભાડભૂત બેરેજને સૌથી વધુ જોખમ પુરનુ છે અને તેથી જ તેની ગણતરી છેલ્લા 1000 વર્ષની ધ્યાને લેવામાં આવી છે . ભરતીના પાણીની સ્થિતિમાં પુરનું બેરેજના દરવાજા દ્વારા નિકાલ શકય છે . દરવાજાનુ યોગ્ય સંચાલન દ્વારા કોઈપણ નુકશાન વિના પુર વ્યવસ્થાપન થઈ શકશે .
બેરેજમાં માછીમારોની સમસ્યા નિવારવા 5 મીટરનો ફિશ પેસેજ
જે તે સમયે વિયર કમ કોઝવેનો જબરજસ્ત વિરોધને લઈ માછીમારોના પ્રશ્નોને લઈ ભાડભુત બેરેજ પ્રોજેકટમાં ફીશ પેસેજની વ્યવસ્થા પણ કરાઈ છે . માછીમારો બેરેજમાંથી પોતાની હોડી દ્વારા દરિયામાંથી નદીમાં અને નદીમાંથી દરિયામાં માછીમારી માટે જઈ શકે તે માટે સુચિત બેરેજની ડિઝાઈનમાં 5 મીટર પહોળો ફીશ પેસેજ રાખવામાં આવ્યો છે . આ પેસેજથી દરિયામાંથી આવતી હિલ્સા માછલીઓ નદીના મીઠા જળમાં ઈંડા મુકવા માટે જઈ શકશે તેવુ તારણ પણ આપવામાં આવી હતું.
વિયર કમ કોઝવેની વિશેષતા
લંબાઈ 1663 મીટર
પહોળાઈ 30 મીટર
ઉંચાઈ 3 મીટર ( પાણીની અંદર)
ઉંચાઈ 7 મીટર (પાણીની ઉપર)
દરવાજા 90 વર્ટિકલ
ડિસ્ચાર્જ 77505 ઘન મીટર પ્રતિ સેકન્ડ
બે સ્તંભો વચ્ચેનું અંતર : 15.50 મીટર
પ્રોજેકટ કામગીરી 4 વર્ષમાં પૂર્ણ કરાશે
ફ્લડ પ્રોટેક્શન 41.70 કિ.મી. બન્નેેે કિનારે
એપ્રોચ રોડ 7.29 કિ.મી. ડાબા અને 6.48 કિ.મી. જમણા કાંઠે
નેવિગેશન ચેનલ 6.45 મીટર પહોળાઈના 2 ગાળા
બેરેજની અગત્યતા અને લાભો
નર્મદા નદીમાં ધસી આવતા દરિયાને અટકાવી શકાશે ,ભૂર્ગભ જળની ગુણવત્તા સુધરશે
599 મિલિયન કયુબીક મીટર મીઠા પાણીનું સંગ્રહ શકિત ધરાવતુ જળાશય બનશે
સંગ્રહીત થયેલ મીઠું પાણી ભરૂચ તાલુકાના ગામોને પીવા માટે મળી રહેશે – દહેજના ઉદ્યોગોને વપરાશમાં મીઠું પાણી મળી રહેશે
ભરૂચ અંકલેશ્વર જીઆઈડીસીને ઔધોગિક વપરાશ માટે પાણી પુરૂ પાડી શકાશે
દહેજ – સુરત વચ્ચેના અંતરમાં 18 KM નો ઘટાડો અને ઈધણમાં બચત થશે
ભરતીના સમયે 34000 TDS નું પ્રમાણ
નેરી દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ અનુસાર નર્મદા નદીમાં જળસ્તર ઘટવાના કારણે બેકવોટર ઈફેકટથી દરીયાના પાણી નર્મદા નદીમાં આવી જતા ખારાશની સમસ્યાથી ભરૂચ જિલ્લા ઘણા વરસોથી પ્રભાવિત રહ્યો છે. વિયર કમ કોઝવે પ્રોજેકટના ભાગરૂપે કેન્દ્ર સરકારની નેરી સંસ્થા દ્વારા લખીગામથી કબીરવડ સુધી 35 કી.મી. સુધી નર્મદા નદીમાંથી વિવિધ તબક્કે પાણીના સેમ્પલોની તપાસણી કરવામાં આવી હતી . જેમાં દરિયાઈ લોટાઈડ ( ભરતી સમયે ) નર્મદા નદીના પાણીમાં 1000 થી લઈ 5000 ટીડીએસની માત્રા આવી છે. જયારે હાઈટાઈડ ભરતી સમયે 34000 થી 39000 સુધી ટીડીએસની માત્રા નોંધાઈ છે . જે પીવાલાયક પાણીના 100 થી 150 TDS કરતા અનેક ઘણુ વધુ હોવાથી નર્મદાના પાણી પીવાલાયક નથી.

