Ahmedabad Kalupur Fire Accident : અમદાવાદના કાલુપુર વિસ્તારમાં પાંચકુવા દરવાજા બહાર આવેલી એક કાપડની દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી હતી. ‘આર. કે. ક્રિએશન’ નામની દુકાનમાં લાગેલી આગ શરૂઆતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર હતી, પરંતુ કાપડનો મોટો જથ્થો હોવાથી આગ ઝડપથી ઉપરના માળ સુધી પહોંચી ગઈ હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ચાર માળ સુધી આગની લપેટો
પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગ ગ્રાઉન્ડ ફ્લોરથી શરૂ થઈને ઉપરના માળ સુધી પ્રસરી હતી. ખાસ કરીને ચોથા માળે મોટી માત્રામાં સામાન રાખવામાં આવ્યો હોવાથી ત્યાં આગનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું અને ભારે નુકસાન થયું હોવાની માહિતી છે. દુકાનમાંથી ધુમાડાના ગોટા નીકળતા હોવાની જાણ થતાં પાંચકુવા(Ahmedabad) ફાયર સ્ટેશનની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. શરૂઆતમાં એક ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યું હતું. જોકે, ત્યાં પહોંચ્યા બાદ આગ વધુ ફેલાઈ હોવાનું સામે આવતાં વધારાની ટીમોને બોલાવવામાં આવી હતી. ત્યારબાદ કુલ છ જેટલા ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે દોડી ગયા હતા.
કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ
આગને (Ahmedabad) કાબૂમાં લેવા ફાયર ફાઇટર્સે લાંબા સમય સુધી કામગીરી કરી હતી. ગ્રાઉન્ડ ફ્લોર અને ચોથા માળે આગ વધુ ભભૂકી હોવાથી આસપાસના મકાનોના ધાબા પરથી પણ પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે આગ આસપાસની અન્ય દુકાનો અને રહેણાંક મકાનો સુધી પહોંચતી અટકાવવામાં સફળતા મળી હતી. કલાકોની જહેમત બાદ આખરે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
આ પણ વાંચો:અમદાવાદ નરોડા GIDCમાં કંપનીમાં ભીષણ આગ
આ પણ વાંચો: અમદાવાદમાં કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ
આ પણ વાંચો: અમદાવાદમાં ગરીબોના આશિયાના પર તૂટી પડી આફત, 200 ઝૂંપડાઓ વચ્ચે લાગી વિકરાળ આગ
