Maharashtra News: રાજ્યમાં સરકારી શિક્ષક બનવાનું સપનું સેવતા લાખો યુવા બેરોજગારો પર રવિવારની વહેલી સવારે એક મોટો વજ્રઘાત થયો છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં રવિવારે (૨૮ જૂન) યોજાનારી ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET Exam) શરૂ થાય તે પૂર્વે જ શનિવારે તેનું પ્રશ્નપત્ર સોશિયલ મીડિયા વાયરલ થતા ભારે ખળભળાટ મચી ગયો છે. તંત્ર દ્વારા તાબડતોબ આ પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
TET Exam નું અસલી પેપર છે કે મોક ટેસ્ટ? શિક્ષણ વિભાગ મૂંઝવણમાં
આ ચકચારી ઘટના સામે આવ્યા બાદ મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગ (Maharashtra Education Department)ના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા છે. હાલમાં જપ્ત કરાયેલા પ્રશ્નપત્ર અને અસલી પ્રશ્નપત્રની સઘન સરખામણી કરવામાં આવી રહી છે. જો બંને પેપરના સવાલો એક સમાન નીકળશે, તો આ મામલે તુરંત પોલીસ ફરિયાદ દાખલ કરીને આયોજકો સામે કડક પગલાં લેવાશે. જો કે, સત્તાવાર રીતે હજુ સુધી પોલીસ કે શિક્ષણ બોર્ડ તરફથી કોઈ અંતિમ નિવેદન જારી કરાયું નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે કસોટી સ્થગિત કરી દેવાઈ છે.
4.25 લાખથી વધુ ભાવી ઉમેદવારોનું ભવિષ્ય અધ્ધરતાલ
આ વર્ષે મહારાષ્ટ્રભરમાંથી આશરે 4,28,000 જેટલા પરીક્ષાર્થીઓ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવાના હતા. મહિનાઓની તનતોડ મહેનત બાદ પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાના ગણતરીના કલાકો પહેલા જ આ પ્રકારના સમાચાર મળતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ અને નિરાશા વ્યાપી ગઈ છે. નવી પરીક્ષા ક્યારે લેવાશે તેની તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. મહિનાઓની તનતોડ મહેનત બાદ પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાના ગણતરીના કલાકો પહેલા જ આ પ્રકારના નકારાત્મક સમાચાર મળતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ભારે રોષ, આક્રોશ અને નિરાશા વ્યાપી ગઈ છે. દૂર-દૂરના અંતરિયાળ વિસ્તારોમાંથી પ્રવાસ કરીને આવેલા ઉમેદવારો હવે આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે આ પરીક્ષાની નવી તારીખો આગામી દિવસોમાં સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
પેપર લીકનો સિલસિલો યથાવત: વ્યવસ્થા સામે સવાલો
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં આવી ગેરરીતિ આ પહેલીવાર નથી થઈ. આ પૂર્વે વર્ષ 2025માં પણ કોલ્હાપુર કેન્દ્ર પરથી TET નું પેપર લીક થવાનો વિવાદ સામે આવ્યો હતો. દેશભરમાં હજુ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) ના કૌભાંડની શાહી સુકાઈ નથી, ત્યાં જ વધુ એક મોટી પરીક્ષાનું પેપર ફૂટી જતાં સરકારી એજન્સીઓની સુરક્ષિતતા અને ગોપનીયતાના દાવાઓ પર ગંભીર સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના પરભણીમાં મારુતિ મંદિરનો સભા મંડપ ધરાશાયી, 5 ભક્તોના મોત, 40 દટાયા
આ પણ વાંચો: NEET પેપર લીક મામલે NTA એ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યું સોગંદનામું
આ પણ વાંચો: ગૂજરાત હાઈકોર્ટની અવગણના બદલ શિક્ષણ વિભાગના સચિવને કોર્ટે 1 લાખનો દંડ ફટકાર્યો
