Ahmedabad News: અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા મથુરા નગરી ઔડાના મકાનમાં AMCના સફાઈ કામદારની હત્યા (AMC Worker)ની ઘટના (Thaltej Murder) સામે આવી છે. દીકરાને બીડી-સિગારેટ લેવા મોકલવા બદલ ઠપકો આપતાં ઉશ્કેરાયેલા શખસે પિતા પર છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન કનુભાઈનું મોત નીપજ્યું હતું. આ મામલે પત્નીની ફરિયાદના આધારે બોડકદેવ પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપી ધ્રુવ મકવાણાની શોધખોળ શરૂ કરી છે.
Thaltej Murder: દીકરાને સિગારેટ લેવા મોકલતો હોવાથી ઠપકો આપ્યો
મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે કનુભાઈ ઘરેથી સામાન લેવા માટે બહાર નીકળ્યા હતા. તે દરમિયાન તેમનો દીકરો માનવ આવાસના બ્લોકમાં નીચે બેઠો હતો. ત્યાં કનુભાઈના સમાજનો જ અને ઘાટલોડિયામાં રહેતો ધ્રુવ મકવાણા પણ હાજર હતો.
આરોપી ધ્રુવ અવારનવાર કનુભાઈના દીકરાને ગલ્લા પરથી બીડી અને સિગારેટ લેવા મોકલતો હતો. ગઈકાલે રાત્રે પણ તેણે માનવને બૂમ પાડીને સિગારેટ લાવવા કહ્યું હતું. આ વાત કનુભાઈએ સાંભળી જતાં તેમણે ધ્રુવને ઠપકો આપ્યો હતો.
સામસામે લાફા માર્યા બાદ છરીથી હુમલો
કનુભાઈએ ધ્રુવને કહ્યું હતું કે, ‘મારો દીકરો નાનો છે, તેની પાસે બીડી-સિગારેટ કેમ મંગાવે છે?’ આ વાતથી ધ્રુવ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે કનુભાઈને લાફો મારી દીધો હતો. ત્યારબાદ કનુભાઈએ પણ સામેથી લાફો માર્યો હતો.
આ દરમિયાન ધ્રુવે પોતાના પેન્ટમાંથી છરો કાઢીને કનુભાઈની ડાબી સાથળના ભાગે ઘા માર્યો હતો. હુમલો કર્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો (Ahmedabad Crime) હતો.
સારવાર દરમિયાન મોત, પત્નીએ નોંધાવી ફરિયાદ
હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કનુભાઈને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
બીજી તરફ, કનુભાઈનાં પત્ની મીનાબેને ધ્રુવ મકવાણા વિરુદ્ધ બોડકદેવ પોલીસ (Bodakdev Police) સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: રાજકોટમાં હત્યા કાંડ,કોઠારીયા રોડ પર 40 વર્ષીય નરેશ વ્યાસની છરી મારી હત્યા
આ પણ વાંચો: રાજકોટમાં બે અલગ-અલગ હત્યાથી ચકચાર, યુવક અને વેપારીની છરીના ઘા મારી હત્યા
આ પણ વાંચો: નવરાત્રિની રાતે રાજકોટમાં લોહિયાળ ખેલ! 28 વર્ષીય યુવકની છરીના ઘા મારી હત્યા
